ઝી બ્યુરો/કચ્છ: તંત્રની બેદરકારીને કારણે હાલ કચ્છનું નાનું રણ સરોવર બની ગયું છે. જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી ભરાયેલું હોવાથી ઘુડઘર અને વન્ય જીવસૃષ્ટિ પર અસર થઇ રહી છે. અગોરિયાઓના હાલ બેહાલ થયા છે.
તસવીર જોઈ તમને લાગશે કે આ કોઈ સરોવર હશે. પરંતુ આ સરોવર નહીં કચ્છનું નાનું રણ છે. તમને થશે કે રણમાં પાણી ક્યાંથી હોય? રણમાં તો રેત હોય પરંતુ પાણી ક્યાંથી આવ્યું? તો આની માટે જવાબદાર છે નિંદ્રાધીન વહીવટી તંત્ર. આ તંત્રના પાપનો જ પ્રતાપ છે કે રણમાં લાખો લીટર પાણી વેડફાઈ ગયું છે. અને તેના કારણે મીઠાના અગરિયાઓ પાયમાલ થઈ ગયા છે.
સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકામાં આવેલા ખારાઘોડાના રણમાં નર્મદાનું પાણી છેલ્લા ઘણા સમયથી વહી રહ્યું છે. રુપેણ નદી, પાટડી, બજાણા, ખોડ, અજીતગઢ અને માનગઢ વોકળામાંથી છેલ્લા અઢી મહિનાથી પાણીનો વેડફાટ થઇ રહ્યો છે. ઝિંઝુવાડા, ખારાગોઢા અને બોડારણમાં પાણી વેડફાયું. ત્યારે ઘુડખર અને વન્ય જીવસૃષ્ટિ પર પણ અસર થઇ રહી છે. છેલ્લા અઢી મહિનાથી કચ્છના નાના રણમાં નર્મદાનું લાખો ક્યુસેક પીવાલાયક પાણીનું બેફામ વેડફાઈ રહ્યું છે. નર્મદા નિગમના અનેક અધિકારીઓને આ બાબતની જાણકારી હોવા છતા પણ પગલા લેવામાં આવતા નથી.
અનેકવાર કેનાલમાં ગાબડા પડવાની પણ ઘટનાઓ સામે આવતી હોય છે તો ક્યારેક પાઈપ લાઈન લિંકજની પણ ઘટના સામે આવતી હોય છે. કહેવાય છે જળ એજ જીવન છે પરંતુ આ અધિકારીઓ ક્યારે સમજશે તે સૌથી મોટો સવાલ છે. કેવડિયાથી 400 કિલોમીટરથી વધુ દૂર કચ્છમાં નર્મદાનું પાણી પહોંચાડવા માટે ગુજરાત સરકાર લાખો રૂપિયાનો ખર્ચ પણ કર્યો છે, પરંતુ તંત્રના પાપે પાણીનું વેડફાટ થવાનું અટકતું નથી. ત્યારે જનતાને પાણીનું મૂલ્ય સમજાવતી સરકાર પોતાના અધિકારીઓને ક્યારે જ્ઞાન આપે છે તે જોવું રહ્યું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે