અલ્કેશ રાવ/બનાસકાંઠા: મોટાભાગે IPS અને IAS અધિકારીઓ ફરજમાં જ વ્યસ્ત હોય છે. પરંતુ ગુજરાતના IPS અશોકકુમાર યાદવે બનાસકાંઠાના આદિવાસી વિસ્તારની ગરીબ બાળાઓને દત્તક લઈને તેમને ભણાવવાનો ખર્ચ પોતે ઉઠાવ્યો છે. ત્યારે તે દર વર્ષે પોતાનો જન્મદિવસ બનાસકાંઠાના આદિવાસી બાળકો સાથે ઉજવે છે. આ વર્ષે તેઓએ પુલવામા થયેલા હુમલાના કારણે જન્મદિનની ઉજવણી કરી ન હતી. તેઓએ આજના દિવસને શ્રદ્ધાંજલિના કાર્યક્રમરૂપે ઉજવી હતી.
સામાન્ય રીતે કોઈ IPS કે IAS અધિકારી પોતાની ફરજમાં રહીને સમાજ સેવાના અનેક કાર્ય કરતા હોય છે. ત્યારે IPS અશોકકુમાર યાદવ જ્યારે બનાસકાંઠામાં એસપી હતા ત્યારે તેવોએ અમીરગઢની ગરીબ આદિવાસી બાળાઓ સારું શિક્ષણ મેળવી શકે તે માટે તેમના જન્મદિવસે 25 જેટલી બાળાઓને દત્તક લીધી હતી. અને તેમના અભ્યાસનો તમામ ખર્ચ ઉઠાવ્યો હતો. જોકે ત્યાર બાદ તેવો દર વર્ષે પોતાનો જન્મદિવસ આ દત્તક લીધેલી બાળકીઓ સાથે વિતાવે છે.
ત્યારે તેમને જોઈને બનાસકાંઠાના તત્કાલીન કલેકટર દિલીપ રાણાએ પણ તે જ વિસ્તારની 25 બાળકીઓને દત્તક લીધી હતી. ત્યાર બાદ અનેક સેવાભાવી લોકોને આગળ આવીને અમીરગઢના વિરમપુર વિસ્તારની 100 બાળકીઓને દત્તક લઈને તેમનો ખર્ચ ઉઠાવ્યો છે. તેથી IPS અશોક યાદવના જન્મદિવસ 20 ફેબ્રુઆરીના આ વિસ્તારમાં કન્યા કેળવણી સંકલ્પ તરીકે ઉજવવામાં આવે છે. અને એમાં IPS અશોકયાદવ અને IAS દિલીપ રાણા ઉપસ્થિત રહે છે.
આ વર્ષે પણ તેઓ પોતાના જન્મદિવસ નિમિત્તે વિરમપુર ખાતે પોહચ્યા હતા. ત્યારે તેમની સાથે અનેક અધિકારીઓ અને બનાસડેરીના ચેરમેન શંકર ચૌધરી પણ ઉપસ્થિત રહ્યા હતા. પરંતુ આજે તેઓએ જન્મદિવસની ઉજવણી કરી ન હતી. તેઓએ માત્ર બાળકો સાથે સમય વ્યતિત કરી માત્ર દેશ ભક્તિના ગીતો સાથે પોતાના જન્મદિવસની ઉજવણી કરી હતી. મોટાભાગે IPS પોતાની ફરજમાં વ્યસ્ત હોય છે. પરંતુ આદિવાસી વિસ્તારમાં ખાસ કન્યાઓ અભ્યાસ કરે તે માટે કન્યા કેળવણી અભિયાન હાથધર્યું છે.
IAS અને IPS અધિકારીઓ સરકારની સૂચના મુજબ સમાજ અને શિક્ષણ માટે કામ કરતા જ હોય છે. પરંતુ અશોકકુમાર યાદવ અને દિલીપ રાણાએ ન માત્ર સરકારી પરંતુ પોતાના ખર્ચે બાળકોને શિક્ષણ માટેનું સંકુલ આપી સનદી અધિકારીઓમાં એક નવું કદમ ભર્યું છે. ત્યારે તેમને જોઈને અનેક લોકોએ આદિવાસી વિરમપુર વિસ્તારમાં શિક્ષણની જ્યોત પ્રગટાવી છે.
બનાસકાંઠાના આદિવાસી પંથકમાં આદિવાસી બાળાઓ અભ્યાસ કરે તે સપના સમાન હતું. પરંતુ IPS અને IAS અધિકારી દ્વારા બાળાઓને દત્તક લઈને તેમનો ખર્ચ ઉઠાવતા આજે અનેક આદિવાસી બાળકીઓ અભ્યાસ કરી રહી છે તેને લઈને આ વિસ્તારના લોકો આવા અધિકારીઓને સલામ કરી રહ્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે