ગીર-સોમનાથ :ગીર સોમનાથ જિલ્લામાં વસતા 3,481 સીદી સમાજના મતદારો માટે ઇતિહાસમાં પ્રથમ વખત ચૂંટણી પંચ ત્રણ અલાયદા મતદાન બુથ તૈયાર કરાશે. આ બુથ વિવિધતામાં એકતા અને ભારતીય લોકશાહીની શક્તિના સાક્ષી આપનાર બનશે. સદીઓ પહેલા જૂનાગઢના નવાબ દ્વારા મજૂરી કામ માટે ગુલામ તરીકે લવાયેલા આફ્રિકન પ્રજાતિના લોકો વર્ષો બાદ હવે પૂર્ણતઃ ભારતીય બન્યા છે. ભાષા અને રહેણીકરણીથી લઈને મતાધિકાર સુધી તેઓ ભારતીય છે. ભારતીયતા તેઓની રગેરગમાં ઝળકે છે.
અંદાજે 15 મી સદી બાદ જૂનાગઢના તત્કાલીન નવાબે ઉપરકોટનો કિલ્લો બંધાવવા માટે ગુલામો તરીકે કેટલાક આફ્રિકન લોકોને લાવવામાં આવ્યા હતા. ઉપરકોટના કપરા ચઢાણમાં પણ આફ્રિકન પ્રજાતિના આ લોકોએ કોઈપણ યાંત્રિક મદદ વગર અનેક ટનનો વજન ઉપર ચઢાવ્યા હતા. જેને કારણે ઉપરકોટનો કિલ્લો બન્યો હતો. કિલ્લાનું કામ પૂર્ણ થયા બાદ જુનાગઢના રાજાએ તેમને વસવાટ આપ્યો હતો. નવાબે તેમને ગીર જંગલની મધ્યમાં જાંબુર નામનું નાનું એવું ગામ આપ્યું, જ્યાં આ પ્રજાતિ વસી હતી. પહેલા એવુ લાગ્યુ હતું કે, સિંહો આ પ્રજાતિને ખાઈ અને ખતમ કરી દેશે. પરંતુ આફ્રિકામાં સિંહો સાથે ઉછરેલી આ પ્રજાતિ એશિયાઈ સિંહોને જોઈને વધુ ઉત્સાહિત થઈ. તેમને થયું કે પોતે વતન પહોંચી ગયા. અને આ રીતે સદીઓથી તેઓ ગીરના જાંબુર ગામમાં વસ્યા છે.
આ પણ વાંચો : AAPના CMના ઉમેદવાર જાહેર થતાં જ ઈસુદાને કહ્યું, રાજકારણ મારો શોખ નહી મજબૂરી છે
સીદી સમાજ એ ગુજરાતની અસ્મિતાનો અભિન્ન અંગ છે. દેશ વિદેશમાંથી આવતા મહેમાનો આફ્રિકી ભારતીય સીદી સમાજનું ધમાલ નૃત્ય જોવાનું અચૂક પસંદ કરે છે. ત્યારે ભારતના ચૂંટણી પંચ દ્વારા પણ ગુજરાતના અભિન્ન અંગ પરંતુ ભૃપૃષ્ઠ અને લાક્ષણિકતાની દ્રષ્ટિએ આ વિશિષ્ટ પ્રજાતિને ચૂંટણી પ્રક્રિયામાં વિશેષ સન્માન આપ્યું છે. પહેલીવાર સીધી સમુદાય માટે જાંબુર અને માધુપુર ગામે ત્રણ વિશેષ બુથ તૈયાર કરવામાં આવશે. કુલ 3481 સીદી સમાજના મતદારો પોતાના માટે ખાસ બનેલા બૂથમાં મતદાન કરશે અને પોતાની ભારતીયતાનો ગૌરવ લેશે. ત્યારે આ નિર્ણય પર સીદી સમાજના અગ્રણી હાસમ મુસાગરાએ ખુશી વ્યક્ત કરી હતી.
મહાત્મા ગાંધી સાઉથ આફ્રિકામાં ભણ્યા અને બેરિસ્ટર તરીકે ત્યાં સેવા પણ આપી. પોતાનો પ્રથમ સત્યાગ્રહ અને પ્રથમ આશ્રમ પણ ગાંધીજીએ સાઉથ આફ્રિકામાં કર્યા હતા. ત્યારે ભારત અને આફ્રિકાની મિત્રતા તેમજ મહાત્મા ગાંધીની સ્મૃતિ સ્વરૂપે ગીર ગ્રામ્ય વિસ્તારમાં ત્રણ વિશેષ બૂથ બનાવવામાં આવશે. આ લોકશાહીની સુંદરતા અને વૈવિધ્યતાના ઉદાહરણ રૂપ બનશે તેવુ ગીરસોમનાથના કલેક્ટર રાજદેવસિંહ ગોહિલે જણાવ્યું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે