સુરત: આખા દેશને જેણે હચમચાવી નાખ્યો છે તે સુરતના અગ્નિકાંડ પર હવે નેતાઓ રાજકારણ રમવા લાગી ગયા છે. રાજકારણ ગરમાયું છે. 22 માસૂમ બાળકોએ કોઈ પણ વાંક વગર પોતાના જીવ ગુમાવ્યાં. દેશે આશાસ્પદ ભવિષ્ય ધરાવતા વિદ્યાર્થીઓ ગુમવ્યાં. હવે આ મુદ્દે નેતાઓ પોતાના રાજકીય રોટલા સેકી રહ્યાં છે. કોંગ્રેસના નેતા હાર્દિક પટેલ આજે સુરતના ઘટનાસ્થળે પહોંચ્યાં. હાર્દિકનો ત્યાં ખુબ વિરોધ થયો. હાર્દિક પર ચંદ્રેશ નામના એક વ્યક્તિએ હુમલો કરવાનો પણ પ્રયત્ન કર્યો જેનો વીડિયો વાઈરલ થયો છે. જો કે પોલીસે આ વ્યક્તિની અટકાયત કરી લીધી છે. અત્રે જણાવવાનું કે અગાઉ હાર્દિક પટેલે ટ્વિટ કરીને કહ્યું હતું કે જો સરકાર કોઈ પગલાં નહીં લે તો તેઓ આજે સાંજે ઉપવાસ આંદોલન પર બેસશે.
હાર્દિકના સમર્થકોનો આરોપ, પાસના જૂના કાર્યકરો કરી રહ્યાં છે વિરોધ
હાર્દિકના વિરોધ પર હાર્દિક સમર્થકોએ કહ્યું કે પાસના જૂના કાર્યકર્તાઓ હાર્દિક પટેલનો વિરોધ કરી રહ્યાં છે. આ બાજુ હાર્દિક પટેલે આજે ટ્વિટ કરીને કહ્યું હતું કે ''હું ભોગ બનેલા બાળકોના પરિવારને ન્યાય અપાવીશ અને પોતાની જવાબદારીથી દૂર ભાગનારા અધિકારીઓને સજા અપાવીને રહીશ.'' હાર્દિકે એમ પણ કહ્યું કે ''જો ન્યાય નહીં મળે તો આજ સાંજથી હું સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની કચેરી સામે ધરણા પર બેસીશ. ચારે બાજુ માતમ છે અને બીજી બાજુ ભાજપ પોતાના વિજય ઉત્સવમાં વ્યસ્ત છે. સૂરતની જનતા પાસેથી કરોડોનો ટેક્સ વસૂલાય છે પરંતુ સુવિધા અપાતી નથી.''
હાર્દિક પટેલે માંગણી કરી છે કે સરકારને હું 12 કલાકનો સમય આપું છું કે સુરત મેયરનું રાજીનામુ લેવામાં આવે. તેમજ ગેરકાયદેસરક બિલ્ડીંગ બનાવવાની પરમિશન આપનાર અધિકારી તેમજ સમયસર ઘટનાસ્થળે ન પહોંચનાર ફાયર બ્રિગેડના અધિકારી પર પગલા લેવામાં આવે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે