મૌલિક ધામેચા/અમદાવાદ: અમદાવાદમાં દિવસેને દિવસે પૈસા પડાવવાની ઘટનાઓ વધુ બનતી જાય છે. જેને લઇ સક્રિય થયેલી અસલી પોલીસ કાર્યરત થઇ છે. પણ આ અસલી પોલીસ જ્યારે આ પ્રકારના ગુનેગારોને શોધવામાં હતી. ત્યારે ઝડપાઇ ગયા બે નકલી પોલીસ. અને તે પણ PSIના પોલીસ ડ્રેસમાં. આ માસ્ટરમાઇન્ડ નકલી પોલીસ ઝોન 5 ડીસીપીની સ્ક્વોડ પેટ્રોલીંગ કરતી કરતી ખોખરા વિસ્તારમાં પહોંચી ત્યાંરે ખોખરા સર્કલ ખાખી વર્દીમાં અને બીજો વ્યક્તિ ખાનગી કપડામાં લોકોના વાહન ચેક કરતા મળી આવ્યા હતા.
જે લોકો પાસે ડોક્યુમેન્ટ ન હોય તે લોકોને ધમકીઓ આપી રૂપિયા પડાવતા હતા. જેને લઇને પોલીસે ત્યાં જઇને ખાખી વર્દીમાં હાજર વ્યક્તિની પૂછપરછ કરી રહી હતી. સામાન્ય રીતે શહેરમાં કામ કરતા અધિકારીઓ એકબીજાને ઓળખતા જ હોય છે. પણ ખાખી વર્દીમાં રહેલા વ્યક્તિને ઝોન 5 સ્ક્વોડ ઓળખી ન શકી હતી. જેથી ઘનિષ્ઠ પૂછપરછ કરતા તે નકલી પોલીસ હોવાનું સામે આવ્યું અને પોલીસે બંને આરોપીની ધરપકડ કરી હતી.
આરોપી ઘનશ્યામ દલવાડીએ PSIનો ડ્રેસ ધારણ કર્યો હતો. અને તેની સાથેનો ભરત ઠાકોર ખાનગી કપડામાં હતો. અને પોલીસ હોવાનો ડોળ કરતો હતો. હાલ બંનેની ધરપકડ કરી પૂછપરછ કરતા આરોપી ઘનશ્યામ દલવાડીએ હોમગાર્ડનો ડ્રેસ ખરીદી તેની પર બે સ્ટાર અને નેમપ્લેટ લગાવી નકલી PSI બની ગયો હોવાનું કબુલ્યું છે. એટલું જ નહિ પોલીસે જ્યારે PSIના ડ્રેસમાં તેને જોયુંતો ડ્રેસ પર મોરબી પોલીસ લખ્યું હતું.
પીએસઆઇના ડ્રેસમાં જે લેધર મટિરિયલનો પટ્ટો હોય છે તે નહિ પણ હોમગાર્ડના ડ્રેસમાં જે પટ્ટો હોય છે તે પટ્ટો હોવાથી તે સ્થળ પર જ નકલી પોલીસ સાબિત થઇ ગયો હતો. આરોપી અમદાવાદ શહેરમાં અનેક વિસ્તારોમાં ચેકિંગ કરવાના બહાને ફરતો હતો. તેનો કોઇ ચોક્કસ વિસ્તાર પકડાવવાની બીકે ટાર્ગેટ કરતો ન હતો. તો આરોપી ઘનશ્યામ દલવાડી વિરુધ ત્રણેક વર્ષ પહેલા સરકારી નોકરી અપાવવાની લાલચ આપી પૈસા પડાવ્યા હોવાની ફરિયાદ તે બાબતે હવે પોલીસે તપાસ શરૂ કરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે