ખેડાઃ તાજેતરમાં ખેડા નજીક એક્સપ્રેસ વે પર વાસદ નજીક એક પાંચ વર્ષનું બાળક તરછોડાયેલી હાલતમાં મળી આવ્યું હતું. આશરે સવા બે વર્ષ પહેલા નડિયાદ નજીક પણ એક દીકરીને તરછોડી દેવામાં આવી હતી. આ કેસમાં પોલીસ કોન્સ્ટેબલની શાનદાર કામગીરીએ ભેવા ભેદ ઉકેલ્યા કે વાંચીને તમારા પણ રૂવાટા ઉભા થઈ જશે.
નડિયાદના બિલોદરા પાસે સવા બે વર્ષ પહેલા મહિલાની હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવી હતી. આ મૃતદેહ પાસેથી 3 વર્ષની નાની બાળકી મળી આવી હતી. જે અનડીટેક્ટ ગુનો જે એમઓ સાથે થયો તેવો અન્ય ગુનો પડોશી આણંદ જિલ્લામાં અઠવાડિયા અગાઉ થયેલો હતો. જોકે આ આણંદ નજીક બનેલા ગુનામાં 5 વર્ષના બાળકનો બચાવ થયો હતો. આ બંને કેસની પોલીસે એનાલીસીસ કર્યા બાદ એક વસ્તુ કોમન આવી કે, તરછોડાયેલા બંને બાળકોની આંખો સરખી આવે છે. એટલે પોલીસે આ બાળકોને વીડિયો કોલ મારફતે ભેટો કરાવતા બંનેએ એકબીજાને ઓળખ્યા હતા.
આણંદ એક્સપ્રેસ વે નજીક મળેલા બાળકની માહિતી નડિયાદમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા પ્રદીપસિંહને મળી હતી. આ ઘટનાને જોતા પ્રદીપસિંહના મગજમાં સળવળાટ થયો. 6 ડિસેમ્બર 2022ના નડિયાદની પાસે આ રીતે એક બાળકી ગંભીર રીતે ઈજાગ્રસ્ત હાલતમાં મળી આવી હતી. કોન્સ્ટેબલ પ્રદીપસિંહે આ બંને કેસની કડીઓ જોડવાનો પ્રયાસ કર્યો હતો. પ્રદીપસિંહે આ બાળકની વાતચીત બે વર્ષ પહેલા મળી આવેલી ખુશી સાથે કરાવી હતી. વીડિયો કોલમાં એક તરફ કનૈયાને જોઈ ખુશી બોલી કે આ મારો ભાઈ છે. એટલે કે તે નક્કી થઈ ગયું કે ખુશી અને કનૈયા ભાઈ-બહેન છે. હવે પોલીસ સામે પડકાર તેના પિતાને શોધવાનો હતો.
આ ઘટના બાદ કોન્સ્ટેબલ પ્રદીપસિંહે 7 ફેબ્રુઆરી 2025 અને 6 ડિસેમ્બર 2022ની તારીખના ટેલીફોન ડેટાનું એનાલિસિસ કર્યું હતું. આ દરમિયાન તેમને કેટલાક શંકાસ્પદ નંબરો મળી આવ્યા હતા. આ દરમિયાન એક નંબર ઉદયનો હોવાનું સામે આવ્યું હતું. અંતે આ નંબર પર નજર રાખવામાં આવી અને તેનું લોકેશન અમદાવાદમાં સોનીની ચાલીનું મળ્યું હતું.
પિતા ઝડપાયો અને થયા ખુલાસા
ત્યારબાદ પોલીસની ટીમ અમદાવાદ ખાતે આવેલી સોનીની ચાલી પહોંચે છે અને ઉદયને ઝડપી લેવામાં આવે છે. ઉદયની પૂછપરછ બાદ તે સ્વીકારે છે કે આ બંને બાળકો મારા છે. જ્યારે બે વર્ષ પહેલા મળેલી લાશ વિશે પૂછતા ઉદયે કહ્યું કે આ મારી પહેલી પત્નીની લાશ હતી. તેનાથી બે બાળકો ખુશી અને કનૈયા થયા હતા.
ઉદયને એક મહિલા સાથે પ્રેમ થઈ ગયો હતો. ત્યારબાદ તેણે પોતાની પહેલી પત્ની અને દીકરી ખુશીની હત્યાનો પ્લાન બનાવ્યો હતો. પરંતુ દીકરા કનૈયાને સાથે રાખ્યો હતો. ઉદયે અમદાવાદમાં આવી પ્રેમિકા સાથે લગ્ન કર્યા હતા. આ દરમિયાન તેની બીજી પત્નીને દીકરો પસંદ ન આવતા તેને પણ મારી નાખવાનો પ્લાન બનાવ્યો હતો. પરંતુ સદનસીબે આ દીકરો બચી ગયો હતો. પ્રથમવાર પત્નીની હત્યા બાદ પોલીસના હાથે ન ચડતા ઉદયને વિશ્વાસ હતો કે મારી મોડસ ઓપરેન્ડી ચાલી રહી છે અને પોલીસને આ વાતનો ખ્યાલ આવશે નહીં.
નડિયાદના બીલોદરા ગામ પાસેના એક્સપ્રેસ હાઈવે નજીક ઝાડી ઝાખરામાથી સવા બે વર્ષ પહેલા મહિલાને ગળે ટૂંપો આપી હત્યા કરાયેલો મૃતદેહ મળી આવ્યો હતો. આ મૃતદેહની બાજુમાં એક 3 વર્ષની દિકરી રડતી હતી. નડિયાદ ગ્રામ્ય પોલીસે આ મામલે હત્યાનો ગુનો નોંધી ત્રણ વર્ષની મળી આવેલી દિકરીને નડિયાદ માતૃછાયા અનાથ આશ્રમમાં મોકલી આપી હતી. જ્યાં સંસ્થા તેણીનો ઉછેર કરતી હતી. જે તે સમયે પોલીસની તપાસમાં આ મૃતક મહિલાનુ નામ તેણીની પૂજા બતાવતી હતી અને તેની માતા થતી હોવાનું દિકરી રટણ કરતી હતી.
આ ઉપરાંત આ મળી આવેલી દિકરીની જે બોલી હતી તે ઉત્તરપ્રદેશની બોલી સાથે મેચ થતી હોવાથી પોલીસે ઉત્તરપ્રદેશના મતદારોની ચકાસણી કરી હતી. પરંતુ આમ છતાં પણ પોલીસને કોઈ સફળતા મળી નહોતી. આ ઉપરાંત પોલીસે નડિયાદ, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, મહીસાગર, ગાંધીનગર તેમજ આંતરરાષ્ટ્રીય રૂટ પર 200 અને જાહેર જગ્યા ઉપર બાળકીના ફોટોગ્રાફ સાથેના આશરે 2500 જેટલા પોસ્ટરો પણ લગાવ્યા હતા. આમ છતાં પણ આ કેસ વણઉકેલ્યો રહ્યો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે