રાજકોટઃ આજકાલ હાર્ટ એટેકના કેસ અને તેનાથી મોત થવાના સમાચાર સતત સામે આવી રહ્યાં છે. નાની ઉંમરના લોકો પણ હાર્ટ એટેકનો શિકાર બની રહ્યાં છે. રાજકોટમાં વધુ એક વ્યક્તિએ હાર્ટ એટેકને કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. રાજકોટના મોરબી રોડ પર જકાતનાકા પાસે લાલપરી-2મા રહેતા ભીખાભાઈ જકશીભાઈ બારીયા (ઉંમર વર્ષ 52) દીકરાની સગાઈ કરવા માટે જોડીયા ગામે ગયા તો વેવાઈના ઘરે હાર્ટ એટેક આવી ગયો હતો.
દીકરાની સગાઈ કરવા ગયાને આવ્યો હાર્ટ એટેક
પ્રાપ્ત વિગત અનુસાર મોરબી રોડ જકાતનાકા પાસે રહેલા ભીખાભાઈ બારીયા રવિવારે પોતાની પરિવારજનો સાથે દિકરાની સગાઈ કરવા માટે જોડીયા ગામ ગયા હતા. ત્યારે સગાઈ વિધિ શરૂ થાય તે પહેલા દીકરાના પિતા ભીખાભાઈને અચાનક છાતીમાં દુખાવો ઉપડ્યો હતો. તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા, પરંતુ તેમનું મૃત્યુ થયું હતું.
બીજીતરફ દીકારાને આ ઘટનાની જાણ ન કરી સગાઈ પ્રસંગ આટોપી લેવામાં આવ્યો હતો. ઘરે ખુશીના પ્રસંગ વચ્ચે ભીખાભાઈનું મૃત્યુ થવાને કારણે બારીયા પરિવારમાં દુખદ માહોલ જોવા મળ્યો હતો. ભીખાભાઈને પરિવારમાં એક દીકરી અને ત્રણ દિકરા છે. તેઓ મજૂરી કામ કરતા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે