ગૌરવ દવે/રાજકોટ :રાજકોટના કુવાડવા રોડ પર રહેતા 21વર્ષીય છાત્ર સાથે ચોંકાવનારી ઘટના બની હતી. ગે પાર્ટનરને મળવા ગયેલા વિદ્યાર્થીને ગોંધી રાખીને તેનો અર્ધનગ્ન વીડિયો ઉતારવામં આવ્યો હતો. ત્યાર બાદ તેને વાયરલ કરવાની ધમકી આપીને 50 હજાર રૂપિયા માંગવામાં આવ્યા હતા. યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધી ચાર શખ્સને સંકજામાં લીધા છે. વિદ્યાર્થી ગેને લગતી એપ્લિકેશનમાં રજિસ્ટ્રેશન બાદ મળવા બોલાવી આ કામ કર્યુ હતું.
ચાર શખ્સો પોલીસ સકંજામાં..
રાજકોટની યુનિવર્સિટી પોલીસે અફીદ ફીરોઝ કાદરી, અમન સલીમભાઈ કાદરી, સોહીલ હાજીભાઈ કાદરી અને ભાર્ગવ રાજેશ ડાભીની ધરપકડ કરી છે. જેઓએ રાજકોટના એક વિદ્યાર્થીને ગે પાર્ટનર સાથેની અંગત પળનો વીડિયો ઉતારીને બ્લેક મેલીંગ કર્યો હતો. સમગ્ર મામલે પર નજર કરીએ તો, મૂળ સાયલા પંથકના અને હાલ કુવાડવા રોડ પરની સોસાયટીમાં રહેતો 21 વર્ષીય યુવક ભોગ બન્યો હતો. યુવક બી.કોમના અંતિમ વર્ષમાં પાંચમાં સેમેસ્ટરમાં અભ્યાસ કરે છે. તે ત્રણેક દિવસ પહેલા ગેને લગતા વોટ્સએપ ગ્રુપમાં એડ થયો હતો. ગઈકાલે બપોરે તેને અજાણ્યા વ્યકિતએ HI નો મેસેજ કર્યો હતો અને કે.કે.વી હોલ પાસે મળવા માટે બોલાવ્યો હતો. જેથી યુવક જણાવેલી જગ્યા પર મળવા ગયો હતો.
આ પણ વાંચો : દમણના દરિયે ન્હાવા જવાના હોય તો ખાસ ધ્યાન રાખજો, લગાવાયો વધુ એક પ્રતિબંધ
સામેવાળ વ્યક્તિએ તેને રવિવાર હોવાથી નાણાંવટી ચોકમાં આવેલા આવાસ યોજનાના કવાર્ટરમાં વિંગ-૧૩માં પહેલા માળે આવેલા કવાર્ટરમાં લઈ ગયો હતો. રૂમનું તાળું ખોલી બંને અંદર ગયા તે સાથે જ બીજા ત્રણ અજાણ્યા માણસો રૂમમાં ધસી આવ્યા હતા. તેમણે રૂમ અંદરથી બંધ કરી દીધો હતો. બાદમાં તેને છરી બતાવી કહ્યું કે તારી પાસે પાકીટ, મોબાઈલ ઉપરાંત જે હોય તે આપી દે, નહીતર અહીં જ પતાવી દઈશું. પછી યુવકને રૂમમાં ગોંધી રાખી તેની પાસેથી 400 રૂપિયા પડાવી લીધા હતા. એટલુ જ નહિ, તેનો અર્ધનગ્ન હાલતમાં તેનો વીડિયો ઉતારી લીધો હતો. આ વીડિયો વાયરલ નહી કરવા બદલ રૂપિયા ૫૦ હજારની માંગણી કરી હતી. રાજકોટનો આ ચોંકાવનારો બનાવ પ્રકાશમાં આવ્યો હતો. ગાંધીગ્રામ-૨ યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધી આ કૃત્ય કરનાર ચાર સભ્યોની ટોળકીને સકંજામાં લઈ તપાસ આગળ ધપાવી છે.
શા માટે આવું કૃત્ય કર્યું ?
રાજકોટ પોલીસના એસીપી પ્રમોદ દિયોરાના કહેવા મુજબ, આરોપીઓ ગે માટેનું વોટ્સએપ ગ્રૂપ ચલાવે છે. જેમાં ભોગ બનનાર યુવક એડ થયો હતો. આરોપીઓની પૂછપરછમાં સામે આવ્યું હતું કે, મોજશોખ માટે આવા ગે લોકોને પોતાનો શિકાર બનાવતા હતા અને રૂપિયા પડાવતા હતા.
આ પણ વાંચો : અમદાવાદીઓ એલર્ટ રહેજો, 30 અને 1લી તારીખે આ વિસ્તારોમાં વાહન પાર્ક કર્યું તો પોલીસ ફરિયાદ થશે
અર્ધનગ્ન કરીને યુવકનો વીડિયો બનાવ્યો
યુવકે પોલીસ ફરિયાદમાં લખાવ્યું હતું કે, કેકેવી ચોકમાં મળવા આવેલા આરોપીનું નામ ભાર્ગવ છે. બાકીના ત્રણેય આરોપીઓએ કવાર્ટર પર આવી અર્ધનગ્ન હાલતમાં વીડિયો ઉતારી રૂપિયાની માંગણી કરી હતી. આરોપીઓએ ખાલી ચડી પહેરેલી હાલતમાં તેની પાસે એવું બોલાવડાવ્યું કે, હું આ વોટ્સએપ ગ્રૂપ મારફત નાની ઉંમરના છોકરાઓ સાથે સંપર્ક કરી, તેમને મળવા બોલાવી, તેની સાથે સંબંધ રાખું છું. હવે પછી હું આવું નહી કરું. મને માફ કરી દો. હાલ પોલીસે ચારેય શખ્સના વોટ્સએપ ગ્રૂપ અને તેની ડીલીટ કરેલી માહિતી રિકવર કરવાની પ્રક્રિયા હાથ ધરી છે.
આ મામલાની ભોગ બનનાર યુવકના કાકાને જાણ થતા એ-ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ કરવા પહોંચ્યા હતા. જયાંથી તેને ગાંધીગ્રામ ૨ યુનિવર્સિટીમાં પોલીસ મથકે મોકલાતા ત્યાં જઈ તપાસ દરમ્યાન આ કૃત્ય કરનાર ચારેય આરોપીઓની ઓળખાઈ જતા ગુનો દાખલ કરી પોલીસે સકંજામાં લીધા હતા. પરંતુ આવા કેટલા લોકોને આ ટોળકીએ પોતાનો શિકાર બનાવી છે તે પોલીસ તપાસમાં જ સામે આવશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે