અમદાવાદઃ ગુજરાતમાં વિધાનસભાની બે બેઠકો પર પેટાચૂંટણી યોજાવાની છે. પેટાચૂંટણીમાં 19 જૂને મતદાન થશે અને 23 જૂને પરિણામ જાહેર કરવામાં આવશે. આ વખતે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ટક્કર થવાની છે. આમ આદમી પાર્ટીએ ગોપાલ ઈટાલિયાને ટિકિટ આપી છે. બીજીતરફ ભાજપમાંથી કિરીટ પટેલ ચૂંટણી લડી રહ્યાં છે. તો કોંગ્રેસ પાર્ટી તરફથી નીતિન રાણપરીયા મેદાનમાં છે. તેવામાં આજે આપણે વિસાવદર બેઠકનો ઈતિહાસ જાણીશું.
1962માં યોજાઈ હતી પ્રથમ ચૂંટણી
વિસાવદર વિધાનસભા બેઠક ગુજરાત રાજ્યની સ્થાપના થઈ ત્યારથી અસ્તિત્વમાં આવી હતી. આ બેઠક પર 1962માં પ્રથમવાર વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી. છેલ્લે 2022મા આ સીટ પર ચૂંટણી યોજાઈ હતી. અહીં ભાજપ અને કોંગ્રેસ બંને પાર્ટીઓને જીત મળતી આવી છે.
1962: કોંગ્રેસને મળી જીત
વિસાવદરમાં 1962મા યોજાયેલી પ્રથમ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની જીત થઈ હતી. કોંગ્રેસ તરફથી મદીનાબેન નાગોરી વિજેતા બન્યા હતા.
1967: સ્વતંત્ર પક્ષે મારી બાજી
1967ની વિધાનસભા ચૂંટણીમાં વિસાવદર બેઠક પર સ્વતંત્ર પક્ષે જીત મેળવી હતી. ત્યારે કુરજીભાઈ ભેસાણીયા વિસાવદરની બેઠક જીતી વિધાનસભા પહોંચ્યા હતા.
1972: કોંગ્રેસે કરી વાપસી
1972ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના રામજીભાઈ કરકર વિજેતા બન્યા હતા.
1975 (પેટાચૂંટણી)
1975માં વિસાવદર બેઠક પર પેટાચૂંટણી યોજાઈ હતી, જેમાં કુરજીભાઈ ભેસાણીયાની ખેડૂત લોક પક્ષ તરફથી જીત થઈ હતી.
1980: JNP ની જીત
1980મા જનતા પાર્ટીના ખાતામાં વિસાવદરની બેઠક આવી હતી. આ ચૂંટણીમાં ધીરજલાલ રીબડીયાએ જીત મેળવી હતી.
1985: કોંગ્રેસને મળી જીત
1985મા કોંગ્રેસ તરફથી પોપટભાઈ રામાણીએ વિસાવદરની બેઠક જીતી હતી.
1990: જનતા દળની જીત
1990ની વિધાનસભા ચૂંટણીમાં ફરી વિસાવદરમાં જનતા દળે જીત મેળવી હતી. જનતાદળના ઉમેદવાર કુરજીભાઈ ભેસાણીયા ફરી ધારાસભ્ય બન્યા હતા.
1995: કેશુભાઈ જીત્યા
1995માં ગુજરાતમાં ભાજપનો ઉદય થયો હતો. ભાજપે પ્રથમવાર વિસાવદરની બેઠક કબજે કરી હતી. અહીંથી કેશુભાઈ પટેલ ધારાસભ્ય બન્યા હતા, ત્યારબાદ તેઓ મુખ્યમંત્રી બન્યા અને ગુજરાતની કમાન સંભાળી હતી.
1998 (પેટાચૂંટણી) ભાજપની જીત
1998માં વિસાવદર બેઠક પર પેટાચૂંટણી યોજાઈ હતી. ફરી કેશુભાઈ પટેલ અહીંથી ચૂંટણી જીતી વિધાનસભા પહોંચ્યા હતા.
2002 અને 2007: ભાજપનું વર્ચસ્વ જોવા મળ્યું
ગુજરાતમાં 2002 અને 2007મા યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં વિસાવદર બેઠક પરથી ભાજપે જીત મેળવી હતી. ભાજપના કનુભાઈ ભાલાળા સતત બે ટર્મ ધારાસભ્ય બન્યા હતા.
2012: ગુજરાત પરિવર્તન પાર્ટીએ કર્યું પરિવર્તન
2012ની વિધાનસભા ચૂંટણીમાં કેશુભાઈ પટેલ ત્રીજા મોર્ચા સાથે મેદાનમાં ઉતર્યા હતા. ગુજરાત પરિવર્તન પાર્ટીના ઉમેદવાર અને પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલે અહીંથી જીત મેળવી હતી.
2017: કોંગ્રેસે કરી વાપસી
2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી દરમિયાન વિસાવદર બેઠક પરથી કોંગ્રેસ પાર્ટી જીતી હતી. કોંગ્રેસના ઉમેદવાર હર્ષદ રિબડીયાએ આ બેઠક કબજે કરી હતી.
2022: આમ આદમી પાર્ટીનો ઉદય
2022ની વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ વિસાવદર બેઠક કબજે કરી હતી. ભુપત ભાયાણી આ બેઠક પરથી જીતી વિધાનસભા પહોંચ્યા હતા.
હવે પેટાચૂંટણી પર બધાની નજર
ભુપત ભાયાણીએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું અને ભાજપમાં સામેલ થઈ ગયા હતા. એટલે હવે આ બેઠક પર વિધાનસભાની પેટાચૂંટણી યોજાવાની છે. હવે જોવાનું તે રહેશે કે આ ચૂંટણીમાં જનતા કયા ઉમેદવારને જીતાડશે તે જોવાનું રહેશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે