Home> Gujarat
Advertisement
Prev
Next

ગાંધીનગરના કાવાદાવા : અંબાલાલની આગાહી પર મંત્રીઓની નજર, કયા મંત્રીની ઓફિસની ચા અને કોફી ફેમસ?

Gandhinagar Na Kavadava : ગુજરાતના રાજકારણની ગપશપ, કયા નેતાએ શું કર્યું, કોણ રાજ રમત રમી ગયું... જાણવા માટે જુઓ ‘ગાંધીનગરના કાવાદાવા’

ગાંધીનગરના કાવાદાવા : અંબાલાલની આગાહી પર મંત્રીઓની નજર, કયા મંત્રીની ઓફિસની ચા અને કોફી ફેમસ?

Gandhinagar Na Kavadava હિતલ પારેખ/ગાંધીનગર : ગાંધીનગરની રાજકીય ગલિયારીઓમાં બનતી ચટપટી વાતો લોકોના કાન સુધી પહોંચે તે માટે ઝી 24 કલાક તમારા માટે લાવ્યું છે ખાસ કોલમ ‘ગાંધીનગરના કાવાદાવા.’ દર સોમવારે પ્રસ્તુત થનારી આ કોલમમાં તમને એ વાતો જાણવા મળશે જે રાજકારણમાં એક કાનથી બીજા કાનમાં ચૂપચાપ કે ઈશારા ઈશારામાં કહેવાઈ જતી હોય છે. હિતલ પારેખની કલમે વાંચો ગાંધીનગરના કાવાદાવા.

fallbacks

પાકિસ્તાન અને ચીન પર વિશ્વાસ ન થાય 
ભારત પાકિસ્તાનની તંગદિલીની પરિસ્થિતિની અસર સચિવાલય સહિત તમામ જગ્યાએ જોવાય. દરેક સરકારી અધિકારી કર્મચારીમાં દેશપ્રેમ જોવાયો. જોકે પાકિસ્તાન દ્વારા સીઝફાયરનો ભંગ કરતા ફરી પાછો તણાવ વધ્યો. આઈએએસ અને આઈપીએસ અધિકારીઓના મુખે એક જ શબ્દ હતો. કોઈપણ દુશ્મન ઉપર વિશ્વાસ કરી શકાય, પણ પાકિસ્તાન અને ચીન પર ક્યારેય વિશ્વાસ ન કરી શકાય. આપણા આ બંને પાડોશી દેશો પાછળથી ખંજર મારે તેવા છે. પાકિસ્તાને સીઝફાયરનો ભંગ કરતા જ રાજ્યના સિનિયર આઈએએસ અધિકારીઓ એલર્ટ થયા. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર પર એક રસપ્રદ ચર્ચા થઈ. ફિલ્મ ‘લક્ષ્ય’માં ઓમપુરીનો ડાયલોગ પાકિસ્તાનની દગાબાજીમાં ખૂબ લોકપ્રિય રહ્યો. IAS અધિકારીઓ પણ પોતાના મોબાઈલમાં ઓમપુરીનો પાકિસ્તાનની હાર પછી ફરી પાછા એક વખત આવે છે તેવી ઋત્વિક રોશનને આપેલી શીખ સાંભળતા જોવા મળ્યા. સોશિયલ મીડિયામાં પણ આ વીડિયો ખૂબ વાયરલ થયો. કેટલાક મંત્રીઓએ પણ આ વીડિયોને વાયરલ કરી પાકિસ્તાનની નાપાક હરકતનો ચિતાર આપ્યો. 

ટીમ ગુજરાત નહીં, પણ કાકા-ભત્રીજાની જ જોડી છવાઈ
પાકિસ્તાન સાથેની પરિસ્થિતિમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ગુજરાતના નાગરિકો પ્રત્યે તેમ ફરજ બખૂબી નિભાવી. ગુજરાતના બોર્ડર વિસ્તારના જિલ્લાઓ પર સતત ચાંપતી નજર સ્ટેટ ઈમરર્જન્સી ઓપરેશન સેન્ટરથી રખાઈ. જોકે આ વખતે મંત્રીમંડળના બે જ સભ્યો સ્ટેટ ઈમરર્જન્સીસ ઓપરેશન સેન્ટરમાં નજરે પડ્યા. મુખ્યમંત્રી અને ગૃહરાજ્ય મંત્રી, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે સ્ટેટ ઈમર્જન્સી ઓપરેશન સેન્ટર પર આવવાની જગ્યાએ પોતાના વિભાગમાંથી જ આરોગ્યલક્ષી જરૂરી કાર્યવાહી અને બેઠકો કરી. મુખ્યમંત્રી અને ગૃહરાજ્ય મંત્રીએ રાતના 12:30 એક એક વાગ્યા સુધી બેઠકો કરી પ્રજાને હુંફ આપી. જોકે પ્રદેશ ભાજપ અને મુખ્યમંત્રી દ્વારા સંયુક્ત મેસેજ ફરતો કરાયો હતો કે, ભાજપના કોઈ નેતા કે મંત્રી પાકિસ્તાન સાથે તંગ દિલ્હી સંદર્ભે કશું બોલશે નહીં. પણ આ નિયમનો ભંગ કેટલાક ભાજપના નેતા અને મંત્રીઓએ પણ કર્યો.

બોલો અંબાલાલની હવામાનમાંથી હવે રાજકારણમાં પણ બોલબાલા 
જાણીતા હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ હવામાનની આગાહીમાં સચોટ પુરાવાર થયા છે. રાજયના ખેડૂતો અંબાલાલ પટેલની આગાહીને હવામાન વિભાગની આગાહી કરતા વધારે મહત્વ આપે છે. જો કે આજકાલ આ અંબાલાલ કાકા રાજકીય નેતાઓમાં ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. સચિવાલયથી માંડીને મંત્રીમંડળના સભ્યો કાકાની રાજકીય આગાહી સાચી પડે તેની રાહ જોઈ રહ્યા છે. અંબાલાલ પટેલ દ્વારા આતંકવાદી હુમલાની આગાહી સાચી પડ્યા બાદ તો અંબાલાલ પટેલ રાજકીય ભવિષ્યવાણી શું કરે છે તેની ચર્ચા રાજ્યના મંત્રીઓ કરતા થયા છે. થોડા દિવસ અગાઉ અંબાલાલ પટેલે ગુજરાતમાં 19 મે સુધીમાં રાજકીય ફેરફારની વાત કરતા, ઘણાં રાજકીય નેતાઓ ખુશ થઈને સામે ચાલી અંબાલાલ પટેલ સચોટ ભવિષ્યવાણી કરે તેના દાખલા આપી રહ્યા છે. જ્યારે કેટલાક મંત્રીઓના ધબકારા વધી પણ ગયા. મંત્રીમંડળમા ફેરફાર થાય તો પોતાનું પત્તું કપાય તો નહીં જાય તેની ચિંતા કરી રહ્યા છે. એક બે મંત્રીઓએ તો અંબાલાલ પટેલની આગાહી અને રાજકીય ભવિષ્યવાણીની વાત પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ સુધી કરી નાંખી. જો કે પાટીલે સ્મિત જ કર્યું.

કયા મંત્રીની ચા અને ક્યાં મંત્રીની બ્લેક કોફી મજેદાર
સામાન્ય રીતે ગુજરાતીઓ ચા પીવા શોખીન. કેટલાકને ગમે ત્યારે ચા આપો તો રાજી થાય. સચિવાલય કે મંત્રીના કાર્યાલયમાં જાવ તો ચાનો વિવેક કરવામાં આવે. એટલે જ કદાચ મંત્રીના કાર્યાલયમાં ચાના લાખોના બિલ આવે તે સ્વાભાવિક છે. પણ ચાના રસિયાઓ માટે મંત્રીમંડળમાં સૌથી શ્રેષ્ઠ ચા રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરીયાના કાર્યાલયમાં પીવા મળે. કારણ કે બાકીના મંત્રીના કાર્યાલયમાં ચા કેન્ટીનમાંથી મંગાવાય છે. જ્યારે પ્રફુલભાઈનો સ્ટાફ તેમના જ કાર્યાલયમાં બનાવીને પ્રેમથી પીવડાવે છે. તેમાં પણ પ્રફુલ પાનસેરીયા કહે કે,‌‘ચા બનાવો તો ચાનો સ્વાદ જીભે ચોંટે જ.’ આ જ રીતે બ્લેક કોફી (દુધ વગરની કોફી) પીવી હોય તો રાજ્ય સરકારના વન અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલના કાર્યાલયની મુલાકાત લેવી પડે. મુકેશ પટેલ દ્વારા કાર્યાલયમાં બ્લેક કોફી માટે મશીન મુકાવ્યું છે. મુકેશભાઈ પણ બ્લેક કોફી પીવા અને પીવડાવવાના શોખીન છે. બ્લેક કોફી પીવાના શોખીન તો વિધાનસભા ભાજપ પક્ષના દંડક બાલકૃષ્ણ શુક્લા પણ છે. તેઓ નિયમિત રીતે કડક બ્લેક કોફી જ પીવે છે. જો કે દંડકની બ્લેક કોફી પીવાની હિંમત બહુ ઓછા લોકો જ કરે છે. કારણ કે નિયમિત ન પીતા હોય તેઓને બહુ કડવી લાગે છે.

સરકારે ફરી એક વખત યુ ટર્ન લીધો 
મહેસુલ વિભાગ દ્વારા એપ્રિલ મહિનામાં સરકારી પડતર અને ખરાબાની ભાડે આપેલી જમીનનો પ્રીમિયમ ભરીને માલિકી હક આપવાની મોટી જાહેરાત કરી હતી. જોકે મે મહિનો શરૂ થતાની સાથે જ આ પરિપત્ર સરકારે રદ કરી ન્યુ ટર્ન લીધો. આ નિર્ણયમાં સરકારે પરિપત્ર રદ કરતા વિવાદ ઉભો થયો. મહેસુલ વિભાગમાં કામ કરી ચૂકેલા સિનિયર IAS અધિકારીએ કોમેન્ટ કરી કે, ‘પૂરતી જાણકારી ન હોય તો શું કામ આરંભે સુરા થઈને નિર્ણય કે પરિપત્ર કરો છો?’ જો પહેલા પૂરતો અભ્યાસ કર્યો હતો આ પરિપત્ર રદ કરવાની જરૂર ન પડે કે પછી આવો નિર્ણય લેવાની પણ જરૂર ન રહેત. આ પરિપત્રમાં સુરત, ભરૂચ અને વડોદરા વિસ્તારની સરકારી પડતર અને ખરાબાની જમીન માટે મહત્વપૂર્ણ હતો. જોકે મૂળ અસરથી પરિપત્ર રદ કરાયો છે. એટલે તેની અસર નહીં પડે. સિનિયર અધિકારીએ ઇશારો કર્યો કે આ પરિપત્રથી ચોક્કસ રાજકીય નેતા ઓને લાભ થતો હતો તેવું ધ્યાનમાં આવ્યું એટલે આંતરિક વિરોધને કારણે આ પરિપત્ર રદ કરવાની ફરજ પડી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More