મૌલિક ધામેચા/અમદાવાદ :ટાઈમપાસ કરવા માટે રમવામાં આવતી ઓનલાઈન ગેમ ક્યારેક જિંદગીમાં અણધાર્યું નુકસાન પણ પહોંચાડી દે છે. અમદાવાદના સોલામાં આવો જ એક બનાવ સામે આવ્યો છે. પબજી ગેમ રમતા રમતા રચાયેલા સંબંધમાં તિરાડ પડતા જ યુવકે યુવતીનું ફેસબુક અને મેઈલ આઈડી હેક કરી 50 હજારની માંગણી કરી છે.
પબજી ગેમનો ચસ્કો યુવાધનમાં ચરમસીમાએ પહોંચ્યો છે. ગેમને કારણે અનેક લોકો માનસિક તણાવમાં આવી જતા હોય છે. કેટલાય લોકો પર આ ગેમની નકારાત્મક અસર જોવા મળે છે. ગ્રુપમાં રમાતી આ ગેમ એક યુવતીને ભારે પડી હતી. સોલામાં રહેતી એક યુવતી પબજી ગેમ રમતા રમતા જીતેન્દ્ર નામના યુવકના સંપર્કમાં આવી હતી. યુવતી અને જીતેન્દ્ર વચ્ચે ગેમ રમવા દરમિયાન મિત્રતા થઈ હતી. બંને સોશિયલ મીડિયા એકાઉન્ટ પર વાતો કરવા લાગ્યા હતા. બાદમાં યુવકે યુવતી પાસે અશ્લીલ માંગણીઓ શરૂ કરી હતી.
થોડા સમય બાદ યુવક યુવતીને વીડિયો કોલ કરીને તેની પાસે બીભત્સ માંગણીઓ કરવા લાગ્યો. યુવતીએ આખરે કંટાળીને તેની સાથે સંપર્ક તોડી નાંખ્યો હતો. તો જીતેન્દ્રએ યુવતીના સોશ્યલ મીડિયાનું એકાઉન્ટ હેક કરીને તેના તમામ ફોટો મેળવી લીધા. થોડા સમય બાદ એકાઉન્ટ હેક થયાની જાણ થતા જ યુવક સાથે યુવતીના ભાઈએ વાત કરતા તેણે 50 હજારની માંગણી કરી હતી. એટલું જ નહિ, થોડા સમય બાદ આ એકાઉન્ટ પરથી યુવતીના પરિચિત લોકો સાથે યુવતી વિશે અભદ્ર વાતો પણ કરવા લાગ્યો.
આખરે કંટાળીને યુવતીની બદનામી થતા યુવતીએ સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. હાલ સોલા પોલીસે મોબાઈલ નંબર અને સોશ્યલ મીડિયા થકી આરોપી જીતેન્દ્ર સુધી પહોંચવાના પ્રયાસ હાથ ધર્યા છે. પણ હવે આ પ્રકારની ગેમ રમતા લોકોએ સાવધાની રાખવી જરૂરી બન્યું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે