ઝી બ્યૂરો, અમદાવાદઃ સુરતની સરકારી શાળામાં 60 બાળકોને સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ આપી દેવાના વિવાદમાં ZEE 24 કલાકના અહેવાલની અસર આવી છે. શિક્ષણ સમિતિની પાલનપોરની શાળા નંબર 318ના આચાર્ય વિજય ઝીંઝારિયાને બરતરફ કરવામાં આવ્યા છે..
સાથે જ રાજ્યના શિક્ષણમંત્રી પ્રફુલ પાનસેરિયાએ સમિતિ રચી તપાસના આદેશ આપ્યા છે. પાનસેરિયાએ કહ્યું કે, આ સાંખી ન લેવાય તેવું કૃત્ય છે. આ મામલે અધિકારીઓને પણ કારણદર્શક નોટિસ આપવામાં આવી છે. આ સાથે સુરતના શિક્ષણ સમિતિના ચેરમેને બેઠક કરી જેમને LC આપવામાં આવ્યા છે તેવા વિદ્યાર્થીઓનું લિસ્ટ તૈયાર કરવામાં આવશે. મહત્વની વાત તો એ પણ સામે આવી છે કે, આ શાળાના 162 વિદ્યાર્થીઓને જાન્યુઆરીથી અત્યાર સુધીમાં LC આપી દેવામાં આવ્યા છે.
આ તમામ બાળકો સુધી પહોંચી તેમના શાળામાં ફરી એડમિશન આપવામાં આવશે. ZEE 24 કલાકે જ્યારે આ મામલાની તપાસ કરી ત્યારે ચોંકાવાનું કારણ એ સામે આવ્યું કે, કે વધુ વિદ્યાર્થીઓ શાળામાં હોય તો બીજી પાળીમાં શાળા શરૂ કરવી પડે...અને કામચોર શિક્ષકોને વધુ કામ કરવાનો વારો આવે...તેથી જ તેમણે વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી રહે અને બીજી પાળી શરૂ ન કરવી પડે તે માટે બાળકોની સંખ્યા જ ઘટાડી દીધી...
ઉલ્લેખનીય છેકે, એક તરફ સરકાર શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી જેવા અભિયાનો ચલાવીને વધુને વધુ બાળકો ભણવા માટે પ્રોત્સાહિત કરી રહી છે. શાળામાં ડ્રોપઆઉટ રેસિયો ઘટાડવાનો પ્રયાસ થઈ રહ્યો છે. ત્યાં બીજી તરફ કામચોરી કરતા શિક્ષકો સ્કૂલમાં સંખ્યા ઘટાડવા વિદ્યાર્થીઓને એલસી પકડાવી રહ્યાં છે તેનો પર્દાફાશ ઝી24કલાક દ્વારા કરવામાં આવ્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે