ગૌરવ દવે/રાજકોટ : ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ ચરણના મતદાનને ગણતરીના દિવસો બાકી રહ્યા છે. રાજકીય પક્ષોના ઉમેદવારો દ્વારા મતદારોને રિઝવવામાં આવી રહ્યા છે. સૌરાષ્ટ્ર કચ્છના સૌથી ધનિક રાજકોટ દક્ષિણ બેઠકના ભાજપના ઉમેદવાર રમેશ ટીલાળાએ જન સંપર્ક કરી રહ્યા છે. પાંચ દિવસમાં રમેશ ટીલાળા પોતાની લકઝરીયસ લાઈફ મૂકીને લોકોની વચ્ચે પદયાત્રા કરી રહ્યા છે. પાંચ દિવસમાં રમેશ ટીલાળાએ અંદાજીત 25 કિલોમીટર થી વધુ યાત્રા કરી છે.
સૌરાષ્ટ્ર કચ્છના સૌથી ધનિક ઉમેદવાર રમેશ ટીલાળા કે જેઓએ રાજકોટ દક્ષિણ બેઠક પર ભાજપના ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવી છે. 171 કરોડની સંપત્તિ ધરાવતા આ સૌથી ધનિક ઉમેદવાર પણ છેલ્લા 5 દિવસથી અલગ અલગ વિસ્તારમાં લગભગ 25 કિલોમીટર થી વધુની પદયાત્રા કરી ઘરે ઘરે જઇ લોકો પાસે મત માંગી રહ્યા છે. રાજકોટ મહાનગરમાં કુલ ચાર બેઠકોનો સમાવેશ થાય છે અને તેમાં આ વખતે સૌથી હાઇપ્રોફાઇલ બેઠક રાજકોટ પૂર્વ અને દક્ષિણ બેઠક બની જવા પામી છે.
રાજકોટ દક્ષિણ બેઠકના ભાજપના ઉમેદવાર રમેશ ટીલાળાએ 11 તારીખે ઉમેદવારી નોંધાવ્યા બાદ આજે સતત પાંચમા દિવસે તેઓ મતવિસ્તારમાં પદયાત્રા કરી ઘરે ઘરે જઇ લોકો પાસે મત માંગી રહ્યા છે. આજે તેઓ સવારના સમયે વોર્ડ નંબર 14 માં હાથીખાના વિસ્તારમાં રામ મઢીથી પદયાત્રા શરૂ કરી જયરાજ પ્લોટ, પેલેસ રોડ અને ગુંદાવાડી સહિતના વિસ્તારોમાં પ્રચાર કર્યો હતો.
આજ બેઠક પરથી દાવેદારી નોંધાવનાર વર્તમાન ધારાસભ્ય ગોવિંદ પટેલ અને ધનસુખ ભંડેરી સહિતના નેતાઓ જોવા મળ્યા હતા. જોકે આ બેઠક પર વર્તમાન ધારાસભ્ય ગોવિંદ પટેલની ટીકીટ કપાઈ છે. જેને પ્રચારની જવાબદારી અને દાવેદાર એવા મ્યુ. ફાઇનાન્સ બોર્ડના પૂર્વ ચેરમેન ધનસુખ ભંડેરીને ઇન્ચાર્જ બનાવવામાં આવ્યા છે. જેના પર રમેશ ટીલાળાને જીતાડવાની જવાબદારી છે.
રમેશ ટીલાળાએ જણાવ્યું હતું કે, હું એક ખેડૂત પુત્ર છું , ઉદ્યોગપતિ છું માટે ખેડૂતોના અને ઉદ્યોગોના પ્રશ્નો પણ નિરાકરણ લાવીશ. આજ દિવસ સુધી મેં 25 કિલોમીટર થી વધુની પદયાત્રા કરી છે અને 20 થી વધુ સભા પણ કરી છે જેમાં પણ લોકોનો બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે. જયારે ધનસુખ ભંડેરી એ જણાવ્યું હતું કે, તેઓ રમેશભાઈ ટીલાળાની સાથે જ છે. રાજકોટ દક્ષિણ બેઠક પર 50,000 થી વધુની લીડથી રમેશ ટીલાળાની જીત નિશ્ચિત હોવાનો દાવો કર્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે