ગૌરવ પટેલ, અમદાવાદઃ ગુજરાતમાં પ્રથમ તબક્કાના મતદાનમાં હવે ગણતરીના દિવસો બાકી છે. આ વચ્ચે ચૂંટણી માહોલ બરાબરનો જામ્યો છે. દરેક રાજકીય પાર્ટીઓ જોરશોરથી ચૂંટણી પ્રચાર કરી રહી છે. ત્યારે આજે વર્ષ 2022 ની વિધાનસભાની ચૂંટણી માટે ભાજપ સંકલ્પ પત્ર જાહેર કર્યું છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ ભાજપ પ્રમુખ પ્રેસ કોન્ફરન્સ કરીને સંકલ્પ પત્ર જાહેર કર્યું છે. ભાજપના સંકલ્પ પત્ર બાદ કોંગ્રેસે પત્રકાર પરિષદ યોજીને પ્રહારો કર્યાં હતા.
કોંગ્રેસનો ભાજપ પર હુમલો
ભાજપના સંકલ્પ પત્ર બાદ કોંગ્રેસ નેતા આલોક શર્માએ પત્રકાર પરિષદ યોજી હતી. કોંગ્રેસે કહ્યું કે ગત ચૂંટણીનો ભાજપનો ઢંઢેરો વાંચ્યો છે, જેના 70 ટકા કામ થયા નથી. તેમણે કહ્યું કે આ સંકલ્પ પત્ર નહીં ધોકા પત્ર છે. તેમણે કહ્યું કે 10 હજાર કરોડનું દેવું ચાર લાખ કરોડે પહોંચી ગયું છે. તેમણે આરોપ લગાવતા કહ્યું કે કોંગ્રેસ ઉત્તર પ્રદેશમાં સ્કુટીનું વનચ આપે તો રેવડી અને ભાજપ ગુજરાતમાં વચન આપે તેનું શું? પાછલી ચૂંટણીમાં વૈશ્વિક સ્તરની યુનિવર્સિટીની વાત કરી જે જોવા મળી નથી.
આ પણ વાંચોઃ ભાજપનું સંકલ્પપત્ર જાહેર, આગામી 5 વર્ષ સરકાર ચલાવવા જાણો કયા કયા વાયદા કર્યાં
50 ટકા વચનો જૂના
કોંગ્રેસ નેતાએ ભાજપ પર આરોપ લગાવતા કહ્યું કે, 50 ટકા વચનો પાછલા સંકલ્પ પત્રનો છે. રૂપાણી સમયે 8 મેડિકલ કોલેજની વાત હતી તે ફરી કરવામાં આવી છે. આ સંકલ્પ પત્રમાં ડ્રગ્સ પર કંટ્રોલ કરવાનો ઉલ્લેખ નથી. આ પત્રમાં મોંઘવારી દૂર કરવાના કોઈ ઉપાય નથી. તેમણે ગંભીર આરોપ લગાવતા કહ્યું કે કોંગ્રેસના વચનોની કોપી કરવામાં આવી છે. કોંગ્રેસે સ્કૂલ બનાવવાની વાત કરી તો ભાજપે સ્કૂલ અપગ્રેડ કરવાની વાત કરી છે.
કોંગ્રેસે કહ્યું કે અમારી પાર્ટીએ 10 લાખના આરોગ્ય વીમાનું વચન આપ્યું એટલે આયુષ્માન કાર્ડની મર્યાદા 10 લાખ કરવાનું વચન ભાજપે આપ્યું છે. પરંતુ તેમાં ફેરફારની જવાબદારી કેન્દ્ર સરકારની છે. તેમણે કહ્યું કે આ સંકલ્પ પત્ર બજેટની કોપી છે. તેમણે કહ્યું કે હજારો કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. તેમણે કહ્યું કે, એક લાખ મહિલાઓને રોજગાર આપવાના વચન સામે છેલ્લા પાંચ વર્ષમાં કેટલી રોજગારી આપી તેનું શ્વેતપત્ર બહાર પાડવું જોઈએ. કોંગ્રેસે કહ્યું કે અમે મોંઘવારી ઘટાડવા માટે રોડમેપ આપ્યો છે, પરંતુ ભાજપના સંકલ્પ પત્રમાં તેનો કોઈ ઉલ્લેખ નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે