પ્રેમલ ત્રિવેદી, પાટણઃ પાટણના રાધનપુરના કોંગી ધારાસભ્ય રઘુ દેસાઈને ચૂંટણી નજીક આવતા જ લોકોના પડતર પ્રશ્નો યાદ આવ્યા છે. પાટણના સાંતલપુર તાલુકાના કેટલાક પ્રશ્નો મામલે ધારાસભ્ય રઘુ દેસાઈ આજે ધરણાં પર બેઠા અને તેમની સાથે અનેક લોકો આ ધરણાંમાં જોડાયેલા હોવાનો દાવો કર્યો. ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે વર્તમાન ધારાસભ્યોને હવે મતદારો અને તેમના પડતર પ્રશ્નો યાદ આવ્યા છે. અને તેમનું સમાધાન ન આવ્યું હોવાની ફરિયાદ સાથે તેઓ લોકોને સાથે લઈને પ્રતિક ધરણાં કરી રહ્યા છે.
રાધનપુરના ધારાસભ્ય રઘુ દેસાઈનો આરોપ છે કે, નર્મદાનું પાણી 14 ગામોમાં નથી મળી રહ્યું. આ મામલે મુખ્યમંત્રીને રજૂઆત પણ કરવામાં આવી હતી. યોજનાનું ડ્રોઈંગ પણ થઈ ગયું છે છતા કામ નથી આગળ વધી રહ્યું. સાથે જ તેમણે કહ્યું કે, વિસ્તારમાં કોલેજ મંજૂર થઈ ગઈ છે. જમીન સંપાદન થઈ ગયું છે. પરંતુ કામ ન થતા 300 વિદ્યાર્થીઓને એક જ ક્લાસમાં ભણવું પડી રહ્યું છે. સાથે જ સાંતલપુરને અલગ તાલુકાનો દરજ્જો આપીને ટોલ ટેક્સ નાબૂદ કરવાની ધારાસભ્યએ માંગ કરી છે. સાથે પાણી અને વીજળીના પ્રશ્નો હોવાનું પણ ધારાસભ્યનું કહેવું છે.
ધારાભ્યએ એવો પણ દાવો કર્યા કે આ પ્રતિક ધરણામાં તેમની સાથે પાંચ હજાર કરતા વધુ લોકો જોડાયા. અને તેમની સમસ્યાને હલ કરવાના પ્રયાસો પણ કરવામાં આવશે. મહત્વનું છે કે, 2017ની વિધાનસભા ચૂંટણી સમયે ઓબીસી નેતા અલ્પેશ ઠાકોર રાધનપુરથી જીત્યા હતા. જો કે, બાદમાં તેઓ ભાજપમાં જોડાઈ ગયા હતા. અને ત્યાં ફરી ચૂંટણી થતા આ બેઠક કોંગ્રેસના ઉમેદવાર રઘુ દેસાઈ જીતી ગયા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે