હિતલ પારેખ/ગાંધીનગર :સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજવાનો રસ્તો ક્લિયર થયો છે. આ વર્ષના અંતે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાવાની છે એ પહેલાં રાજ્ય ચૂંટણી પંચે નવું સીમાંકન (delimitation) જાહેર કર્યું છે. મહાનગર પાલિકા, નગર પાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયતોના હદ વિસ્તારમાં ફેરફાર કરાયો છે. રાજ્ય ચૂંટણી પંચે (election commission) બેઠક અને વિસ્તારમાં ફેરફારની કામગીરી પૂર્ણ કરીને તેને જાહેર કરી હતી. આમ હવે ગુજરાતના શહેરોમાં વોર્ડ દીઠ બેઠક નક્શામાં ફેરફાર થયો છે. ગુજરાતની 5 મહાનગરપાલિકાઓ, 6 નગરપાલિકાઓ, 16 જિલ્લા પંચાયતો અને 29 તાલુકા પંચાયતોના સીમાંકનમાં ફેરફાર થયો છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા મહત્વના ફેરફાર કરવામાં આવ્યો છે. આ જાહેરનામા બાદ હવે રાજકીય પક્ષો અને નાગરિકોના વાંધા સૂચનોની પ્રક્રિયાનો પ્રારંભ થશે.
ક્યાં ક્યાં કરાયા મોટા ફેરફાર
અમદાવાદના 17 વોર્ડમાં ફેરફાર
અમદાવાદ કોર્પોરેશનનું નવું વોર્ડ સીમાંકન જાહેર થયું છે. જેમાં વોર્ડની સંખ્યા 48 જ રખાઈ છે. પરંતું 17 વોર્ડના વિસ્તારોમાં ફેરફાર થયા છે. જેમાં બોપલ-ઘુમાના સાઉથ બોપલને સરખેજ વોર્ડમાં સમાવેશ કરાયો છે. તો અન્ય તમામ વિસ્તારો જોધપુર, થલતેજ અને બોડકદેવ વોર્ડમાં સમાવેશ કરાયો છે. રિંગ રોડ પર આવેલા ખોડિયાર વિસ્તાના સર્વે નંબરોનો ગોતા વોર્ડમાં સમાવેશ કરાયો. ચિલોડાને સરદારનગર વોર્ડમાં, કઠવાડાને નિકોલ વોર્ડમાં સમાવાયો. નવા વિસ્તારોનો સમાવેશ કરવામાં આવતા નિકોલનો કેટલોક ભાગ ઠક્કરનગર વોર્ડમાં જયારે ઠક્કરનગરનો કેટલોક ભાગ સૈજપુર, ઈન્ડિયાકોલોની અને નરોડા વોર્ડમાં એડ કરાયો છે. સરખેજમાં સાઉથ બોપલને મર્જ કરવામાં આવતા તેના કેટલાક વિસ્તારો મકતમપુરામાં સમાવેશ કરાયા છે. મોટા ભાગના વોર્ડમાં અનામત બેઠકોમાં પણ ફેરફાર કરાયા છે.
સુરતમાં બદલાયેલું સીમાંકન
સુરત મહાનગર પાલિકાનું નવું વોર્ડ સીમાંકન જાહેર કરાયું છે. જેમાં કુલ 30 વોર્ડમાં 120 બેઠક રહેશે. 120 બેઠકમાં 50 ટકા બેઠક મહિલા અનામત બેઠક ફાળવાઈ છે. સુરતમાં 12 વોર્ડની 12 બેઠક પછાત વર્ગ માટે અનામત રખાઈ છે. જેમાં વોર્ડ નંબર 7, 13, 10, 9, 6, 22, 11, 20, 12, 30, 19, 8 બેઠકો સામેલ છે. તો 12 બેઠકમાંથી 6 બેઠક પછાત વર્ગની મહિલાઓ માટે અનામત રહેશે. 3 વોર્ડની 3 બેઠક અનુસૂચિત જાતિ માટે અનામત રખાઈ છે. વોર્ડ નંબર 8, 2 અને 22 માં આ બેઠક સામેલ છે. જેમાં 1 બેઠક પુરુષ અને 2 મહિલા માટે અનામત રખાઈ છે. 4 બેઠક અનુસૂચિત આદિજાતિ માત્ર અનામત છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે