હિતેન વિઠ્ઠલાણી/ગાંધીનગર :દિવાળી પૂરી થઈ ગઈ છે, ત્યારે હવે ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખોની આતુરતાથી રાહ જોવાઈ રહી છે. ત્યારે હવે ગુજરાતની ચૂંટણીની તૈયારીઓ કરી લો. કારણ કે, પીએમ મોદીનો ગુજરાત પ્રવાસ પૂરો થતા જ ગુજરાતમાં ચૂંટણીની તારીખોનું એલાન થશે. પ્રધાનમંત્રી 30 ઓક્ટોબરથી 1 નવેમ્બર સુધી ગુજરાતના પ્રવાસે છે. ત્યારે આ પ્રવાસ પૂરો થતા જ 2 નવેમ્બરે ચૂંટણીની તારીખોની જાહેરાત કરવામાં આવશે તેવું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.
સૂત્રો અનુસાર, ઓક્ટોબર મહિનાના અંતમાં PMની ગુજરાત મુલાકાત બાદ ચૂંટણીની જાહેરાત થશે. હિમાચલના પરિણામ સાથે ગુજરાતનું પરિણામ જાહેર થશે. આગામી 2 નવેમ્બરે ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવશે. તો 30 નવેમ્બર પ્રથમ તબક્કામાં ચૂંટણી યોજાશે. 4 ડિસેમ્બરે બીજા તબક્કામાં ચૂંટણી થશે. અને 8 ડિસેમ્બરે મત ગણતરી હાથ ધરાશે.
જે દિવસે ચૂંટણી જાહેર થાય એ જ દિવસથી ગુજરાતમાં આચારસંહિતાનો અમલ શરૂ થઇ જશે. તેથી તે પહેલા ગુજરાતમાં ચૂંટણી પહેલા પીએમ મોદીના પ્રવાસનું આયોજન કરી લેવાયું છે. પીએમ મોદી 30 ઓક્ટોબરથી 1 નવેમ્બર સુધી ગુજરાતમાં છે. જેમાં તેઓ વડોદરા, થરાદ, કેવડિયા અને માનગઢમાં યોજાનારા કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. સાથે જ જંગી જનસભાને સંબોધશે. ઉપરાંત તેઓ ભાજપના સ્નેહ મિલન કાર્યક્રમને પણ સંબોધન કરશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે