ગાંધીનગર :આજે રાજ્યના 123 તાલુકામાં વરસાદ છે. જેમાં સૌથી વધુ નવસારીના ચીખલીમાં 6.72 ઈંચ વરસાદ છે. તો 20 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ છે. ગુજરાતની શરૂઆતની વરસાદી સીઝનમાં જ ધોધમાર વરસાદ તૂટી પડ્યો છે. અનેક નગરો અને શહેરો પાણીમાં ડૂબેલા છે. ત્યારે રાજ્યમાં તાજેતરના અતિભારે વરસાદના કારણે પૂરની સ્થિતિ તેમજ નગરોમાં વરસાદી પાણી ભરાવાથી સર્જાયેલી સ્થિતિમાં રાજ્યની નગરપાલિકાઓને સાફ સફાઇ માટે નાણાં સહાયની મુખ્યમંત્રીએ મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. રાજ્યની 156 નગરપાલિકાઓને કુલ 17.10 કરોડની સહાય રાજ્ય સરકાર આપશે.
રાજ્યના નગરોમાં થયેલી અતિવૃષ્ટિ અને ભારે વરસાદને કારણે ઉભી થયેલી પરિસ્થિતિને પહોંચી વળવા સઘન સફાઇ ઝુંબેશ સહિતના સ્વચ્છતાના કામો માટે આ સહાય અપાશે. સાથે જ નગરોમાં જંતુનાશક દવાઓનો છંટકાવ, રોગચાળો અટકાવવા ઘન કચરાનો નિકાલ, પીવાના શુદ્ધ પાણીની વ્યવસ્થા તેમજ વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા માટે નાણાંકીય સહાયની જે જરૂરિયાત ઉભી થઇ છે તે માટે 17.10 કરોડ રૂપિયા ફાળવવાની સૈધ્ધાંતિક અનુમતિ આપી છે.
આ પણ વાંચો : Navsari Flood : નવસારીની 3 નદીઓએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું, પૂરના પાણીએ આખેઆખા ગામ ડૂબાડ્યા
આ હેતુસર રાજ્યની તમામ 156 નગરપાલિકાઓને પ્રાથમિક તબક્કે તાત્કાલિક ધોરણે સુવિધાઓ પૂરી પાડવા આ ગ્રાંટ ઉપયોગમાં લેવાશે. મુખ્યમંત્રીએ આ નાણાંકીય સહાયના ધોરણો પણ નિર્ધારિત કર્યા છે.
મુખ્યમંત્રીએ આ 17.10 કરોડ રૂપિયાની ફાળવણી કરતા હવે રાજ્યના નગરપાલિકા વિસ્તારોમાં વરસાદી સ્થિતિ પછીની સાફ સફાઇ અને ભરાયેલા વરસાદી પાણીના નિકાલ સહિતની નગર સુખાકારી કામગીરીમાં વધુ ગતિ આવશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે