અતુલ તિવારી/અમદાવાદ :કોરોનાના સતત વધી રહેલા કેસ અને ગુજરાતમાં કાબૂ બહાર જઈ રહેલી આ મહામારી મામલે ગુજરાતની રૂપાણી સરકાર શંકાના દાયરામાં આવી ગઈ છે. સરકારની કામગીરી પર સવાલો ઉભા થઈ રહ્યાં છે. ત્યારે કોરોના ટેસ્ટ મામલે રાજ્ય સરકાર (gujarat government) ફરી એકવાર સવાલોના ઘેરામાં આવી ગઈ છે. કેસ ઓછા દર્શાવવા ટેસ્ટ (corona test) ઘટાડાયા તેવી ચર્ચાઓએ સોશિયલ મીડિયા પર જોર પકડ્યું છે. રાજ્યમાં છેલ્લા 10 દિવસમાં 50,907 ટેસ્ટ કરવામાં આવ્યા છે. 50,907 ટેસ્ટમાંથી છેલ્લા 10 દિવસમાં 3940 લોકોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.
ગુજરાત સરકારે છેલ્લાં 24 કલાકમાં 2952 ટેસ્ટ કર્યાં છે, જે છેલ્લાં 10 દિવસમાં સૌછી ઓછા ટેસ્ટ કહેવાયા છે. ગુજરાત સરકાર આંકડાની માયાજાળથી ઓછા કેસ બતાવવાનો પ્રયાસ કરી રહી છે. ચર્ચાઈ રહ્યું છે કે, ગુજરાત સરકાર ટેસ્ટ ઘટાડીને વાસ્તવિક સ્થિતિનો સામનો કરવાનું ટાળી રહી છે. હાલ જ્યારે લોકડાઉન ખૂલી ગયું છે, ત્યારે ટેસ્ટ વધારવા અતિઆવશ્યક છે, તેની સામે સરકાર ટેસ્ટનો આંકડો જ ઘટાડી રહી છે.
તો બીજી તરફ અન્ય રાજ્યોની વાત કરીએ તો, કોરોનાના વધુ કેસ મામલે મહારાષ્ટ્ર અને તમિલનાડુ રાજ્યો ગુજરાતની જેમ સૌથી વધુ અસરગ્રસ્ત છે. બંને રાજ્યોમાં ગુજરાતની જેમ જ કેસોની સંખ્યા વધી રહી છે, પરંતુ બંને રાજ્યોએ ટેસ્ટના આંકડા ઘટાડ્યા નથી. તમિલનાડુમાં 4.21 લાખ અને મહારાષ્ટ્રમાં 3.90 લાખ લોકોના ટેસ્ટ કરવામા આવ્યા છે. જેની સામે ગુજરાત સરકારે માત્ર 1.89 લાખ ટેસ્ટ જ કરાવ્યા છે.
જો ટેસ્ટ યોગ્ય રીતે થાય તો કોરોનાના વધુને વધુ દર્દી સામે આવે, અને તેઓને વહેલાસર સારવાર મળી રહે. આમ, વસ્તીમાં સંક્રમણ પણ ઘટાડી શકાય. પરંતુ ગુજરાત સરકાર આવુ કરવાને બદલે ટેસ્ટ ઘટાડી રહી છે. કોરોના મામલે ગુજરાતની હાલત ઉકળતા ચરુ જેવી બની છે, તેથી હવે સરકાર સામે અનેક સવાલો ઉભા થઈ રહ્યાં છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે