ઝી ન્યૂઝ/અમદાવાદ: રાજ્યમાં કોરોના સંક્રમણ ઓછું થતાં ગુજરાત સરકાર તરફથી એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યના સીએમ ભૂપેન્દ્ર પટેલે કોરોનાની સ્થિતિના અનુસંધાને કોરોના સંક્રમણ નિયંત્રણ અંગેની ગાઈડ લાઈનમાં કેટલીક છૂટછાટ આપવાનો નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારે કોરોના નિયંત્રણમાં આવી જતા નાગરિકોને મોટી રાહત આપી છે. જેમાં અમદાવાદ અને વડોદરામાંથી રાત્રિ કરફ્યુ દૂર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આવતીકાલે (25 ફેબ્રુઆરી)થી રાત્રી કર્ફ્યુમાંથી મુક્તિ આપવામાં આવી છે. લગ્ન સામાજીક ધાર્મિક કાર્યક્રમોમાં 75 ટકાની ક્ષમતા સાથે કાર્યક્રમની મંજૂરી આપવામાં આવી છે, જ્યારે બંધ સ્થળોએ 50 ટકાની ક્ષમતા સાથે કાર્યક્રમ યોજી શકાશે. બાકીના તમામ નિયંત્રણો હટાવાયા છે. 1 માર્ચ સુધી આ ગાઈડલાઈન અમલી રહેશે. લગ્ન પ્રસંગ માટે હવેથી DIGITAL GUJARAT PORTAL પર નોંધણી કરાવવાની રહેશે નહીં.
તમને જણાવી દઈએ કે, કોરોના સંક્રમણ ઘટતા કેટલાંક દિવસોથી રાજ્યમાં પ્રતિબંધિત નિયમોમાંથી છૂટ આપવાની વાતો સામે આવી હતી. જેમાં અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરામાં લાદવામાં આવેલા રાત્રિ કર્ફ્યુને સંપૂર્ણપણે હટાવી લેવામાં આવે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે. આ સાથે માસ્કનાં દંડની રકમ પણ ઘટાડાય તેવું સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું.
જે રીતે રાજ્ય સરકારે રાજ્યની ચારેય મહાનગરપાલિકાઓમાં રાત્રિ કર્ફ્યુ અમલી કર્યો હતો અને તેના લીધે પણ કોરોનાનું સંક્રમણ ઘટ્યું હોય તેમ કહી શકાય. ત્યારે ગુજરાત હાઇકોર્ટે પણ રાજ્ય સરકારના રાત્રિ કરફ્યુના નિર્ણયને વખાણ્યો હતો. સામાન્ય રીતે લોકો કોરોના ગાઈડલાઈનનો ભંગ કરે તો તેમના વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવતી હોય છે. જ્યારે આજદીન સુધીમાં સેંકડો વખત રાજકીય કાર્યક્રમો અને મેળાવડાઓમાં કોરોના ગાઈડલાઈન અને સોશિયલ ડિસ્ટન્સીંગનાં ધજાગરા ઉડતા જોવા મળ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે