આશ્કા જાની/અતુલ તિવારી/અમદાવાદ :ફી મામલે વાલીઓને રાહત આપતા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત હાઇકોર્ટે સ્કુલ ફી મામલે વાલીઓને મોટી રાહત આપી છે. સ્કૂલો નહિ ખુલે ત્યાં સુધી શાળા સંચાલકો સ્કુલ ફીની માંગણી નહિ કરી શકે તેવું હાઈકોર્ટે જણાવ્યું છે. કોરોનાના સંકટ વચ્ચે સ્કુલ સંચાલકો બેફામ ફી ઉઘરાવતા સામે હાઇકોર્ટે ફટકાર લગાવી છે. જ્યાં સુધી શાળા શરૂ ન થાય ત્યાં સુધી ફી માટે શાળાઓ વાલીઓને દબાણ નહિ કરી શકે. સ્કૂલ તરફથી ફી ભરવા પર દબાણ ન કરે તો ડીઈઓ પગલાં લેવાના રહેશે. કોરોનાના કપરા કાળમાં વિદ્યાર્થીઓની ફી ભરવા સ્કૂલો દ્વારા દબાણ થતા હાઇકોર્ટમાં જાહેરહિતની અરજી કરાઈ હતી.
કોરોના મહામારીમાં શાળાઓ દ્વારા અપાતા ઓનલાઈન શિક્ષણ અને સ્વનિર્ભર શાળાઓ દ્વારા વસુલવામાં આવતી ફી મામલે શિક્ષણ વિભાગે મોટો નિર્ણય લીધો છે. વાલીઓને રાજ્ય સરકાર તરફથી ફી મામલે મોટી રાહત અપાઈ છે. શિક્ષણ વિભાગે સૂચના આપી કે, હાલ શાળાઓ બંધ હોઈ શાળાઓ દ્વારા ઇત્તર પ્રવૃત્તિઓ માટે નિયત કરાયેલી ફી શાળાઓ નિયમિત શરૂ ના થાય ત્યાં સુધી કોઈ વિદ્યાર્થીઓ પાસેથી વસુલી શકાશે નહિ. કોઈ વાલીએ ઇત્તર પ્રવૃત્તિની ફી ભરી દીધી હોય તો શાળા નિયમિત શરૂ થાય એટલે પરત લેવાની થતી ફીની રકમ શાળાએ વાલીને સરભર કરીને આપવાની રહેશે. શિક્ષણ વિભાગે સ્પષ્ટ ઉલ્લેખ કર્યો કે, જે સેવાઓ શાળા આપતી નથી તેની ફી વસુલી શકાશે નહિ. કોરોનાની કપરી પરિસ્થિતિમાં વાલીઓ મુશ્કેલ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે ત્યારે શૈક્ષણિક સંસ્થાઓએ તેમને મદદ કરવી જોઈએ.
શૈક્ષણિક સંસ્થાઓ, ટ્રસ્ટ અથવા મંડળોની રચનાનો ઉદ્દેશ નફાખોરી કર્યા સિવાય સમાજને ઉમદા શિક્ષણ આપવાનો છે. તેમ છતાં કેટલીક સ્વનિર્ભર શાળાઓ વાલીઓ પાસેથી ફી ઉઘરાવે છે અને ઘટાડવાનો પણ ઈન્કાર કરી ચૂકી છે. આથી આખરે રાજ્ય સરકારે જાહેરહિતમાં નિર્ણય કરતા આદેશ કર્યો કે, શાળાઓ વાસ્તવિક રીતે બંધ થઈ ત્યારથી હવે ક્યાં સુધી અગાઉની વાસ્તવિક સ્થિતિમાં ચાલુ ના થાય ત્યાં સુધી કોઈપણ પ્રકારની ટ્યુશન ફી વસુલી શકાશે નહિ. ફરી એકવાર સરકારે વર્ષ 2020-21 મામલે સ્પષ્ટતા કરી છે કે, કોઈપણ શાળા પોતાની ફીમાં કોઈપણ પ્રકારનો વધારો પણ કરી શકશે નહિ. જે વાલીઓએ એડવાન્સ ફી ભરી હોય તેમને શાળાએ આગામી સમયમાં લેવાની થતી ફીમાં વધારાની રકમ સરભર કરી આપવા આદેશ કર્યો છે. બાળકો માટે મફત અને ફરજીયાત શિક્ષણના અધિકાર હેઠળ ધોરણ 1 થી 8માં ભણતા એકપણ વિદ્યાર્થીને શાળામાંથી દૂર કરી શકાશે નહિ. 30 જૂન સુધીમાં કોઈ વિદ્યાર્થીએ ફી ના ભરી હોય તો તેને પણ દૂર કરી શકાશે નહિ.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે