ગૌરવ પટેલ, અમદાવાદઃ અમદાવાદના નવા નજરાણા માં મુલાકાતીઓની સલામતીનો અભાવ જોવા મળી રહ્યો છે. હેપીનેશ અને પબ્લીક ફેસીલીટી માટે બનાવાયેલા નવા રંગબેરંગી પંતગિયા જેવા રંગોથી સફર ફૂટઓવર બ્રીજમાં સુસાઇડ પોઇન્ટ બનવાના તમામ લક્ષણો સામે આવ્યાં છે. બ્રીજની બંને બાજુ માત્ર ચાર ફુટ જેટલી ઊંચી કાચ અને સ્ટીલની પાઇપની વ્યવસ્થા જોવા મળી રહી છે. પ્રોમીનાડથી બ્રીજ પર જતી સીડી પર માત્ર સ્ટીલની એક સામાન્ય ગ્રીલ જ જોવા મળી. ગ્રીલ વચ્ચે એટલી જગ્યા છેકે, કે કોઇ બાળક કે વ્યક્તિનો પગ લપસે તો સીધા નદીના પાણીમાં પડવાની શક્યતા છે.
એક તરફ નદીમાં પડી થતી આત્મહત્યા રોકવા અમદાવાદ મનપાએ તમામ બ્રીજ પર લોખંડની જાળી લગાડી છે. જ્યારે બીજી તરફ અમદાવાદમાં કરોડો રૂપિયાની માતબર રકમ ખર્ચીને તૈયાર કરવામાં આવેલાં અટલ બ્રિજમાં સુરક્ષા વ્યવસ્થાને નામે ભારે ખામીઓ જોવા મળી રહી છે. પોલીસ ચોપડે નોંધાયેલાં આંકડાઓની વાત કરીએ તો છેલ્લાં એક વર્ષમાં 130 લોકોનું નદીમાં ડૂબી જવાથી મોત નિપજ્યું છે. નદીમાં ડુબવાના ફાયર વિભાગને 174 કોલ મળ્યા હતા જે પૈકી 44 લોકોને ડૂબવાથી બચાવી શકાયા છે.
અટલ બ્રિજ પરની સુવિધાઓ-
ઉલ્લેખનીય છેકે, હાલમાં જ દેશના પ્રધાનમંત્રી મોદીએ આ આધુનિક અટલ ઓવરબ્રિજનું લોકાર્પણ કર્યું છે. આ બ્રિજ પર આપવામાં આવેલી સુવિધાઓની વાત કરીએ તો અહીં ચંપો, લોન અને ગ્રાસનું મહેકદાર પ્લાન્ટેશન છે. અહીં ઉનાળામાં ઠંડક માટે સિસ્ટમ મુકાઈ છે. અહીં શિયાળાની ફુલગુલાબી ઠંડીમાં વોર્મરની વ્યવસ્થા છે. અહીં આવતા મુલાકાતીઓ માટે મલ્ટીલેવલ કાર પાર્કિંગની વ્યવસ્થા કરાઈ છે. અહીં ફૂડ કિઓસ્ક અને સિટીંગ અરેન્જમેન્ટ રાખવામાં આવ્યું છે.
અટલ બ્રિજ પરનો ટિકિટ ચાર્જ-
વિઝિટર માટેની ટિકિટમાં 12 વર્ષની ઉંપરના લોકોને 30 રૂપિયા અને બાળકો તેમજ સિનિયર સિટિઝન માટે 15 રૂપિયા ટિકિટ રાખવામાં આવી છે. જ્યારે વિકલાંગ લોકોને વિના મૂલ્યે પ્રવેશ આપવામાં આવશે. જોકે, બ્રિજ પર કોઈપણ વ્યક્તિ અડધો કલાકથી વધારે રોકાવા માંગશે તો ફરી તેણે ટિકિટ લેવી પડશે.
બ્રિજની અન્ય ખાસિયતો વિશે જાણો-
આ બ્રિજની લંબાઈ 300 મીટર છે, જ્યારે તેનો સ્પાન 100 મીટર જેટલો છે. બ્રિજની પહોળાઈ છેડે 10 મીટર અને વચ્ચે 14 મીટર જેટલી છે. જ્યારે આ બ્રિજનું વજન 2600 ટન છે. જે લોખંડના પાઈપોના સ્ટ્રક્ચરમાંથી બનેલો છે. રંગબેરંગી ફેબ્રિકની ટેન્સાઈલ સ્ટ્રક્ચરની છત અહીં બનાવવામાં આવી છે. જ્યારે વચ્ચે વૂડન ફલોરિંગ અને બીજે ગ્રેનાઈટ ફ્લોરિંગનો ઉપયોગ કરાયો છે. અહીં પાઈલેશન પરના 2 પિલર પર આખો બ્રિજ ઉભો કરવામાં આવ્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે