Home> Gujarat
Advertisement
Prev
Next

ઘરમાં દવાખાના ખોલી ઊંટવૈદુ કરતા ડોક્ટરોની ખૈર નથી, હાઈકોર્ટની લાલ આંખ

મોતિયાના ઓપરેશન પછી 17 દર્દીને આંશિક-સંપૂર્ણ અંધાપા મુદ્દે સુઓમોટો રિટનો મામલો : કાયદાનો ભંગ કરનારને 10થી 50 હજાર સુધીનો દંડ કરાશે: સરકાર

ઘરમાં દવાખાના ખોલી ઊંટવૈદુ કરતા ડોક્ટરોની ખૈર નથી, હાઈકોર્ટની લાલ આંખ

ઝી બ્યૂરો, અમદાવાદઃ ઘરમાં ક્લિનિક, હોસ્પિટલ બનાવી સર્જરી કરનારા તબીબો સામે ગુજરાત હાઈકોર્ટે લાલ આંખ કરી છે. હાઈકોર્ટે કહ્યું છેકે, આ પ્રકારે ખોટી રીતે પ્રેક્ટીસ કરનાર તબીબો લોકોના જીવ સાથે રમત રમે છે. માંડલની શ્રી રામાનંદ આંખની હોસ્પિટલમાં મોતિયાના ઓપરેશન બાદ 17 જેટલા દર્દીએ આંશિક અને સંપૂર્ણ રીતે આંખોની દૃષ્ટિ ગુમાવતાં સર્જાયેલા અંધાપા કાંડ મુદ્દે સુઓમોટો રિટમાં ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ અનિરૂદ્ધ પી. માઇની ખંડપીઠે સરકારને એવી માર્મિક ટકોર કરી હતી કે,‘અનેક હોસ્પિટલો કે ક્લિનિક ડોક્ટરો તેમના ઘરમાં ચલાવે છે અને કાયદાથી વિરૂદ્ધ જઇ સર્જરીઓ પણ કરે છે! આ તબીબો લોકોના જીવ સાથે રમત રમે છે, જે અત્યંત જોખમી બાબત છે.’ 

fallbacks

હવે હોસ્પિટલોએ ફરજિયાત કરાવવું પડશે રજિસ્ટ્રેશનઃ
રાજ્ય સરકારે કહ્યું હતું કે,‘એકથી 50 પથારી ધરાવતી ક્લિનિક, હોસ્પિટલો માટે પણ હવે નવા સુધારેલા નિયમો હેઠળ રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત કરવામાં આવ્યું છે. એટલું જ નહીં, જો કોઇ કાયદા કે નિયમોનો ભંગ કરશે તો પહેલીવાર 10 હજાર અને બીજી વાર 50 હજાર દંડ કરાશે.’ અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકા પાસે આવેલા માંડલ ખાતેની શ્રી રામાનંદ આંખની હોસ્પિટલમાં સર્જાયેલા અંધાપાકાંડની સુઓમોટો રિટની સુનાવણીમાં રાજ્યા સરકાર તરફથી કમલભાઇ ત્રિવેદીએ રજૂઆત કરી હતી કે,‘ગુજરાત ક્લિનિકલ એસ્ટાબ્લિશ્મેન્ટ્સ રૂલ્સ ઘડવામાં આવ્યા છે. અગાઉ 50 બેડથી ઓછી બેડની હોસ્પિટલ કાયદા હેઠળ કવર નહોતી, પરંતુ હવે આ રૂલ્સમાં બધી જ હોસ્પિટલો કવર થઇ જાય છે. 

હાલ સંપૂર્ણપણે કાર્યરત નથી સ્ટેટ કાઉન્સિલઃ
જોકે, હાલ સ્ટેટ કાઉન્સિલ સંપૂર્ણપણે કાર્યરત નથી, પરંતુ એના માટેની કાર્યવાહી ચાલી રહી છે.’ હાઇકોર્ટે ટકોર કરી હતી કે,‘મિનિમમ સ્ટાન્ડર્ડ શું સેટ કરવામાં આવ્યા છે? રજિસ્ટ્રેશન પહેલાં કોઇ ઇન્સ્પેક્શનની પ્રક્રિયા છે કે કેમ?’ સરકારે કહ્યું હતું કે,‘ઇન્સ્પેક્શનની પ્રક્રિયા છે અને જે પ્રકારની હોસ્પિટલ કે તબીબી સેવા હોય તે મુજબની તપાસ કરવામાં આવે છે.’ 

રજિસ્ટ્રેશનની પ્રક્રિયા માત્ર ઔપચારિકતા ન બની રહે એવી ટકોર હાઇકોર્ટે કરી હતી. હાઇકોર્ટે કહ્યું હતું કે, સ્ટેટ કાઉન્સિલ કાર્યરત નથી ત્યારે ઇન્સ્પેક્શન કઇ રીતે થઇ શકે. રજિસ્ટ્રેશન પહેલાં જો ઇન્સ્પેક્શન ન થાય તો રજિસ્ટ્રેશન પ્રક્રિયા માત્ર ઔપચારિકતા બની જશે. રજિસ્ટ્રેશન વિના અનેક લોકો ઘરમાં ક્લિનિક ચલાવે છે અને સર્જરી પણ કરે છે. એલોપેથી તબીબો પણ સર્જરી કરે છે. દરેકને કંઇને કંઇ પણ નાણાકીય લાભ પણ આવી પદ્ધતિથી ચાલતા ક્લિનિકને કારણે મળે છે. ડોક્ટરે ઘરમાં સર્જરી કરી હતી એવી ચોંકાવનારી ઘટનાઓ અમારી સામે આવી છે. જે ખૂબ ડરામણી છે. આ‌વી અનેક ઘટના હોઇ શકે કે જેમાં લોકોની જિંદગી સાથે રમત રમવામાં આવે છે. તેથી આ મામલે મિનિમમ સ્ટાન્ડર્ડ તો હોવા જોઇએ.’

​​​​​​​મેડિકલ ક્ષેત્રે લાભ થશેઃ
હાઇકોર્ટે કહ્યું હતું કે,‘રાજ્ય સરકાર માટે આ ખૂબ સારી પહેલ રહેશે. મેડિકલ સર્વિસ સારી છે. બહારના રાજ્યો અને વિદેશથી પણ દર્દીઓ ગુજરાતમાં આવે છે. આવા સંજોગોમાં જો મેડિકલ સર્વિસિસ રેગ્યુલેટિંગ થઇ જશે તો આ ક્ષેત્રને વધુ લાભ થશે.’

સરકારે કહ્યું હતું કે,‘રાજ્ય સરકાર દ્વારા ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ હેઠળના નિયમોમાં જરૂરી સુધારાવધારા કરાયા છે. ઇન્સ્પેક્શનની જોગવાઇ, તબીબી લાઈસન્સ, ટેકનિકલ સ્ટાફ અને મશીનરીની ચકાસણીની જોગવાઇ કરાઇ છે. તે સિવાય નિયમ ભંગ કરનારને પહેલી વાર 10 હજાર અને બીજી વાર 50 હજાર દંડની જોગવાઇ કરવામાં આવી છે.’ કોર્ટે કહ્યું હતું કે,‘પરંતુ આવા લોકો પાસે પૂરતા રૂપિયા છે અને તેઓ રૂપિયા આપીને છૂટી જશે અને પોતાની રીતે ગમે તેમ ક્લિનિક કે તબીબી સેવાઓ ચાલુ રાખી લોકોના જીવ સાથે ચેડાં કરશે. કાયદાકીય જોગવાઇઓનો દુરૂપયોગ ન થાય એ પણ સુનિશ્ચિત કરવું જોઇએ.’ જોકે, હવે આ મામલે હાઇકોર્ટના વિવિધ સવાલોના જવાબ આપવા માટે રાજ્ય સરકાર તરફથી સમય માગવામાં આવ્યો હોવાથી વધુ સુનાવણી 15મી જુલાઇએ મુકરર કરવામાં આવી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More