ગાંધીનગરઃ રાજ્યસભામાં ગુજરાતની ખાલી પડેલી બે બેઠકો પર શુક્રવારે પેટાચૂંટણી યોજાઈ હતી. આ પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર અને વર્તમાન વિદેશ મંત્રી એવા એસ. જયશંકર અને બીજા ઉમેદવાર જુગલજી ઠાકોરનો વિજય થયો છે, જ્યારે કોંગ્રેસના ઉમેદવાર ગૌરવ પંડ્યા અને ચંદ્રિકાબેન ચુડાસમાનો પરાજય થયો છે. ભાજપના ઉમેદવાર એસ. જયશંકરને 104 અને જુગલજી ઠાકોરને 105 મત મળ્યા હતા. જેની સામે કોંગ્રેસના બંને ઉમેદવારોને 70-70 મત મળ્યા હતા.
શુક્રવારે યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસના ધારાસભ્ય એવા અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાએ ક્રોસ વોટિંગ કર્યું હતું. તેમણે મતદાન કર્યું ત્યારે પોતાનો મત કોંગ્રેસના પોલિંગ એજન્ટને બતાયા વગર મતપેટીમાં નાખી દીધો હતો. કોંગ્રેસે આ બાબતે વાંધો ઉઠાવ્યો હતો અને કેન્દ્રીય ચૂંટણી પંચમાં આ અંગે ફરિયાદ પણ કરી હતી. જેના કારણે મતગણતરીમાં વિલંબ થયો હતો.
ચૂંટણી પંચ દ્વારા બંને સીટ માટે અલગ-અલગ ચૂંટણી યોજવામાં આવી હતી. એટલે કે, ગુજરાતના તમામ ધારાસભ્યો દ્વારા રાજ્યસભાની બે સીટ માટે ઊભા રહેલા બંને પક્ષના ઉમેદવાર માટે અલગ-અલગ મતદાન કરવાનું હતું. જુદું-જુદું મતદાન કરવાનું હોવાના કારણે કોંગ્રેસને નુકસાન થયું હતું અને તેના ઉમેદવારોને વિજય માટે જરૂરી મત મળ્યા ન હતા. શુક્રવારે સવારે 9 કલાકે મતદાન યોજાયું હતું.
રાજ્યસભા ચૂંટણીમાં વિજયી થયા બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ બંને વિજેતા ઉમેદવારોને અભિનંદન આપ્યા હતા અને શુભેચ્છાઓ પાઠવી હતી. પત્રકારોને સંબોધતા મુખ્યમંત્રીએ જણાવ્યું કે, રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપના બંને ઉમેદવારોનો વિજય દર્શાવે છે કે કોંગ્રેસ નબળી પડી છે. તેના ધારાસભ્યોને પણ હવે તેમની પાર્ટીમાં વિશ્વાસ રહ્યો નથી.
રાજ્યસભા ચૂંટણીમાં વિજયી થવા અંગે પત્રકારોને સંબોધતાં વર્તમાન વિદેશ મંત્રી એસ. જયશંકરે જણાવ્યું કે, "ગુજરાતમાંથી રાજ્યસભામાં ચૂંટાઈને જવું એક અલગ અનુભવ છે. મને ટેકો આપનારા તમામ ધારાસભ્યોનો હું હૃદયપૂર્વક આભાર માનું છું. દુનિયાનો કોઈ એવો દેશ નહીં હોય જ્યાં તમને ગુજરાતી ન મળે. ગુજરાતીઓ આ દેશનું ગૌરવ છે. આજે જ્યારે બજેટમાં દેશના અર્થતંત્રને 3 કરોડ ડોલરથી વધારીને 5 કરોડ ડોલર સુધી પહોંચાડવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે ત્યારે ગુજરાતીઓને તેમાં યોગદાન આપવા હું વિનંતી કરું છું."
આ પ્રસંગે પત્રકારોને સંબોધતાં ભાજપના જુગલજી ઠાકોરે જણાવ્યું કે, "વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહના નેતૃત્વમાં કામ કરવાની તક મળી તેના માટે હું તેમનો આભારી છું. આ ચૂંટણીમાં વિજયી થવા માટે જે ધારાસભ્યોએ ટેકો આપ્યો છે એ તમામનો હું અંતઃકરણપૂર્વક આભાર માનું છું."
રાજ્યસભાની ચૂંટણીના પરિણામ અંગે વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું કે, "વિજેતા બનેલા ભાજપના બંને ઉમેદવારોને અમારા અભિનંદન છે. કોંગ્રેસના તમામ ધારાસભ્યો અને અપક્ષ ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીનો પાર્ટીના સમર્થનમાં રહેવા બદલ આભાર માનું છું."
પરેશ ધાનાણીએ વધુમાં જણાવ્યું કે, ભાજપે બહુમતીના જોરે 2 અલગ-અલગ ચૂંટણી કરાવી છે અને આ રીતે વિજય મેળવ્યો છે. હાલ પ્રથમ તબક્કો પુરો થયો છે અને અમે કાયદાકીય પ્રક્રિયામાં આગળ વધીશું. અમને વિશ્વાસ છે કે, કાયદાકીય લડાઈ પછી ફરી ચૂંટણી યોજાશે અને તેમાં અમારા એક ઉમેદવારનો વિજય થશે. કોંગ્રેસના બંને ભૂતપૂર્વ ધારાસભ્યો અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાએ પોતાના અંગત કારણોસર ભાજપને મત આપ્યો છે, તેમની સામે પાર્ટી કાયદાકીય કાર્યવાહી કરશે.
જૂઓ LIVE TV....
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે