Gujarat Second phase Vidhan Sabha Chunav 2022 અલકેશ રાવ/બનાસકાંઠા : ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાના મતદાનના થોડા કલાકો પહેલા હાઈવોલ્ટેજ ડ્રામા સર્જાયો હતો. આજે ગુજરાતની 14 જિલ્લાની 93 બેઠકો પર 833 ઉમેદવારો મેદાનમાં છે. ત્યારે સવારે 8 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી મતદાન થશે. ત્યારે બીજા તબક્કાના મતદાન પહેલા વધુ એક ઉમેદવાર પર હુમલો થયો હોવાનું સામે આવ્યું છે. થરાદના કોંગ્રેસી ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂત પર હુમલો કરાયો છે. તેઓએ ભાજપના ઈશારે હુમલો કરાયો હોવાનો આક્ષેપ કર્યો છે.
થરાદના ધારસભ્ય ગુલાબસિંહ રાજપૂત ઉપર હુમલો કરાયાના આક્ષેપ તેઓએ કર્યો છે. ત્યારે મોડી રાત્રે થરાદમાં થયેલા આ હુમલામાં ગુલાબસિંહ ઉપર ભાજપના લોકોએ હુમલો કર્યાના આક્ષેપ ઉઠ્યો છે. ત્યારે થરાદમાં મામલો તંગ બનતા પોલીસે ઘટના સ્થળે પહોંચી મામલો થાળે પાડ્યો હતો. સમગ્ર ઘટના બાદ ગુલાબસિંહ ફેસબુક પર લાઈવ થયા હતા અને હુમલાની માહિતી આપી હતી. જેના બાદ રાજકીય માહોલ વધુ ગરમાયો હતો.
ઉલ્લેખનીય છે કે, થરાદમાં ગુલાબસિંહ અને ભાજપના દિગ્ગજ શંકર ચૌધરી ચૂંટણી લડી રહ્યા છે. પ્રથમ તબક્કાના મતદાનની આગલી રાતે વાંસદામાં ભાજપા ઉમેદવાર પિયુષ પટેલ પર હુમલો કરાયો હતો, અને તેઓએ કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલના ઈશારે હુમલો કરાયો હોવાનો આક્ષેપ કર્યો હતો.
ગુજરાત વિધાનસાની ચૂંટણી માટે આજે બીજા તબક્કાનું મતદાન છે. 14 જિલ્લાની 93 બેઠક પર મતદાન થશે. સવારે 8 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી લોકો મતદાન કરી શકશે.
બીજા તબક્કામાં ક્યા જિલ્લાની કેટલી બેઠક પર મતદાન થશે તેની વાત કરીએ તો...બનાસકાંઠાની 9, પાટણની 4, મહેસાણાની 7, સાબરકાંઠાની 4, અરવલ્લીની 3, ગાંધીનગરની 5, અમદાવાદની 21, આણંદની 7, ખેડાની 6, મહીસાગરની 3, પંચમહાલની 5, દાહોદની 6, વડોદરાની 10, છોટા ઉદેપુરની 3 બેઠકો માટે મતદાન થશે.
બીજા તબક્કામાં 60 પક્ષોએ તેમના ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે.જેમાં ભાજપ-આપે તમામ 93 બેઠક, કોંગ્રેસે 90, બીએસપીએ 44, બીટીપીએ 12, સમાજવાદીએ પાર્ટીએ 5, એનસીપીએ 2 બેઠક પર પોતાના ઉમેદવારોને તક આપી છે. કુલ 285 અપક્ષ ઉમેદવારોએ પણ પોતાનું નસિબ અજમાવવા ચૂંટણીના મેદાનમાં ઝુકાવ્યું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે