Gujarat Vav By-Election Date Declare : કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર કરી દેવામાં આવી છે. મહારાષ્ટ્રમાં 20 નવેમ્બર અને ઝારખંડમાં 13 અને 20 નવેમ્બરે વિધાનસભાની ચૂંટણી યોજાશે. ત્યારે ગેનીબેનની ભવ્ય જીત બાદ ખાલી પડેલી વાવ બેઠક પર પેટાચૂંટણીની જાહેરાત કરાઈ છે. વાવ વિધાનસભાની બેઠક પર 13 નવેમ્બરે પેટાચૂંટણી યોજાશે. ભાજપ અને કોંગ્રેસ માટે આ પેટાચૂંટણી ખરાખરીનો જંગ સાબિત થશે.
ચૂંટણી પંચ દ્વારા મહારાષ્ટ્ર અને ઝારખંડની વિધાનસભા ચૂંટણીની આજે જાહેરાત થઈ છે. ત્યારે ગુજરાતની વાવ બેઠક પર પણ પેટાચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે. આ બેઠક ભાજપ માટે કસોટીરૂપ બેઠક છે. આ બેઠક પર કોંગ્રેસનો દબદબો છે. 2017 થી આ બેઠક પર કોંગ્રેસનો દબદબો છે. આ જ બેઠક પરના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે ભાજપને લોકસભામાં હરાવ્યું હતું. ભાજપ લોકસભાની ચૂંટણીમાં ગુજરાતમાં આ એકમાત્ર સીટ પર હાર્યું હતું. ભાજપ માટે આ હાર ભારે નિરાશાજનક બની રહી હતી. ત્યારે હવે ફરી એકવાર આ બેઠક કોંગ્રેસ અને ભાજપ માટે વટનો સવાલ બની રહેશે.
BREAKING NEWS: મહારાષ્ટ્ર-ઝારખંડની વિધાનસભા ચૂંટણી અને બનાસકાંઠાની વાવ બેઠક પર પેટા ચૂંટણીની જાહેરાત#breakingnews #maharashtra #jharkhand #gujarat #elections #zeecard pic.twitter.com/JE2uaQDpSN
— Zee 24 Kalak (@Zee24Kalak) October 15, 2024
ગેનીબેને ધારાસભ્ય પદેથી આપ્યું હતું રાજીનામું
તાજેતરમાં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં વાવ બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર બનાસકાંઠા બેઠક પરથી વિજેતા બન્યા હતા. જેથી તેમણે ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું હતું. નિયમ મુજબ રાજીનામાના છ મુજબ ખાલી પડેલી સીટ પર ચૂંટણી યોજવી ફરજિયાત છે. જેથી આજે ઝારખંડ અને મહારાષ્ટ્રની ચૂંટણીની તારીખોની સાથે વાવની ખાલી પડેલી બેઠક પર આગામી 13 નવેમ્બરે પેટાચૂંટણી યોજાશે, જેના પરિણામ 23 નવેમ્બરે જાહેર થશે.
2022 વિધાનસભા ચૂંટણી
ગેનીબેન ઠાકોર (કોંગ્રેસ) vs સ્વરૂપજી ઠાકોર (ભાજપ) - ગેનીબેનની જીત
2017 વિધાનસભા ચૂંટણી
ગેનીબેન ઠાકોર (કોંગ્રેસ) vs શંકર ચૌધરી (ભાજપ) - ગેનીબેનની જીત
2012 વિધાનસભા ચૂંટણી
શંકર ચૌધરી (ભાજપ) vs ગેનીબેન ઠાકોર (કોંગ્રેસ) - શંકર ચૌધરીની જીત
કોને મળશે ટિકિટ
ભાજપ અને કોંગ્રેસ માટે વાવની પેટાચૂંટણી વટનો સવાલ બની રહેશે. આ બેઠક પર ગેનીબેનનનો વર્ષ 2027 થી દબદબો છે. તેથી ભાજપ માટે ગેનીબેનનો કિલ્લો ધ્વસ્ત કરવું મુશ્કેલ છે. ત્યારે વાવની પેટાચૂંટણીમાં ખરાખરીનો જંગ જામશે. ગુજરાતમાં ભલે ભાજપની સરકાર હોય, પણ વાવ બેઠક પર જીતવું ભાજપ માટે પણ લોખંડના ચણા ચાવવા જેવું છે. ત્યારે ભાજપ આ બેઠક પર જીતવા અને કોંગ્રેસ પોતાની બેઠક જાળવવા કયા ઉમેદવારને મેદાનમાં ઉતારે છે તે તો સમય આવ્યે ખબર પડશે.
પીએમ મોદી ગુજરાતના પ્રવાસે છે
આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે વખત ગુજરાતના પ્રવાસે રહેશે. ૨૮મી ઓક્ટોબરે વડોદરા અને અમરેલીની મુલાકાત લેશે તેમ જાણવા મળ્યું છે. ત્યારે તેઓ તેમની આ મુલાકાત વાવની પેટાચૂંટણી અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સંદર્ભે હોઈ શકે છે તેવી વર્તુળોમાં ચર્ચા શરૂ થઈ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે