Gujarat Election Video ગૌરવ પટેલ/અમદાવાદ : કોંગ્રેસનો ગઢ ગણાતી અમદાવાદની દરિયાપુર બેઠક પર કમળ ખીલ્યું છે. ભાજપે આ બેઠક કોંગ્રેસ પાસેથી આંચકી લીધી છે. આ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર ગ્યાસુદ્દીન શેખની હાર થઈ હતી. તો ભાજપના ઉમેદવાર કૌશિક જૈનની જીત થઈ હતી. ગ્યાસુદ્દીન શેખ માટે આ હાર વસમી બની હતી. હાર બાદ એક થયેલા ગ્યાસુદ્દીન શેખ અને ઈમરાન ખેડાવાડા એકબીજાને ભેટીને રડી પડ્યા હતા. બંને નેતાઓએ એકબીજાને સાંત્વના આપી હતી. ત્યારે આ ઘટનાનો ભાવુક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
ગ્યાસુદ્દીન કોંગ્રેસની સલામત બેઠક ગણાતી હતી. જેના પર ગ્યાસુદ્દીન શેખ હાર્યા હતા. ત્યારે જમાલપુર ખાડિયાની બેઠકથી જીતનાર કોંગ્રેસના ઉમેદવાર ઈમરાન ખેડાવાલા ગ્યાસુદ્દીન શેખને તેમની ઓફિસ પર મળવા પહોંચ્યા હતા. ત્યારે ગ્યાસુદ્દીન શેખ તેમને જોઈને ભાવુક થઈ ગયા હતા, અને રડી પડ્યા હતા. ગ્યાસુદ્દીન શેખ ઈમરાન શેખને ભેટીને રડ્યા હતા. ત્યારે આ હારનાર અને જીતનાર ઉમેદવાર વચ્ચેની આ ક્ષણ ભાવુક બની હતી. ગ્યાસુદ્દીન શેખની હાર પર ઈમરાન ખેડાવાલાએ તેમને હિંમત આપી હતી. બાદમાં ગ્યાસુદ્દીન શેખે ઈમરાન ખેડાવાડાને તેમની જીત પર અભિનંદન આપ્યા હતા. આ ઘટનાનો વીડયો હાલ સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, જમાલપુર ખાડિયા બેઠકથી ઈમરાન ખેડાવાલાની જીત થઈ છે.
દરિયાપુરથી હાર્યા ગ્યાસુદ્દીન શેખ
અમદાવાદની દરિયાપુર બેઠક પર ભાજપના ઉમેદવાર કૌશિક જૈનની જીત થઇ છે. તેમની સામે કોંગ્રેસના ઉમેદવાર ગ્યાસુદ્દીન શેખ મેદાને હતા. નોંધનીય છે કે, આ બેઠક પર 1,24,696 વોટ પડ્યા હતા. ટકાવારી પ્રમાણે આ બેઠક પર 59.40 ટકા મતદાન થયું હતું. દરિયાપુર બેઠક પર કુલ 2,09,909 મતદારો છે. જેમાં 1,07,597 પુરુષ મતદારો અને 1,02,300 મહિલા મતદારોનો સમાવેશ થાય છે.
કદાવર નેતાઓ હાર્યા
60થી વધુ બેઠકોનાં નુકસાન સાથે કોંગ્રેસના કદાવર નેતાઓ પોતાની બેઠક પણ નથી બચાવી શક્યા. એક રીતે કોંગ્રેસનો સફાયો થઈ ગયો છે. પોતાની બેઠકો પર હારનો સામનો કરનારા કોંગ્રેસના દિગ્ગજો પર નજર કરીએ તો તેમાં અમરેલીથી પરેશ ધાનાણી, ધોરાજીથી લલિત વસોયા, ટંકારાથી લલિત કગથરા, વીરમગામથી લાખા ભરવાડ, થરાદથી ગુલાબસિંહ રાજપૂત, દરિયાપુરથી ગ્યાસુદ્દીન શેખ, રાજુલાથી અમરીશ ડેર, પ્રતાપ દૂધાત અને ઉનાથી પૂંજા વંશનો સમાવેશ થાય છે. અમદાવાદની ઘાટલોડીયા, સાબરમત્તી અને નારણપુરા બેઠક પર તો કોંગ્રેસના ઉમેદવારોએ ડિપોઝિટ ગુમાવવાનો વારો આવ્યો છે. પરિણામની વાત કરીએ તો, કોંગ્રેસમાંથી 34 ઉમેદવાર ડિપોઝીટ બચાવવામાં અસમર્થ રહ્યાં છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે