ગાંધીનગરઃ ગુજરાતમાં નવી સરકારના શપથ ગ્રહણ બાદ આજથી મુખ્યમંત્રી સહિત તમામ મંત્રીઓએ કાર્યભાર સંભાળી લીધો છે. રાજ્યમાં ફરી ગૃહ વિભાગની જવાબદારી હર્ષ સંઘવીને આપવામાં આવી છે. આજે કાર્યભાર સંભાળવાની સાથે હર્ષ સંઘવી એક્શનમાં જોવા મળ્યા હતા. રાજ્યના ગૃહ મંત્રી તરીકે બીજી વખત જવાબદારી સંભાળતા હર્ષ સંઘવીએ પોલીસ વિભાગની ડિજિટલ કામગીરી, ઇ-ચલણ તેમજ પોલીસ વિભાગની અન્ય કામગીરીઓ બાબત સમીક્ષા બેઠક યોજી હતી.
ભારત અને ગુજરાત ડિજિટલ ક્ષેત્રે હરણ ફાળ ભરી રહ્યું છે, ત્યારે ગુજરાત પોલીસ પણ ઓનલાઈન સેવાઓમાં કઈ રીતે વધુ સુગમ અને પ્રજાલક્ષી કાર્ય કરી શકે તે બાબત આ બેઠકમાં વિશેષ ચર્ચા કરવામાં આવી હતી. ઇ-ચલણમાં અનપેઇડ રીકવરી વધારવા, “વન નેશન વન ચલણ” અંતર્ગત નિર્ણય લેવા, ઇન્ટરસેપ્ટર વાહનોના ઉપયોગની નિયત સમયે સમીક્ષા કરવા આ બેઠકમાં ચર્ચા કરાઇ હતી. પોલીસ સ્ટેશન નજીકના વિસ્તારની સફાઇ બાબતે, સાયબર ક્રાઇમ, શી- ટીમ તેમજ ડ્રગ્સ જાગૃત્તિ અંગે ૧૦૦ દિવસની અવધિમાં ઝુંબેશ ચલાવવા બાબતે પણ આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી.
આ પણ વાંચોઃ પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની ભવ્ય ઉજવણી, આવતીકાલે પીએમ મોદી કરશે ઉદ્ઘાટન
પોલીસ કર્મચારીઓ માટે સ્પોર્ટસ કોમ્પલેક્ષની રચના થાય તેમજ પોલીસ બેન્ડને અદ્યતન બનાવવાની સાથે દરેક જિલ્લામાં પોલીસ બેન્ડની રચના થાય અને ટેલેન્ટેડ કર્મચારીઓ/અધિકારીઓ તેમાં સામેલ થાય તેવા પ્રયત્નો કરવા અને પોલીસ બેન્ડને પોલીસ બ્રાન્ડ બનાવવા બાબત પણ ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ સુચનો કર્યા હતા. ગુજરાત પોલીસમાં સામેલ પારંપરીક કેમલ ફોર્સને મજબૂત કરી તેનું સંવર્ધન કરવા અંગે પણ વિચારણા કરવામાં આવી હતી.
બેઠક દરમ્યાન મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ ગૃહ મંત્રાલયની મુલાકાતે પહોંચ્યા હતા જે દરમ્યાન પોલીસ વિભાગના ભાવી ડિજિટલ પ્રોજેકટ સંદર્ભે ગૃહમંત્રીએ મુખ્યમંત્રીને વિગતવાર માહિતી પ્રદાન કરી હતી. ચાર્જ સંભ્યાળ્યાના પ્રથમ દિવસે જ બેઠક યોજીને ગૃહ વિભાગની કામગીરીને વેગ આપવા બદલ મુખ્યમંત્રીએ ગૃહમંત્રીની કામગીરીને બિરદાવી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે