રવિ અગ્રવાલ/વડોદરા :વડોદરામા વિશ્વામિત્રી નદીએ ભયજનક સપાટી પાર કરી દીધી છે. વિશ્વામિત્રી નદીની સપાટી 27 ફૂટ પર પહોંચી ગઈ છે. જેને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ છે. વડોદરાના પેન્શનપુરા, નવીનગરી, જલારામ નગર સહિતની વસાહતોમાંથી લોકોનું સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે. મુજમહુડા ગામમાં પણ પાણી ઘૂસવાની શરૂઆત થઈ છે. હાલ 535 લોકોનુ સ્થળાંતર કરાયું છે. ભયજનક સપાટી ક્રોસ થતા વિશ્વામિત્રી બ્રીજ પર પોલીસનો બંદોબસ્ત ખડકાયો છે.
સમગ્ર ગુજરાત વરસાદના બાનમાં, અમદાવાદ પણ પાણી પાણી, 26 ટ્રેન કેન્સલ કરાઈ
ઉપરવાસમાં ભારે વરસાદને પગલે તથા વડોદરામાં ચોવીસ કલાકથી સતત વરસી રહેલા વરસાદને પગલે વિશ્વામિત્રી નદીની સપાટી 27 ફૂટ પર પહોંચી છે. જેને કારણે નીચાણવાડા વિસ્તારોને ખાલી કરાવવામાં આવી રહ્યાં છે. જોકે, આજે સવારે આજવા સરોવરની સપાટી ઘટીને 212.85 ફૂટ થઈ હતી. મોડી રાત્રે આજવા સરોવરની સપાટી 212.90 ફૂટ હતી. વિશ્વામિત્રી નદીનું ડેન્જર લેવલ 26 ફૂટ છે.
વિશ્વામિત્રીની સપાટી વધવાના ડરથી વડોદરા સયાજીગંજના પરશુરામ ભટ્ટા અને સુભાસ નગરથી 300 લોકોને સુરક્ષિત જગ્યાએ ખસેડાયા છે. ભારે વરસાદને પગલે સુભાષ નગર અને પરશુરામ ભઠ્ઠામાં 100 થી વધુ કાચા પાકા મકાનોમાં પાણી ઘૂસ્યા છે. જેથી અનેક લોકોની ઘરવખરી પલળતા લોકો પરેશાન થયા છે. રાત્રિ દરમિયાન નીચાણવાળા વિસ્તારમાંથી 1000 લોકોને સુરક્ષિત જગ્યાએ ખસેડાયા છે. સયાજીગંજના પરશુરામ ભઠ્ઠા, જામવાડી, પેન્શનપુરા, ઇન્દિરા નગર, અકોટા, મુજમહુડા સહિતના વિસ્તારોના લોકોને સલામત જગ્યાએ ખસેડાયા છે.
સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :
વરસાદી પાણી ભરાઈ જવાથઈ વડોદરાના પૂર્વ પશ્ચિમ વિસ્તારોને જોડતું અલકાપુરી ગરનાળુ બંધ કરાયું છે. ગરનાળામાં પાણી ભરાતા અલકાપુરી તરફ જતો રસ્તો બંધ કરાયો છે. બેરીકેટ મૂકીને કોઈને આગળ જવાની મનાઈ ફરમાવામાં આવી છે. રેલવે અને બસ સ્ટેશનથી અલકાપુરી જવાનો રસ્તો બંધ થતાં વાહન ચાલકો અને રાહદારીઓ મુસીબતમાં મુકાયા છે. કેટલાક લોકો ખતરો ઉઠાવી ગરનાળામાંથી પસાર થઈ રહ્યાં છે.
આ ઉપરાંત વડોદરાના નીચાણવાળા વિસ્તાર જેવા કે સમા, સંજયનગર, નવીનગરી, મુજમહોડા, વડસર, પરશુરામ ભઠ્ઠામાં પોલીસ અને વહીવટી તંત્રની ટીમો તૈનાત કરી છે. વડોદરા કલેક્ટર શાલિની અગ્રવાલે તમામ અધિકારીઓને ગઈકાલે રાત્રે ઓફિસમાં રોકાઈ નોકરી પર હાજર રહેવાનો આદેશ કર્યો હતો. સાથે જ વિશ્વામિત્રી નદીની સપાટી 22 કે 24 ફૂટ પહોચશે તો નિચાણવાળા વિસ્તારો ખાલી કરાવવા માટે પણ અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી. વડોદરામાં ગઈકાલ સવારથી 2.5 ઈંચ વરસાદ વરસ્યો છે, જેના પગલે કેટલાક રસ્તાઓ પર પણ પાણી ભરાયા છે. વડોદરા પોલીસ કમિશનરે તમામ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને સ્ટેન્ડબાય અને એલર્ટ રહેવાના આદેશ આપ્યા
છે. સાથે જ પોલીસના તમામ વાહનોમાં રેસકયુના સાધનો રાખવા પણ સુચના આપી છે. ત્યારે જો આજવા સરોવરમાંથી વિશ્વામિત્રી નદીમાં પાણીની આવક નહિ ઘટે તો ચોક્કસથી ફરી એકવાર વડોદરાવાસીઓને પૂર જોવુ પડી શકે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે