અતૃલ તિવારી, અમદાવાદ: 23મી એપ્રિલના રોજ રાજ્યની તમામ 26 બેઠકો પર મતદાન યોજાવાનું છે. ત્યારે જિલ્લામાં વધુમાં વધુ મતદાન થઈ શકે તેવા વિવિધ પ્રકારના પ્રયાસો હાથ ધરાયા છે. જેના ભાગરૂપે જિલ્લા ચૂંટણી અધિકારી કચેરી અમદાવાદના ઉપક્રમે જિલ્લાના શતાયુ મતદારોનો સન્માન સમારોહ યોજાયો. નોંધણી મુજબ અમદાવાદ જિલ્લામાં આશરે 719 જેટલા શતાયુ મતદારો નોંધાયા છે. જેમાંથી શતાયુ મતદારોના સન્માન કાર્યક્રમમાં આશરે 200 જેટલા મતદારો ઉપસ્થિત રહ્યા હતા.
જિલ્લા કલેક્ટર દ્વારા હાજર રહેલા આશરે 200 જેટલા શતાયુ મતદારોનું શાલ ઓઢાડી તેમજ પ્રમાણપત્ર આપીને સ્વાગત કરવામાં આવ્યું. અમદાવાદ જિલ્લામાં વધુમાં વધુ મતદાન થાય અને શતાયુ ઉમેદવારોથી પ્રરાઈને યુવાનો પણ મતદાન કરવા પ્રેરાય તેવા ઉદ્દેશ સાથે કાર્યક્રમ યોજાયો તો સાથે શતાયુ મતદાતાઓ EVM પ્રક્રિયાને સમજી શકે તે માટે EVM મશીનની તમામને સમજ પણ આપવામાં આવી. આ ખાસ કાર્યક્રમમાં જિલ્લા કલેકટર વિક્રાંત પાંડે, ચૂંટણી ઓબ્ઝર્વર અમિત સૈની અને અમદાવાદ પૂર્વ લોકસભાના ચૂંટણી અધિકારી અરુણ મહેશબાબુ ઉપસ્થિત રહ્યા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે