તેજશ મોદી, સુરત: પતિની હત્યારણ પત્ની અને પ્રેમીને આજીવન કેદની સજા થઈ છે. પતિ અને પત્નીના સબંધ પવિત્ર હોય છે, બંને એક બીજાને સમજે છે અને તેને અનુરૂપ જ એક બીજા સાથે જીવન જીવે છે. જો કે હાલના સમયમાં એવું બને તે જરૂરી નથી, કારણ કે હવે ખુદ પત્ની જ પતિની હત્યા કરવી શકે તેવી ઘટનાઓ સમાજમાં જોવા મળી રહી છે. ત્યારે સુરતમાં બનેલી એક ઘટનામાં કોર્ટે પતિની હત્યા કરવાના ગુનામાં પત્ની અને તેના પ્રેમી સહીત ત્રણ વ્યક્તિઓને આજીવન કેદની સજા ફટકારી છે.
આ ચોંકાવનારી ઘટના વર્ષ 2011ની છે. હેમલતા અને નિકુંજ લગ્ન કર્યા બાદ સુરતના કાપોદ્રા વિસ્તારમાં રહેતા હતા. બંનેને એક બાળક પણ હતો. જો કે આ બાળકને નાનપણમાં જ કિડનીની બિમારી હતી. જેથી તેની સારવાર માટે ખર્ચ વધુ થતો હતો. હેમલતા અને નિકુંજ વચ્ચે બાળકના ખર્ચ ઉપરાંતના મુદ્દાઓને લઈને હંમેશા ઘરમાં ઝઘડો થતો હતો. દિકરાની સાથે પત્ની હેમલતાની દરકાર પણ નિકુંજ રાખતો ન હતો. પતિ સાથેના સબંધો વણસતા હેમલતાને પ્રવિણ સુતરીયા નામની વ્યક્તિ સાથે પ્રેમ સબંધ બંધાયો હતો. હેમલતાએ પ્રવીણને નિકુંજ અંગેની વાતચીત કરી હતી, જેથી બંનેએ સાથે મળી નિકુંજની હત્યાનો પ્લાન બનાવ્યો હતો. જેના માટે 60,000 રૂપિયાની સોપારી આપવામાં આવી હતી. રવિશંકર અને વિકાસ નામના હત્યારાઓને સોપારી આપ્યા બાદ હત્યાના દિવસે હેમલતા પતિ નિકુંજ અને બાળકને લઈને પુણા વિસ્તારમાં ગઈ હતી, જ્યાં રવિશંકર અને વિકાસની ઓળખ ચુંદડીના વેપારી તરીકે આપી હતી અને રૂપિયા લેવા માટે તેની સાથે નિકુંજને મોકલ્યો હતો.
જુઓ LIVE TV
ત્રણેય દેવધ ગામ પાસેના ખેતરમાં ગયા હતાં, જ્યાં બંનેએ નિકુંજ પર ચપ્પુ વડે હુમલો કરી તેની હત્યા કરી નાંખી હતી અને ઘટના સ્થળેથી ભાગી ગયા હતાં. હત્યા બાદ હેમલતાએ તેના સસરાને ફોન કરી નિકુંજ ફોન નહીં ઉપાડતો હોવાનું જણાવ્યું હતું. વધુમાં એમ પણ જણાવ્યું હતું કે નિકુંજ કોઈ પાસેથી પૈસા લેવા માટે ગયો હતો. ઘટના ગંભીર જણાતા નિકુંજને તેના પરિવારજનો શોધવા નીકળ્યા હતાં, જ્યાં તેની લાશ દેવધ ગામ પાસેથી મળી આવી હતી. આ ઘટના અંગે પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરુ કરી હતી, જેમાં હેમલતા અને પ્રવિણ દ્વારા જ હત્યા કરવામાં આવી હોવાનું તપાસમાં સામે આવ્યું હતું. આ કેસમાં પોલીસે રવિશંકર પૂરણ અને દિવ્યેશ ખેનીની પણ ધરપકડ કરી હતી, જ્યારે વિકાસની ધરપકડ થઇ ન હતી. સમગ્ર મામલે કોર્ટમાં કેસ ચાલ્યો હતો. અધિક સરકારી વકીલ કિશોર રેવલિયાની દલીલોના આધારે અને સાક્ષીઓની તપાસ બાદ સુરત જીલ્લાની એડીશ્નલ સેસન્સ કોર્ટે ચાર આરોપીઓ પૈકી હેમલતા, પ્રવિણ અને રવિશંકરને હત્યાના ગુનેગાર માની આજીવન કેદની સજા ફટકારી હતી, જ્યારે દિવ્યેશને પુરાવાઓના અભાવે છોડી મુક્યો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે