ભરૂચઃ દેશમાં 2024માં લોકસભા ચૂંટણી યોજાવાની છે. આ વખતે એનડીએનો મુકાબલો ઈન્ડિયા ગઠબંધન સામે થઈ શકે છે. ગુજરાતમાં પણ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ સાથે મળીને લોકસભા ચૂંટણી લડશે. આપના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી આ જાહેરાત કરી ચુક્યા છે. હવે આ મામલે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ મહત્વનું નિવેદન આપ્યું છે. ચૈતર વસાવાએ આજે કહ્યુ કે ભરૂચ બેઠક પરથી હું અથવા મુમતાઝ પટેલ ઉમેદવાર હોઈશું.
શું બોલ્યા ચૈતર વસાવા
આમ આદમી પાર્ટી એનડીએ વિરુદ્ધ બનેલા ગઠબંધન ઈન્ડિયામાં સામેલ થઈ છે. જો આ ગઠબંધનમાં બધુ બરાબર રહ્યું તો ગુજરાતમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ સાથે મળીને લોકસભા ચૂંટણી લડશે. આપના ધારાસભ્ય ચૈતર વસાવાએ કહ્યુ કે હું અથવા મુમતાઝ પટેલ ભરૂચ બેઠક પરથી ઉમેદવાર હોઈશું. આ સાથે આપના ધારાસભ્યએ કહ્યુ કે જો કોંગ્રેસ સાથે ગઠબંધન નહીં થાય તો આમ આદમી પાર્ટી ગુજરાતની તમામ 26 લોકસભા સીટ પર પોતાના ઉમેદવાર ઉતારશે.
આજે ભરૂચમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા સ્વ. અહમદ પટેલની 74મી જન્મજયંતિ નિમિત્તે સ્મરણાંજલિ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શક્તિસિંહ ગોહિલ, કોંગ્રેસના અન્ય નેતાઓ, આપના ધારાસભ્ય ચૈતર વસાવા સહિત અનેક રાજકીય અને સામાજિક ક્ષેત્રના લોકો પહોંચ્યા હતા. ત્યારબાદ ચૈતર વસાવાએ આગામી લોકસભા ચૂંટણી મુદ્દે પોતાની વાત મીડિયા સમક્ષ કરી હતી. વસાવાએ કહ્યુ કે જો ગઠબંધન નહીં થાય તો આમ આદમી પાર્ટી તમામ 26 સીટો પર લડવાની છે.
આ પણ વાંચોઃ CMOમાંથી બોલું છું : ગુજરાતમાં PMO અને CMOમાંથી બોલનારા ઠગ વધ્યા, આજે ચોથો પકડાયો
બીજીતરફ સ્વ. અહમદ પટેલની સ્મરણાંજલિ સભામાં પહોંચેલા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ રાજકીય વાત કરવાથી દૂર રહ્યા હતા. આ પ્રસંગે શકિતસિંહ ગોહિલે રાજકીય વાતથી દુર રહી અહેમદભાઈ પટેલના યોગદાનને બિરદાવી તેઓના લોકહિત પ્રત્યે તેઓની પ્રતિબદ્ધતાને પણ યાદ કરી હતી. તો સ્વ. અહમદભાઈ પટેલની સ્મરણાંજલિ સભામાં પૂર્વ કેન્દ્રીય મંત્રી તુષાર ચૌધરી, ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા, ગ્યાસુદ્દીન શેખ સહિત અનેક કોંગ્રેસ નેતાઓ હાજર રહ્યાં હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે