રઘુવીર મકવાણા/બોટાદ :બોટાદ જિલ્લાના ગઢડા ગોપીનાથજી મંદિરની વિવાદના અંતે 10 વર્ષ બાદ સુપ્રિમના આદેશ બાદ ચૂંટણી યોજાઈ હતી. આ એક એવી ચૂંટણી છે, જેમાં કોઈ રાજકીય પક્ષ નહિ, પરંતુ સંતો લડી રહ્યા છે ટણી ! શા માટે આ ચૂંટણી મહત્વની ગણવામાં આવે છે, જોઈએ ખાસ અહેવાલમાં.....
બોટાદ જિલ્લાનું ગઢપુર ધામ કે જે હાલ ગઢડા તરીકે ઓળખાય છે. અહીં ભગવાન સ્વામીનારાયણ પોતાના જીવનકાળ દરમિયાન 28 વર્ષ રહ્યા હતા. ભગવાન સ્વામીનારાયણ કહેતા કે, હું ગઢડાનો અને ગઢડા મારું.... અહીં આવેલું છે ગોપીનાથજી મંદિર, જેના વહીવટ માટે દર પાંચ વર્ષે અહીં ચૂંટણી યોજાતી અને તેના દ્વારા વહીવટકર્તા નક્કી થતા. પરંતુ છેલ્લા 13 વર્ષથી અહીં ચૂંટણી યોજાઈ નથી. કારણ કે અહીં આચાર્ય પક્ષ અને દેવ પક્ષ સામ સામે હોઈ મતદાર યાદીમાં નામને લઈ મામલો કોર્ટ સુધી પહોંચ્યો. ત્યાર બાદ સુપ્રીમ કોર્ટના હુકમ મુજબ ગઈકાલે 5 મેના રોજ ગઢડા મંદિરની ચૂંટણી યોજાઈ હતી.
કોણ જીતશે ગઢડા સ્વામીનારાયણ મંદિરનો જંગ? આજે પરિણામ સૌની નજર
એક જ સંપ્રદાયના બે પક્ષો વચ્ચેની ખેંચતાણ શા માટે છે?
આ ચૂંટણી માત્ર આચાર્ય પક્ષ અને દેવ પક્ષની નહિ, પરંતુ હવે પ્રતિષ્ઠાનો જંગ બની ચૂકી છે. કારણ કે, સ્વામીનારાયણ સંપ્રદાયનમાં ત્રણ ટેમ્પલ બોર્ડ આવેલા છે. જુનાગઢ, વડતાલ અને ગઢડા. જેમાંથી વડતાલનું શાસન દેવ પક્ષ પાસે છે, જે નવા આચાર્ય રાકેશપ્રસાદજીને માને છે. ગઢડા અને જૂનાગઢનું શાસન આચાર્ય પક્ષ પાસે છે, જે જે-તે સમયે પદભ્રષ્ટ થયેલા અજેન્દ્રપ્રસદજીને માને છે. આ કારણે આ લડાઈ હવે માત્ર ટેમ્પલ બોર્ડની નહિ, પરંતુ આચાર્યની પણ છે, જે ધાર્મિક વિવાદ છે. પરંતુ આ ચૂંટણીમાં આ વિવાદ પણ ભાગ ભજવી રહ્યો છે.
ચૂંટણી બની ગઈ વર્ચસ્વની લડાઈ
સ્વામીનારાયણ સંપ્રદાયના મંદિરોમાં ટેમ્પલ બોર્ડ માટે અહીંયા વર્ષોથી ચૂંટણીની પરંપરા ચાલી આવી છે. જોકે ગઢડા ટેમ્પલ બોર્ડની ચૂંટણી હવે નવા આચાર્ય અને જૂના આચાર્યના વિવાદને લઈને લડી લેવાનો જંગ બની ગઈ છે. આ ટેમ્પલ બોર્ડમાં કુલ 7 સભ્યોની ચૂંટણી થતી હોય છે. જેમાં 4 સભ્યો ગૃહસ્થ, 1 સભ્ય બ્રહ્નચારી, 1 સભ્ય ત્યાગી (સંત), 1 સભ્ય પાર્ષદ. આ ચૂંટણીઓમાં ગૃહસ્થ સભ્યને જે સત્સંગીઓ પાંચ વર્ષથી સતત ધર્માદો આપતા હોય તે મત આપી શકે છે. આવા 20 હજાર કરતા વધુ મતદારો નોંધાયેલા છે. તેમજ બ્રહ્નચારી સભ્યને બ્રહ્મહચારી મત આપી શકે, પાર્ષદ સભ્યને પાર્ષદ મતદાતા મત આપી શકે અને ત્યાગી સભ્યને ત્યાગી મતદાતા મત આપી શકે છે.
સંતાનોના એડમિશન માટે ગુજરાતના વાલીઓને કરવા પડે છે આવા ગતકડા, ગજબ છે અમરેલીનો આ કિસ્સો
નિયમોને આધીન રહીને યોજાય છે ચૂંટણી
આ ચૂંટણી સંપૂર્ણ રીતે પરદર્શકતા સાથે થાય તે માટે કોર્ટના આદેશ મુજબ નિવૃત્ત જજ એસ.એમ.સોનીને મુખ્ય ચૂંટણી અધિકારી તરીકે જવાબદારી આપવામાં આવી છે. ગઈકાલે 5 મેના રોજ કુલ 5 જગ્યાએ જુદા જુદા બુથો ઉભા કરી ચૂંટણી યોજાઈ હતી. તેમજ એક જગ્યા પર ત્યાગીઓ માટેનું બૂથ ઉભું કરવામાં આવ્યું હતું. આ ચૂંટણીમાં 20 હજાર કરતા વધુ નોંધાયેલા સત્સંગી મતદાતાઓએ મતદાન કર્યું હતું. ચૂંટણી ને લઈને ચૂંટણી અધિકારી દ્વારા વિવિધ પ્રકારના આદેશો જારી કર્યા હતા. જેમાં ખાસ કરીને ચૂંટણીના સ્થળ થી 100 મીટરની ત્રિજ્યમાં ચૂંટણી પ્રચાર કરી શકાશે નહીં. આ ઉપરાંત ચૂંટણી બંદોબસ્ત માટે ડીવાયએસપી, પીઆઇ, પીએસઆઇ સહિતના 35 અધીકારીઓ અને 700 કરતા વધુ પોલીસ જવાનો સમગ્ર ગઢડા ગામમાં ચાંપતો બંદોબસ્ત રાખશે, આ ઉપરાંત, ચૂંટણી સમયે વીડિયોગ્રાફી કરવામાં આવશે, ચૂંટણી બુથ પર મોબાઈલના ઉપયોગ પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે, તેમજ ચૂંટણી પ્રચારના માધ્યમો, પોસ્ટરો, બેનરો વગેરે દ્વારા નિયમાનુસાર ચૂંટણી પ્રચાર-પ્રસાર થાય તેનું સતત મોનીટરીંગ કરવામાં આવશે. ચૂંટણી માં મતદાન બેલેટ પેપરથી થયું હતું, જેનું આજે પરિણામ આવવાનું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે