અમદાવાદ :હાલ ગુજરાતનો ખેડૂત ચારેતરફથી ભીંસમાં છે. એક સંધાય ત્યાં તેર તૂટે જેવી પરિસ્થિતિનો સામનો કરી રહ્યાં છે. માંડ મુસીબતોમાંથી બહાર આવે ત્યાં બીજી મુસીબત તૈયાર જ હોય છે. કમોસમી વરસાદ, બિયારણ, માવઠું, ઓછા ભાવ વગેરે સમસ્યાથી પીડાઈ રહેલ ખેડૂત માટે જાએ તો જાએ કહા જેવી હાલત ઉભી થઈ છે. ત્યારે ગુજરાતમાં હાલ કમોસમી વરસાદ વરસી રહ્યો છે. જેની સૌથી મોટી અસર ખેડૂતોને જ થઈ છે. ત્યારે તમારી થાળી સુધી ભોજન પહોંચાડતા ગુજરાતના ખેડૂતોને લગતા અત્યાર સુધીના મહત્વના અપડેટ જાણી લેવા જોઈએ.
1.
ગતરાત્રે રાજ્યના અન્ય જિલ્લાઓની જેમ પોરબંદરમાં પણ માવઠું પડ્યુ હતું. ગત મોડી રાત્રિના પડેલ વરસાદના કારણે ખેડૂતોએ વાવેલ શિયાળુ પાકને તો નુકસાન પહોચાડ્યું છે, સાથે જ માર્કેટિંગ યાર્ડમાં રહેલ મગફળીને પણ નુકસાન પહોંચ્યુ છે. પોરબંદર માર્કેટિંગ યાર્ડ ખાતે ટેકના ભાવે ખરીદાયેલ મગફળી તો શેડમાં રાખવામાં આવી હોવાથી તેને કોઈ નુકસાન નથી પહોંચ્યું, પરંતુ ખાનગી વેપારીઓ દ્વારા ખરીદાયેલ 2500થી વધુ મગફળીની ગુણી, જે ખુલ્લામાં પડી હતી તે આ વરસાદમાં પલળતા વેપારીઓને નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે.
મોડાસા : 200 વિઘામાં વાવેલા બટાકા જમીનમાં જ કહોવાઈ ગયા, ખેડૂતો કફોડી હાલતમાં મુકાયા
2.
કમોસમી વરસાદનો કહેર વેરાવળ માર્કેટિંગ યાર્ડમાં જોવા મળ્યો. અચાનક આવેલા વરસાદથી હજારો ગુણી મગફળી પલળી ગઈ છે. ખેડૂતો, વેપારીઓ તેમજ સરકારી ટેકાના ભાવે ખરીદ કરાયેલી મગફળી પલળી ગઈ છે. સરકારી ખરીદીની અંદાજે 1500 જેટલી મગફળીની ગુણો પલળી ગઈ છે. વેરાવળ માર્કેટિંગ યાર્ડમાં સરકારી ખરીદીમાં તંત્રની બેદરકારીના કારણે આ નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. યાર્ડના ખુલ્લા મેદાનમાં તલપત્રી સહિતની વ્યવસ્થા હોવા છતાં આડેધડ મગફળીની ગુણો રાખવામાં આવી હતી. વરસાદ બાદ મગફળીની બોરીઓ પર તલપત્રી ઢાંકવા કવાયત હાથ ધરાઈ હતી.
3.
પાટણ જિલ્લામાં એકબાજુ ચોમાસામાં ભારે વરસાદ બાદ કમોસમી માવઠાને કારણે જિલ્લાના 80 ટકા જેટલા પાકમાં નુકસાન વેઠવાની વારો આવ્યો છે. ગત રોજ બપોર બાદ જિલ્લામાં એકાએક વાતાવરણમાં પલ્ટો આવ્યો છે. જેમાં હારીજ તાલુકાના વાઘેલા ગામે ખેતરોમાં વાવેલ ઘઉં, જીરું, ચણા સહિતનો પાક બગડી ગયો છે. આ વિસ્તારમાં મુખ્યત્વે જીરું, કપાસ તેમજ રાયડાનો પાક થાય છે. આ જિલ્લામાં રવિ પાકની વાવણી પર નજર કરીએ તો, જિલ્લામાં કુલ 1 લાખ 45 હજાર હેકટરમાં વાવણી થઈ હતી. કમોસમી વરસાદના કારણે ત્રીજી વાર જે પાકની વાવણી કરી છે, તેમાં પણ ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે.
Success Story : એક કાંકરે બે પક્ષી મારવાની ટ્રીક અપનાવીને ગુજરાતના આ ખેડૂત બની ગયા માલામાલ
4.
હાલ વરસેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોને નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે. ત્યારે કોંગ્રેસના વાવના ધારાસભ્ય ગેનીબહેન ઠાકોર અને બહુચરાજીના ધારાસભ્ય ભરતજી ઠાકોરે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. બંનેએ પોતાના વિસ્તારમાં ખેડૂતોને થયેલ નુકસાનનું વળતર આપવાની માંગણી કરી છે.
5.
કચ્છમાં ગઈકાલે પડેલ કમોસમી વરસાદથી બાગાયત પાકને મોટું નુકસાન થયું છે. માંડવીમાં માવઠાથી દાડમના પાકને નુકસાન થયું છે. વરસાદને કારણે દાડમના ફૂલો ખરી પડ્યા છે. ત્યારે વહેલી તકે સરવે થાય તેવી માંડવીના ખેડૂતો સરકાર પાસેથી માંગ કરી રહ્યાં છે.
Video : હાથમાં દારૂની બોટલ પકડીને આ ભાજપા નેતાએ ઉડાવી પીએમ મોદીની મજાક
6.
ગઈ કાલે જેતપુર ગોંડલ વિસ્તારના ગામડામાં કમોસમી વરસાદ વરસ્યો હતો, જેના પગલે આ વિસ્તારના ગામના ખેડૂતોની હાલત કફોડી થઈ હતી. કમોસમી વરસાદ પડતાં એરંડાના ઉભા છોડ ઢળી પડ્યા હતા, અને તૈયાર પાક પૂરેપૂરો નિષ્ફળ જવાની નોબત આવી પડી છે. આ આફત પર ખેડૂતોની વહારે સરકાર આવે અને ખેડૂતોને પાયમાલીમાંથી બચાવે તેવું તેઓ ઈચ્છી રહ્યાં છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે