Gujarat Rains: સારો વરસાદ આવે ત્યારે સૌથી વધુ આનંદીત અન્નદાતા થતો હોય છે. પરંતુ આ જ વરસાદ જ્યારે વધુ પડતો આવે તો મુશ્કેલીમાં પણ અન્નદાતા જ મુકાતો હોય છે. મોરબી જિલ્લામાં અતિભારે વરસાદે ખેડૂતોની હાલત કફોડી કરી નાંખી છે જુઓ અન્નદાતા પર આફતના વરસાદનો આ અહેવાલ..
મોરબી જિલ્લાના માળીયા મીયાણા તાલુકાનો ગ્રામ્ય વિસ્તારમાં અન્નદાતાના ખેતરો પાણીથી ભરાયેલા છે.અહીં મેઘરાજા એવા ગાંડાતૂર થયા કે ખેતરોને બેટ બનાવી દીધા અને ધરતીપુત્રોની ઉપજને સાવ પાણી પાણી કરી નાંખી.
માળીયા મીયાણા તાલુકાના સરવડ ગામ અને તેની આસપાસના નાના ગામડાઓમાં વરસાદે વિનાશ વેર્યો છે. આખુ વર્ષ મહેનત કરીને જે પાક વાવ્યો હતો તે બધો જ નિષ્ફળ જાય તેવી ભીતિ સેવાઈ રહી છે. સરવડ ગામમાં કપાસ, મગફળી સહિતના અનેક પાકમાં મોટી નુકસાની વેઠવાનો વારો આવ્યો. 40થી 50 ટકા તૈયાર થઈ ગયેલો પાક હવે ફેલ જાય તો નવાઈ નહીં કારણ કે સતત પડી રહેલા વરસાદથી ખેતરોમાં જળબંબાકારની સ્થિતિ છે. આ પાણીનો નિકાલ થઈ શકે તેમ નથી તેથી તૈયાર પાક કોહવાઈ જશે તેવું ખેડૂતો માની રહ્યા છે.
તનતોડ મહેનત કરીને વાવણી કરી હોય. પાક અડધો તૈયાર પણ થઈ ગયો હોય પરંતુ બરાબર ત્યારે જ કુદરત કોપાયમાન થાય અને મોઢામાં આવેલો કોળિયો છીનવી લે ત્યારે એ વેદના કલ્પી શકાય તેવી હોતી નથી. મોરબીના ખેડૂતો હવે સરકાર કોઈ સહાય કરે તે આશમાં બેઠા છે. સરકાર સમયસર સર્વે કરાવે અને વળતર ચુકવે તેવી ખેડૂતો આશા સેવી રહ્યા છે પરંતુ તેમની આશા ક્યારે પરિપૂર્ણ થાય છે તે જોવું રહ્યું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે