નરેશ ભાલીય/જેતપુર :રાજકોટ જિલ્લાના જેતપુરના જેતલસર ગામમાં બે દિવસ પહેલા થયેલ 16 વર્ષની સગીરા હત્યા કરવામા આવી હતી. આ ચકચારી હત્યાના પડઘા ગાંધીનગર સુધી પડ્યા છે. ગુજરાત કેબિનેટ મિનિસ્ટર જયેશ રાદડિયાએ જેતલસર ગામમાં જઈને મૃતક તરૂણી પરિવારની મુલાકાત લીધી હતી. તેમણે તરૂણીને શ્રદ્ધાંજલિ આપી હતી અને તેના પરિવારને સાંત્વના આપી હતી, સાથે આ હત્યાને સખત શબ્દોમાં વખોડી કાઢી હતી અને હત્યારાને સખતમાં સખત સજા થાય તે માટે સરકારમાં રજુઆત કરી હતી.
પરિવારની મુલાકાતે આવેલા જયેશ રાદડિયાએ કહ્યું હતું કે, આ કેસને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવામાં આવે તેવી સરકાર પાસેથી મંજૂરી લીધી છે. આ કેસ હવે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચાલશે તેવું જણાવ્યું હતું. સાથે સાથે સગીરા હજી 16 વર્ષની જ હોઈ કેસમાં પોસ્કો સહિતની કલમો પણ ઉમેરવામાં આવી છે. આ કેસ પર રાજ્ય સરકાર સીધી નજર રાખશે અને તેના માટે દર અઠવાડિયે ગાંધીનગરમાં એક ખાસ કમિટી દ્વારા આ કેસનું નિરીક્ષણ કરવામાં આવશે. સચિવ કક્ષાથી કેસનું નિરીક્ષણ કરાશે. આગામી સમયમાં કાયદો અને વ્યવસ્થા વધુ મજબૂત બને તેવા પગલાં લેવામાં આવશે. મારી દીકરી હોય એમ કેસ હેન્ડલ કરી રહ્યાં છીએ, કોઈ કચાશ છોડવમા નહીં આવે.
હત્યાના એક દિવસ બાદ ઝડપાયો જયેશ
રાજકોટના જેતપુરના જેતલસર ગામમાં બે દિવસ પહેલા થયેલી સગીરાની સરાજાહેર હત્યાનો ઉકેલાયો છે. પોલીસે એકતરફી પ્રેમમાં પાગલ સાયકો કિલરની ધરપકડ કરી છે. કડિયા કામ કરતા આ જયેશ સરવૈયાએ જેતલસરની સગીરાને એક સાથે 28 જેટલા ઘા મારી રહેંસી નાખી હતી અને આ ઘટના બાદ પોતે ફરાર થઈ હતો. અંતે પોલીસે ગણતરીના સમયમાં જ તેને દબોચી લઈ 24 માર્ચ સુધીના રિમાન્ડ પણ મેળવ્યા છે.
સગીરાના એકતરફી પ્રેમમાં હતો જયેશ
સગીરાની મમ્મી અને જયેશ દૂરની ઓળખાણમાં હતા અને આ જ ઓળખાણના કારણે જયેશ સગીરાના ઘરે આવતો રહેતો હતો. અને આમાને આમાં સગીરાના એક તરફી પ્રેમમાં પડ્યો હતો તે એવો પાગલ થયો કે સગીરાનો સ્કૂલ સુધી પીછો પણ કરતો અને રસ્તા વચ્ચે રોકી પરેશાન કરતો હતો. જે અંગે સગીરાએ તેના પિતાને વાત કરી અને તેના પિતાએ જયેશ સરવૈયાના પિતાને વાત કરી હતી. આ ઘટના પછી જયેશ સરવૈયાને તેના પિતાએ ઘરમાંથી કાઢી મૂક્યો હતો અને તે પોતાના મામાના ઘરે જેતલસર ગામમાં રહેતો અને ત્યાં જ કડિયાકામ કરતો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે