Kanti Amrutiya Viral Photo: રાજીનામાની ચેંલેંજ આપનારા ધારાસભ્યોની ગપશપે હાલ રાજકારણમાં એક નવો વિવાદ ચગાવ્યો છે. મોરબીમાં લાફાકાંડ બાદ ઈટાલિયા અને અમૃતિયાની મુલાકાતની તસવીરો સામે આવી છે. લાફાકાંડને ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ વખોડ્યો હતો. સીએમ ઓફિસની બહાર જ ઈટાલિયા અને અમૃતિયા મળ્યા હતા.
મોરબીમાં ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા અને વિસાવદરનાં ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ થોડા દિવસ પહેલા રાજીનામા આપીને ફરી ચૂંટણી લડવા માટે એકબીજાને પડકાર ફેંક્યો હતો, જેનાં કારણે ગુજરાતની રાજનીતિમાં ગરમાવો આવી ગયો હતો. જો કે, હવે બંને નેતાઓની મુલાકાતની તસવીરોએ ફરી એકવાર ભારે ચર્ચા જગાવી છે.
બંને નેતા વચ્ચે મુલાકાતની તસવીરો કરી પોસ્ટ
બંને નેતાઓની મુલાકાતની તસવીરો સામે આવતા રાજકીય વર્તુળોમાં ફરી એકવાર ચર્ચાઓ વેગવંતી થઈ છે. તમને જણાવી દઈએ કે, MLA કાંતિલાલ અમૃતિયાએ તેમના ફેસબુક એકાઉન્ટ પર AAP નેતા ગોપાલ ઇટાલિયા સાથે મુલાકાતની કેટલીક તસવીરો પોસ્ટ કરી છે. આ ફોટામાં બંને નેતાઓ એકબીજા સાથે વાત કરતા અને હસી-મજાક કરતા નજરે પડે છે.
કાંતિલાલ અમૃતિયાએ કરી ફેસબુક પોસ્ટ
આ પોસ્ટ સાથે કાંતિલાલ અમૃતિયાએ લખ્યું કે, 'આજરોજ મુખ્યમંત્રીશ્રીની ઓફિસથી બહાર નીકળતા સમયે શ્રી ગોપાલભાઈ ઇટાલીયાની સાથે મુલાકાત કરી, સોશિયલ મીડિયા મારફતે મોરબીમાં ગઈકાલે આપના કાર્યકર્તાઓ દ્વારા નાગરિક પર કરેલ હુમલાની નિંદા કરી. મારા 30 વર્ષનાં જાહેર જીવન દરમિયાન, દરેક નાગરિકનાં પ્રશ્નને સહાનુભૂતિપૂર્વક સાંભળી, યોગ્ય તેમ જ સકારાત્મક અભિગમ દ્વારા જવાબ આપવાનો પ્રયત્ન કર્યો છે અને જનપ્રતિનિધિ સૌની ફરજમાં આવે છે. આ મુલાકાત દરમિયાન, આપનાં કાર્યકર્તાઓ દ્વારા મોરબીને બદનામ કરવાની કોશિશ કરવામાં આવે છે, તેને બંધ કરવા વિનંતી કરી... તેમ જ પ્રજા આવનાર દિવસોમાં આમ આદમી પાર્ટીને જરૂરથી જવાબ આપશે એવી ખાતરી આપી.'
આ પોસ્ટ પર કોમેન્ટની ભરમાર જોવા મળી
ગોપાલ ઇટાલિયા અને કાંતિલાલ અમૃતિયાની આ પોસ્ટ હાલ ખુબ વાયરલ થઈ છે. આ તસવીરો પર લોકો અલગ-અલગ પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. કેટલાક યુઝર્સે બંને નેતાઓની મુલાકાતને સારી ગણાવી તો કેટલાકે કટાક્ષ કરી બંને નેતાઓની નિંદા કરી છે. કાંતિભાઈની પોસ્ટ પર થોડાક જ સમયમાં કોમેન્ટોનું ઘોડાપુર આવ્યું હતું. ગણતરીનાં સમયમાં જ આ પોસ્ટ પર કોમેન્ટની ભરમાર જોવા મળી છે.
પ્રજા આમ આદમી પાર્ટીને જવાબ આપશે: અમૃતિયા
મોરબીના ધારાસભ્ય અમૃતિયાએ આપ પર આરોપ લગાવતા જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટી લાફાકાંડ પર મોરબીને બદનામ કરવાની કોશિશ કરે છે. તેમણે તો પ્રજાના પ્રશ્નોને સહાનુભુતિ પૂર્વક સાંભળવાની સલાહ આપી હતી. પ્રજા આમ આદમી પાર્ટીને જવાબ આપશે.
ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા બન્ને નેતાઓનો વિવાદ મીડિયામાં પણ ખૂબ જ ચગ્યો હતો. અમૃતિયા તો કારનાં મસમોટા કાફલા સાથે ગાંધીનગર પણ પહોંચી ગયા હતા. થોડા સમય સુધી ગોપાલ ઇટાલિયાની રાહ જોયા બાદ તેઓ પરત ફર્યા હતા. આ સમગ્ર ઘટનાક્રમે ભારે રાજકીય ડ્રામા સર્જ્યો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે