જય પટેલ/વલસાડ :વલસાડની કપરાડા બેઠકની પેટાચૂંટણી માટે (byelection) કોંગ્રેસે બાબુ વરઠાને ઉમેદવાર તરીકે જાહેર કર્યાં હતા. ત્યારે આજે કપરાડા (kaprada) વિધાનસભા બેઠક માટે બાબુ વરઠાએ ફોર્મ ભર્યું હતું. પરંતુ તે પહેલા મોટો લોચો વાગ્યો હતો. છેલ્લી ઘડીએ બાબુ વરઠા (babu vartha) ની દોડાદોડી થઈ હતી અને તેને મામલતદાર કચેરીને બદલે બેંકની લાઈનમાં ઉભા રહેવુ પડ્યુ હતુ.
વલસાડ જિલ્લાની કપરાડા બેઠકની પેટાચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર બાબુભાઈ વરઠા ફોર્મ ભરવા પહોંચ્યા હતા. આ માટે તેઓ કપરાડા મામલતદાર કચેરી પર ફોર્મ ભરવા પહોંચ્યા હતા. પરંતુ બાબુ વરઠા અને તેમના સમર્થકોની છેલ્લી ઘડીએ દોડાદોડી થઈ હતી. બાબુ વરઠા ઉમેદવારના ખર્ચના હિસાબ માટે જરૂરી નવું બેંક ખાતુ ખોલાવવાનું જ ભૂલી ગયા હતા.
ફોર્મ ભરવા ઓફિસમાં પહોચ્યા બાદ આ વાત યાદ આવી હીત. તેથી પેટાચૂંટણીનું ફોર્મ ભરવાને બદલે તેઓને બેંકમાં નવું ખાતું ખોલાવવા જવુ પડ્યુ હતુ. આમ, બાબુ વરઠા અને સમર્થકોને દોડાદોડ કરવી પડી હતી. ઈમરજન્સીમાં કપરાડા બેંકમાં ખાતું ખોલાવવાને કારણે ફોર્મ ભરવા તેઓને રાહ જોવી પડી હતી. આમ, એક કલાકથી વધુ સમય સુધી રાહ જોવી પડી હતી.બેંકનું ખાતુ ખોલાવ્યા બાદ આખરે વલસાડ જિલ્લાની કપરાડા વિધાનસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવારે ફોર્મ ભર્યું હતુ. ફોર્મ ભરવાની સાથે તેઓએ કપરાડા વિધાનસભા બેઠક કોંગ્રેસ જંગી લીડથી જીતશે તેવો દાવો કર્યો હતો.
ફોર્મ ભરતા પહેલા નિયમોના પણ ધજાગરા ઉડાડ્યા
વલસાડ જિલ્લાના કપરાડા વિધાનસભા બેઠક પર આજે કોંગ્રેસના ઉમેદવાર બાબુભાઈ વરઠાએ ફોર્મ ભરતા પહેલા કપરાડામાં શક્તિપ્રદર્શન કર્યું હતું. કોંગ્રેસની ફોર્મ ભરતા પહેલાં યોજાયેલી સભામાં નિયમોના ધજાગરા ઉડ્યા હતા. કોંગ્રેસની સભામાં મોટી સંખ્યામાં લોકોની ભીડ એકઠી થઈ હતી. જોકે સભામાં અનેક કાર્યકર્તાઓ માસ્ક વિનાના જોવા મળ્યા હતા. આમ સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડાવવામાં આવ્યા હતા. સભામાં નેતાઓ સાથે કાર્યકર્તા પણ જાણે કોરોનાને આમંત્રણ આપતા હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે