Kutch Model Village રાજેન્દ્ર ઠક્કર/કચ્છ : લગાન ફિલ્મના કારણે જાણ્યું જતું ભુજ તાલુકાનું કુનરીયા ગામ હવે પોતાની પર્યાવરણીય પ્રવૃતિઓ, મહિલાઓની સુશાસનમાં ભાગીદારી અને સરકારી યોજનાઓના અમલીકરણ માટે જાણીતું થયું છે અને અહીંના મહિલા સરપંચ રશ્મિબેન છાંગા કે જેઓએ છેલ્લા 3 વર્ષમાં તેમના ગામને વિકાસની રાહે આજે એક મોડર્ન વિલેજ બનાવ્યું છે.
મહિલા સરપંચે ગામને મહિલાઓની ભાગીદારી સાથે બનાવ્યું મોડર્ન વિલેજ
સામાન્ય રીતે એવું જોવા મળતું હોય છે કે જે ગ્રામ પંચાયતમાં મહિલા સરપંચ તરીકે હોય છે ત્યાં તેમના પતિ તમામ વહીવટ અને પંચાયતના કાર્યો સંભાળતા હોય છે પરંતુ ભુજના કુનરીયા ગામના મહિલા સરપંચ રશ્મિબેન છાંગાએ મહિલાઓની ભાગીદારી અને મહિલાઓના સશક્તિકરણને ધ્યાનમાં રાખીને ગામનો વિકાસ કર્યો છે. તો કુનરીયા જૂથ ગ્રામ પંચાયતમાં મહિલાઓની સક્રિય ભાગીદારી પણ વધી છે અને મહિલાઓને રોજગારી પણ મળતી થઈ છે.
ગ્રામસભામાં આમ જોવા જઈએ તો પુરુષોની ભાગીદારી વધારે હોય છે પરંતુ કુનરીયા ગામમાં પુરુષો કરતા મહિલાઓની ભાગીદારીનું પ્રમાણ વધારે છે. ગામના શાસનમાં મહિલાઓની ભાગીદારી આવે એના માટે ગામની મહિલાઓને તાલીમ પણ આપવામાં આવી છે. મનરેગા યોજના અંતર્ગત ગામમાં 70 ટકા મહિલાઓને પાંચ કરોડની કિંમતના કામો અપાવવામાં આવ્યા છે. જે સીધા જ મહિલાઓના ખાતાઓમાં જમા કરવામાં આવ્યા છે. જેથી મહિલાઓ પણ રોજગાર મેળવતી થઈ છે અને તેમની ખરીદશક્તિમાં પણ વધારો થયો છે.
ભાવનગરની મેડિકલ કોલેજમાં રેગિંગ, જુનિયર્સનું અપહરણ કરીને સિનિયર્સે માર માર્યો
કુનરીયા ગામમાં મહિલાઓને પગભર કરવા માટે એક તો મનરેગા યોજના હેઠળ મહિલાઓ રોજગારી મેળવી રહી છે. તો બપોર બાદ ગામમાં મીણબત્તી બનાવવાના તેમજ સીવણના ક્લાસ પણ ચલાવવામાં આવી રહ્યા છે. તો ગામમાં સખી મંડળોની રચના કરવામાં આવી છે. જેથી મહિલાઓને રોજગાર મળી શકે તો તહેવારો દરમિયાન વિવિધ વસ્તુઓના સ્ટોલ પણ મહિલાઓ દ્વારા ઊભા કરવામાં આવતા હોય છે અને રોજગારી મેળવવામાં આવતી હોય છે.
કચ્છના કુનરીયા ગામના મહિલા સરપંચના માર્ગદર્શન હેઠળ ભારતી ગરવા કે જેમને નમો ડ્રોન દીદી યોજનામાં ડ્રોન ઉડાડી મહિલા ગૌરવનું સ્થાન મેળવ્યું હતું અને આ સાથે જ તેઓ કચ્છ જિલ્લાના પ્રથમ મહિલા ડ્રોન પાયલોટ બન્યા હતા. તો દેશની સર્વપ્રથમ બાલિકા પંચાયતની રચના પણ આ ગામમાં થઈ હતી. મહિલા સશક્તિકરણને પ્રાધાન્ય આપતાં બાલિકા પંચાયત રચવાનું આયોજન આ ગામ દ્વારા કરવામાં આવ્યું હતું. આ બાલિકા પંચાયત 10 વર્ષથી 21 વર્ષ સુધીની બાલિકા દ્વારા સંચાલિત છે. જેમાં 10 વર્ષથી 21 વર્ષની 209 જેટલી કિશોરીઓએ બાલિકા પંચાયતના સરપંચને ચૂંટવા મતદાન કરી મહિલા સશક્તિકરણનો પરચો પૂરો પાડ્યો હતો.
સર્વપ્રથમ વખત કુનરીયા ગ્રામ પંચાયત અને બેટી બચાવો બેટી પઢાઓ સેલના સંયુક્ત પ્રયાસો દ્વારા કિશોરીઓના પ્રશ્નોને વાચા આપવા પાલિકા પંચાયતની સ્થાપના કરવામાં આવી હતી. આ બાલિકાપંચાયતનો ઉદ્દેશ્ય એ રહ્યો છે કે કિશોરીઓ સક્રિય રાજકારણમાં રસ લઈ લોકશાહી પદ્ધતિથી ચૂંટણીમાં ભાગ લઇ અને બહેનો નો અવાજ બને.
વાવાઝોડાની મોટી અસર, હોળી પહેલા વરસાદનો વધુ એક રાઉન્ડ આવશે, આ જિલ્લાઓને આગાહી
રશ્મિબેન છાંગાના મહિલા સરપંચ બન્યા બાદ ગામની મહિલાઓ અગાઉની સરખામણીએ વધુ બહાર નીકળતી થઈ છે અને મહિલાઓને કોઈ પણ કામ હોય તો અન્ય મહિલાને ખુલીને વાત કરી શકે છે. પરિવારથી લઈને પંચાયત સુધી મહિલાઓની ભાગીદારી કંઈ રીતે વધી શકે તેના માટે મહિલા સરપંચ સતત પ્રયત્નશીલ રહે છે. મહિલાઓ પણ પુરુષો સમાન યોગદાન આપી શકે છે.
કુનરીયા ગામના મહિલા સરપંચની આગેવાનીમાં ગામની શાળાના બાળકો દ્વારા અનોખી પહેલ કરવામાં આવી હતી અને બાળકોએ દેશના વડાપ્રધાનને પત્ર લખી 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે મોબાઇલના ઉપયોગ પર પ્રતિબંધની માંગ કરી હતી.પોતાના માધ્યમથી વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે મોડર્ન ટેકનોલોજીના પ્રભાવ સાથે સ્ક્રીન ટાઈમમાં વધારાથી શૈક્ષણિક, શારીરિક અને માનસિક વિકાસ પર માઠી અસર થઈ રહી છે.
ગામ પહેલેથી જ નવીન પહેલો માટે હંમેશા અગ્રેસર રહ્યું છે તો અન્ય ગામો માટે પણ પ્રેરણારૂપ બનતું રહ્યું છે. હાલમા જ આ ગામ સહભાગી ગ્રામીણ મૂલ્યાંકન (PRA) દ્વારા વિસ્તૃત અને ટકાઉ વિકાસની નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે.આ પ્રક્રિયા સમાજના દરેક વર્ગને સાથે લઈને, ગામના ભવિષ્ય માટે એક મજબૂત અને સમાવેશી ધોરણ સ્થાપિત કરે છે અને અન્ય ગામો માટે પ્રેરણારૂપ બને છે. PRA એક એવી પ્રક્રિયા છે જે ગ્રામીણ વિસ્તારોમાં સ્થાનિક જ્ઞાન, સંસાધન અને સમુદાયની શક્તિઓને શ્રેષ્ઠ રીતે ઉપયોગમાં લે છે.
કુનરિયા ગામમાં અંદાજિત 3500 જેટલી લોકો રહે છે. આ ગામ અન્ય ગામો માટે પ્રેરણારૂપ બની રહ્યું છે. તો ગામના 358 ઘરોમાંથી 150 ઘરોમાં લખપતિ દીદી છે, કે જેમની આવક વાર્ષિક 1 લાખથી વધુ છે. હાલમાં જ ગામ પાસેના રક્ષકવનમાં સોવેનિયર શોપ અને કેન્ટીનના સંચાલન થકી 22 મહિલાઓને રોજગારી આપવામાં આવી છે જેમાં ગામના મહિલા સરપંચનો યોગદાન રહેલો છે.
કુનરીયા જૂથ ગ્રામ પંચાયત દ્વારા છેલ્લા 6 વર્ષથી અત્યાર સુધીમાં 1,80,000 જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. જેમાંથી 1,60,000 જેટલા વૃક્ષો હજુ સુધી જીવિત છે. કુનરીયા ગ્રામ પંચાયત દ્વારા ઇકો સિસ્ટમ રિસ્ટોરેશન અંતર્ગત દર વર્ષે વૃક્ષોનું વાવેતર કરવામાં આવી રહ્યું છે. વૃક્ષોના કારણે પર્યાવરણમાં નોંધપાત્ર ફેરફાર પણ ગામમાં જોવા મળી રહ્યા છે અને વરસાદનું આગમન પણ થયું છે.
હોળી પહેલા મોટા સમાચાર, વતન જનારા મુસાફરો માટે સરકાર દોડાવશે 7100 એસટી બસ
કુનરિયા ગામમાં મહિલાઓની ભાગીદારી પંચાયત અને શાસન વ્યવસ્થામાં આવે તે માટે પણ પંચાયત દ્વારા કામ કરવામાં આવ્યું છે તો બાળકોના શિક્ષણ માટે પણ ખાસ કરીને કાર્ય કરવામાં આવ્યું છે આંગણવાડી, કોમ્યુનિટી હોલના બાંધકામ, કબ્રસ્તાન, સ્મશાનની વ્યવસ્થા માટે પણ પંચાયતે અંગત રસ દાખવીને કાર્ય કર્યું છે.કુનરિયા જૂથ ગ્રામ પંચાયતના કાર્યોની નોંધ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે પણ લીધી છે.
મહિલા સરપંચ તરીકે તેમણે કરેલા કામો અને પંચાયતની કાર્ય પદ્ધતિ તેમજ ગામના કામો અને નિરીક્ષણ માટે અન્ય રાજ્ય તેમજ ગુજરાતના જુદા જુદા જિલ્લાઓમાંથી મહિલા પ્રતિનિધિઓ પણ આ ગામની મુલાકાતે આવે છે અને અહીંની તમામ પ્રવૃતિઓથી અવગત થાય છે.તો વર્ષ 2022માં કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાનીએ દેશમાં અલગ અલગ રાજ્યોમાં 7 સ્થળોએ મહિલા દિનની પૂર્વ સંધ્યાએ ઈ-વર્ચ્યુઅલી સંવાદ કર્યો હતો. જેમાં કુનરિયા ગામની બાલિકા પંચાયતના સભ્ય આનંદી છાંગાએ તેમની સાથે વાત કરી હતી. જે અંતર્ગત સમગ્ર દેશમાં પોતાના ગામ કુનરિયાની જેમ બાલિકા પંચાયત શરૂ કરવા સૂચન કર્યું હતું. આ પ્રસ્તાવનો પ્રતિભાવ આપતાં કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ સમગ્ર દેશમાં બાલિકા પંચાયત પ્રારંભ કરવાના પ્રસ્તાવને સ્વીકાર્યો હતો અને દેશભરમાં બાલિકા પંચાયત સ્થાપિત કરવાનો ધ્યેય છે તેવું જણાવ્યું હતું.
આ ઉપરાંત ગામમાં જે ઘરે દીકરીઓ છે તે દરેક ઘરની ઓળખાણ દીકરીના નામથી થાય તે માટે ઘરની બહાર દીકરીના નામ લખવામાં આવ્યા છે. તો મહિલાઓમાં કુપોષણનું પ્રમાણ ઘટાડવા ગામની આંગણવાડીમાં મહિલાઓને માટે પોષણ કીટ આપવામાં આવે છે તો બાલિકાઓને પણ આયર્નની ગોળીઓ લેવાના તેમજ પ્રોટીનયુક્ત આહાર લેવાના ફાયદાઓ જણાવવામાં આવે છે અને તેમનું મોનીટરીંગ પણ કરવામાં આવે છે જેથી કુપોષણનું પ્રમાણ ઘટ્યું છે.
મોટાભાગની નદીઓ સમુદ્રને મળે છે, છતાં દરિયો ક્યારેય કેમ છલકતો નથી? આ રહ્યો જવાબ
ગામની ગ્રામસભામાં મહિલાઓ ખૂબ ઉત્સાહથી ભાગ લે છે અને ગામની પ્રવૃતિઓમાં મહિલાઓ પોતાનું તમામ રીતે યોગદાન આપી રહી છે. જેના માટે ગામના મહિલા સરપંચ તરીકે રશ્મિબેન છાંગાને નાનાજી દેશમુખ રાષ્ટ્રીય ગૌરવ ગ્રામસભા એવોર્ડ મળ્યો છે. ગ્રામસભા એ એક લોકશાહીને પ્રોત્સાહન પુરૂં પાડવા માટેનું ખૂબ જ અગત્યનું પાસું છે અને કોઇપણ ગ્રામ પંચાયતોના પારદર્શક વહીવટ અને વિકાસકાર્યોમાં સ્થાનિકોની અને ખાસ કરીને મહિલાઓની સહભાગીતા લાવવા માટેની અનિવાર્ય પ્રક્રિયા છે, તેવું મહિલા સરપંચ રશ્મિબેન છાંગા માને છે.
ગામ કાર્બન ન્યુટ્રલ ગામ બનવા તરફ આગળ વધી રહ્યું છે, જે અંતર્ગત તેમના સરપંચ બન્યા બાદ 40,000થી પણ વધારે વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. તો ગામના 50 જેટલા ખેડૂતોને ગોબર ગેસ પ્લાન્ટની વ્યવસ્થા કરવામાં આવી છે અને તેનો ઉપયોગ કરીને આગળ વધી રહ્યા છે. તો ગામના 50 જેટલા ખેડૂતોને compost kit વિતરણ કરવામાં આવી છે અને તેઓ અળસીયા મારફતે ખાતર મેળવીને ખેતી કરી રહ્યા છે. ગામમાં 610 પરિવારને સુકો અને ભીનો એમ બંને કચરો એકત્રિત કરવા માટે કચરાપેટીઓ પણ આપવામાં આવી છે. જેમાં એકત્રિત થતાં કચરામાંથી ખાતર અને કંતાન બનાવવામાં આવી રહ્યું છે.
ગામના 500 પરિવારને આધુનિક ટેકનોલોજી વાળા ચૂલા આપવામાં આવ્યા છે જેથી કરીને ઓછા લાકડાનું બારણ થાય અને કાર્બન ઉત્સર્જન ઓછું થાય. આ ઉપરાંત કાર્બન ઉત્સર્જન રોકવા માટે વૃક્ષોનું વાવેતર તો કરવામાં આવી જ રહ્યું છે. સાથે જ કચ્છ જિલ્લાની કોઈ શાળામાં નહિ હોય તેવું સ્માર્ટ ક્લાસ રૂમ કુનરિયાની શાળામાં છે.તો બંને શાળામાં વરસાદી પાણી જમીનમાં જ ઉતરે તે માટે બોરવેલની સુવિધા કરવામાં આવી છે.સોલારની પેનલો પણ લગાડવામાં આવી છે.
ગામમાં બાલિકા પંચાયતની રચના કરવામાં આવી છે જેમાં દર મહિને 1 વખત મહિલાઓ અને બાલિકાઓ વચ્ચે બેઠક યોજાય છે જેમાં મહિલાઓ તેમજ બાલિકાઓને થતાં પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવે છે અને તે સમસ્યાઓ કે પ્રશ્નો પર ગ્રામ પંચાયતની બેઠકમાં પણ ચર્ચા કરવામાં આવે છે અને આવા પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવે છે તેવું રશ્મીબેન છાંગાએ જણાવ્યું હતું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે