રાજેન્દ્ર ઠક્કર/કચ્છ :કચ્છના મુન્દ્રા (Mundra) માં ડ્રગ્સ મામલે આંકડો 21 હજાર કરોડ પર પહોંચી ગયો છે. ઈન્ફોર્સમેન્ટ ડિરેક્ટરોટ (ED) પણ હવે આ તપાસમાં જોડાઈ ચૂકી છે. મુન્દ્રા હેરોઈન સીઝ પ્રકરણમા ઇડીએ મની લોન્ડરિંગ મુદ્દે પણ તપાસ આરંભી છે. કચ્છ કાંઠે પકડાયેલા હેરોઇનમાં તાલિબાન આઈએસઆઈની ભૂમિકા સામે આવી છે. અફઘાનમાં તાલિબાન રાજ ચલાવવા ડ્રગ્સની દાણચોરી બેફામ બની છે. મુન્દ્રાથી જે હેરોઈનનો જથ્થો (drugs case) જપ્ત કરાયો છે, તેના માટે કંડલામાં સ્ટોરેજ પણ ટૂંકું પડ્યું છે. વધુ જથ્થો બીએસએફના સુરક્ષિત ક્ષેત્રમાં રખાયો છે.
અત્યાર સુધી મુન્દ્રા પ્રકરણમાં છની અટકાયત
કચ્છ (kutch) ના મુન્દ્રામાં કરોડોનું ડ્રગ્સ (narcotics) ઝડપાવા મામલે મોટો ખુલાસો થયો છે. મુન્દ્રા પહેલા એક જથ્થો દિલ્હી અગાઉ પહોંચ્યો હોવાની આશંકા છે. અફઘાની સપ્લાયર કંપનીએ અગાઉ 2 કન્ટેનર ભારતમાં ઘૂસાડ્યા હોવાના અહેવાલ મળ્યા છે. ગુજરાતમાં ડ્રગ્સના અત્યાર સુધીના સૌથી મોટા કેસમાં ગાંધીધામથી ફોરવર્ડરની રાતોરાત અટકાયત કરવામાં આવી છે. અત્યાર સુધીમાં ડ્રગ્સ પ્રકરણમાં 6 લોકોની અટકાયત કરાઈ છે. આ ઉપરાંત અફઘાનિસ્તાનથી આવેલા અન્ય ત્રણ કન્ટેનરોને કસ્ટમે ચેક કરતા અંદરથી છોડ રોપા પણ નીકળ્યા છે. આ રોપા કયા છે તેની માહિતી મેળવવામાં હાલ ઈડી કામમાં લાગી છે.
આ પણ વાંચો : ગુજરાત-રાજસ્થાન બોર્ડર પર લક્ઝરી બસે પલટી મારી, એક મુસાફરનુ કમકમાટીભર્યું મોત
સૌથી મોટા ડ્રગ્સ કેસમાં હજુ અનેક મોટા ખુલાસા થઈ શકે તેવી શક્યતા છે. મુન્દ્રા પોર્ટ પરથી 3 હજાર કિલો હેરોઈન કેસમાં DRI એ ટેલ્ક સ્ટોનના નામે માલ મંગાવનાર આયાતકાર પેઢીના સંચાલક દંપત્તિના ૧૦ દિવસના રીમાન્ડ મેળવ્યા છે. આરોપી મચવરમ સુધાકર અને તેની પત્ની આજે ભુજની સ્પેશિયલ NDPS કોર્ટમાં પાલારાથી વિડિયો કોન્ફરન્સ મારફતે રજૂ કરાયાં હતા. આરોપી દંપતી તમિલનાડુના ચેન્નાઈના રહેવાસી છે.
અફઘાનિસ્તાનનું હેરોઇન ભારતમાં પંજાબના રસ્તે આવે છે. આ રૂટ પર એક ખેપમાં મહત્તમ 500 કિલો જથ્થો પકડાયો છે. પરંતુ હવે આ રુટ ડાયવર્ટ થયો છે. ગુજરાતનો દરિયો ભારતમાં ડ્રગ્સ ઘૂસાડવાનો સેફ પેસેજ બન્યો છે. 6 જૂન 2021થી લઈને 19 જુલાઇ સુધી ભારતમાં અંદાજે સવાસો કરોડના મૂલ્યનું 18 કિલો હેરોઇન ઝડપાયું હતું. પરંતુ હાલ મળેલું 21 હજાર કરોડનું હેરોઈન અત્યાર સુધીનો સૌથી મોટો જથ્થો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે