ઝી મીડિયા/બ્યૂરો :સુપરસ્ટાર નરેશ કનોડિયાના નિધનથી ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝને ક્યારેય ન પૂરાય તેવી ખોટ પડી છે. તેમના નિધનના સમાચારથી અન્ય કલાકોર શોકમગ્ન થયા છે. બે દિવસના ગાળામાં ગુજરાતે રામ-લક્ષ્મણની જોડી ગુમાવી છે. નરેશ કનોડિયા (naresh kanodia) જ્યારે હોસ્પિટલના બિછાને હતા, ત્યારે કોરોનાગ્રસ્ત હતા. તેથી કોરોનાની ગાઈડલાઈન મુજબ તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે. અંતિમ સંસ્કાર કરતા સમયે પુત્ર હિતુ કનોડિયા સાવ ભાંગી પડ્યા હતા અને પિતાની વિદાયથી ચૌધાર આસુએ રડી પડ્યા હતા. યુએન મહેતા હોસ્પિટલમાંથી તેમના મૃતદેહને ગાંધીનગર સ્મશાનગૃહમાં લઈ જવાયા હતા. ત્યારે રસ્તા પર ચાહકોએ તેમના પાર્થિવ દેહ પર ફૂલોનો વરસાદ કર્યો હતો. તો ફૂલ અર્પણ કરતા ત્યાં ઉપસ્થિત તમામ લોકો ચૌધાર આસુંએ રડી પડ્યા હતા. સ્મશાન ગૃહમાં મોટી સંખ્યામાં તેમના ચાહકો ઉમટી પડ્યા હતા. તો સાથે જ ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝ તથા સંગીત જગતની અનેક મોટી હસ્તીઓ પણ ઉપસ્થિત રહી હતી.
પીએમ મોદીએ આપી શ્રદ્ધાંજલિ
ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ તેમને શ્રદ્ધાંજલિ આપી છે. તેમણે પોતાના ટ્વિટર પર લખ્યું કે, ગુજરાતી સિનેમાના દિગ્ગજ કલાકાર અને ભૂતપૂર્વ ધારાસભ્ય નરેશ કનોડિયાના અવસાનથી હું વ્યથિત છું. મનોરંજન તથા સમાજ સેવા ક્ષેત્રે તેમનુ યોગદાન હંમેશા યાદ રહેશે. શોકગ્રસ્ત પરિવાર અને તેમના વિશાળ ચાહકવર્ગને મારી સાંત્વના... ઓમ શાંતિ.
ગુજરાતી કલા જગતના વટવૃક્ષ હતા મહેશ-નરેશ
ગુજરાતી ફિલ્મોના ડિરેક્ટર અભિલાષ ઘોડાએ કનોડિયા ભાઈઓને ગુજરાતી કલા જગતના વટવૃક્ષ ગણાવ્યા હતા. તેઓએ કહ્યું કે, ગુજરાતી કલા જગત માટે મહેશ-નરેશ વટવૃક્ષ સમાન હતા. બંને ભાઈઓ રામ લક્ષ્મણની જોડી હતા. સામાજિક અને રાજકીય ક્ષેત્રે પોતાનુ સ્થાન બનાવ્યું હતું. મહેશ બાપા પથારીવશ હતા અને નરશભાઈના સમાચાર મળતા એ બોલ્યા નહિ, સવારે ઉઠ્યા નહી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે