કેતન બગડા/અમરેલી :દિવસેને દિવસે વિસાવદર બગસરા ધારી તાલુકાના 17 ખેડૂતો અને ખેત મજૂરોને માનવભક્ષી દીપડાએ ફાડી ખાધા છે. તો આજે વહેલી સવારે બગસરામાં એક ખેડૂતને દીપડા (Leopard Attack) એ ફાડી ખાડો છે. ત્યારે વિસાવદરના ખેડૂત પુત્ર કોંગ્રેસના ધારાસભ્ય હર્ષદ રીબડીયા હથિયાર લઈ ખેડૂતોના રક્ષણ માટે આગળ આવ્યા છે. હર્ષદ રીબડીયા (Harshad Ribadiya) એ વનવિભાગને 15 દિવસમાં ખેડૂતોના રેવન્યુ વિસ્તારમાંથી દીપડા ઉપાડી લેવા માટે ચીમકી ઉચ્ચારી છે. તેમણે ચીમકી આપતા કહ્યું કે, તમે કાર્યવાહી નહી કરો તો હું ખુદ દીપડાને ભડાકે દઈશ. કોઈ આડું આવ્યું એને પણ છઠ્ઠીનું ધાવણ યાદ કરાવી દઈશ...’ તેવા આક્રોશ સાથે ખેડૂતોના રક્ષણ માટે ખેડૂત પુત્ર હર્ષદ રીબડીયા મેદાને આવ્યા છે. ત્યારે તમામ સ્થાનિક ખેડૂતોએ તેઓને સાથ સહકાર આપ્યો હતો.
ખેડૂતો સાથે રજૂઆત કરવા પહોંચ્યા ધારાસભ્યો...
માથે કફન, ખંભે બંદૂક લટકાવી માનવભક્ષી દીપડાથી ખેડૂતોના રક્ષણ માટે ખેડૂત પુત્ર હર્ષદ રિબડીયા મેદાને આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, અમરેલી જિલ્લામાં દીપડાની દહેશત દિવસેને દિવસે વધી રહી છે. ગઈ કાલે દીપડાએ બગસરાના મુજીયાસર ગામે એક ખેડુત ઉપર દીપડાએ હુમલો કરતા ખેડુતનું મોત થયું હતું. આ બાબતે વિસાવદરના ધારાસભ્ય હર્ષદભાઈ રિબડીયા, લાઠીના ધારાસભ્ય વિરજીભાઈ ઠુમમર દ્વારા જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી. તેઓએ કલેક્ટરને સૂચન કર્યું હતું કે, હુમલાનો ભોગ બનનાર ખેડૂત પરિવારને યોગ્ય વળતર મળે. તેમજ દીપડાને વનવિભાગ દ્વારા જલ્દી પકડવામાં આવે તે બાબતે ધારાસભ્ય હર્ષદ રીબડીયા અને વિરજીભાઈએ કલેક્ટરને રજૂઆત કરી હતી. મોટી સંખ્યામાં ખેડૂતો સાથે તેઓ રજૂઆત કરવા કલેક્ટર કચેરી પહોંચ્યા હતા.
ગઈકાલે અમરેલીના બગસરામાં દીપડાએ એક નિર્દોષ ખેત મજુરનો ભોગ લીધો છે. બગસરાની સીમમાં મજૂરી કરતા રાજસ્થાની ખેત મજુર પર દીપડાએ હુમલો કર્યો હતો. રાત્રે 3.15 કલાકે દીપડાએ હુમલો કરતા ઇજાગ્રસ્ત ખેડૂતને સારવાર માટે હોસ્પિટલ ખસેડતાં તબીબે મૃત જાહેર કર્યા હતા. ધારાસભ્યએ પોતાની રજૂઆતમાં કહ્યું કે, જુનાગઢ, ગીર-સોમનાથ, અમરેલી અને ભાવનગર જિલ્લામાં દીપડાઓનો આતંક વધી ગયો છે. છેલ્લાં એક વર્ષમાં અહીં 66 લેપર્ડ એટેકના બનાવો બન્યા છે. જેમાં 15 લોકો મૃત્યુ પામ્યા છે. આવા સમયે લોકોને રક્ષણ આપવું જરૂરી છે. ચાર જિલ્લાઓમ દીપડા દ્વારા 66 લોકો પર હુમલો કરવામાં આવ્યો છે.તો 15 લોકોને મોતને ઘાટ ઉતાર્યા છે.
ભાવનગર : ઠસોઠસ બસમાંથી નીચે ફેંકાઈ માસુમ તુલસી, ઘડીના છઠ્ઠા ભાગમાં નિપજ્યું મોત
ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસના વિસાવદરના ધારાસભ્સ હર્ષદ રીબડીયાએ ગત મહિને મુખ્યમંત્રીને આ મામલે પત્ર લખ્યો હતો. તેઓએ માનવભક્ષી દીપડાઓથી ખેડૂતોને રક્ષણ આપવાની માંગ કરી હતી. તેમણે મુખ્યમંત્રીને કહ્યું હતું કે, છેલ્લા કેટલાક સમયમાં જુનાગવિસ્તારમાં દીપડાઓએ ૯ લોકોને મોતને ઘાટ ઉતાર્યા છે. ખેડુતોને દિવસે વિજળી આપવા માંગ કરી હતી, જેથી દિપડાથી બચી શકાય. જો દિવસે વીજળી શક્ય ન હોય તો રાત્રે ખેતરમાં પાણી વાળવા જતા ખેડૂતને પોલીસ રક્ષણ આપવાની માંગ કરી છે. તેમજ દિપડા જંગલ છોડી ખેતરમાં આવ્યા આ માટે જવાબદાર ફોરેસ્ટ અધિકારી સામે પગલાં લેવા માંગ કરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે