Viral Video : છેલ્લાં 24 કલાકમાં ગુજરાતમાં બનેલી બે અદભૂત ઘટનાના વીડિયો સામે આવ્યા છે. ગીરના જંગલમાં સિંહ સામે મળે તો આપણે રસ્તો બદલી દેવો જોઈએ, કારણ કે સિંહ એ ગીરનો રાજા છે. ત્યારે ઉનાના ગુંદાળામાં સિંહોએ એમ્બ્યુલન્સના પૈડા થંભાવી દીધા હતા. તો બીજી ઘટનામાં, સુરત રેલવેસ્ટેશન પર એક મુસાફર ટ્રેનની વચ્ચે ફસાયો હતો, ત્યારે રેલવે કર્મચારીએ આવીને તેનો જીવ બચાવ્યો હતો.
સિંહોએ થંભાવી દીધા 108 ના પૈડાં
ઉનાના ગુંદાળા ગામમા આ ઘટના બની હતી. જ્યાં વહેલી સવારના અંધારામાં 108 એમ્બ્યુલન્સ પ્રસૂતિ માટે મહિલાને લેવા જતી હતી. એમ્બ્યુલન્સ પસાર થઈ રહી હતી ત્યારે ત્રણ ડાલામથ્થાએ રસ્તો રોક્યો હતો. આ જોઈ 108 ના ડ્રાઈવર ચિંતામાં મૂકાયા હતા. દર્દથી કણસતી મહિલાને લેવા જવુ જરૂરી હતી. જોકે બાદમાં ડ્રાઈવરે એબ્યુલન્સનું સાયરન વગાડ્યુ હતું અને અને લાઈટ ચાલુ કરી હતી. જેથી સિંહો રસ્તો ખુલ્લો કરી જંગલ તરફ જતા રહ્યા હતા. ત્યાર બાદ 108 ગામમાં પ્રવેશી મહિલાને હોસ્પિટલ લઈ ગઈ હતી. આ સમગ્ર ઘટનાનો વીડિયો 108 ના EMT જગદીશ મકવાણા દ્વારા પોતાના મોબાઈલમાં કેદ કરાયો હતો.
મુસાફર માટે દેવદૂત બનીને આવ્યો રેલવે કર્મચારી
સુરતના સુરત રેલવે સ્ટેશને આ બનાવ બન્યો હતો. એક મુસાફર સુરત રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 1 પર આવેલી એક ટ્રેનમાં ચઢવા જતો હતો, ત્યારે અચાનક તેનો પગ લપસી ગયો હતો. આ બાદ મુસાફર ટ્રેન વચ્ચે ફસાયો હતો. મુસાફર ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચેની જગ્યામાં જઈ પડ્યો હતો. ત્યારે ત્યાં ફરજ પર હાજર રેલવે કર્મચારી દેવદૂત બનીને ત્યાં આવ્યા હતા. સિટી સંદીપ યાદવે મુસાફરનો જીવ બચાવ્યો હતો. આ સમગ્ર ઘટના રેલવે સ્ટેશન પર લાગેલ સીસીટીવીમાં કેદ થયો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે