નવી દિલ્હીઃ ભારતીય જનતા પાર્ટી દ્વારા મોડી રાત્રે આગામી લોકસભા ચૂંટણી 2019 માટે અમદાવાદ પૂર્વની સંસદીય બેઠકના ઉમેદવારના નામની જાહેરાત કરાઈ હતી. ભાજપ દ્વારા અમરાઈવાડીના વર્તમાન ધારાસભ્ય એવા હસમુખ પટેલને લોકસભાની ટિકિટ આપવામાં આવી છે.
કડવા પાટીદાર સમાજના એવા હસમુખ પટેલને ઉભા રાખીને ભાજપે નારાજ પાટીદાર સમાજને પોતાની તરફ ખેંચવાનો પ્રયાસ કર્યો છે. કોંગ્રેસ તરફથી આ બેઠક પર પાસના ગીતાબેન પટેલને ટિકિટ આપવામાં આવી છે.
હસમુખ પટેલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કોર્પોરેટર રહી ચૂક્યા છે. તેઓ વર્ષ 2012 અને 2017માં અમરાઈવાડી વિધાનસભા બેઠક પરથી સતત બે વખત ચૂંટાઈને ધારાસભ્ય રહી ચૂક્યા છે.
લોકસભા ચૂંટણી 2019: ગુજરાતના 4.51 કરોડ મતદારોમાં 10 લાખ પ્રથમ વખત કરશે મતદાન
આ જાહેરાત સાથે જ ભાજપના ગુજરાતની તમામ 26 લોકસભા બેઠકના ઉમેદવારના નામની જાહેરાત થઈ ગઈ છે. કોંગ્રેસ દ્વારા પણ મંગળવારે મોડી રાત્રે રાજ્યની ચાર બેઠકના ઉમેદવાર જાહેર કરાયા હતા. જેમાં ગીતાબેન પટેલનું નામ પણ સામેલ હતું.
કોંગ્રેસ દ્વારા હજુ રાજ્યની 8 લોકસભા બેઠકો સાબરકાંઠા, અમરેલી, સુરત, ભાવનગર, ખેડા, દાહોદ, ભરૂચ અને બનાસકાંઠાના ઉમેદવારની સત્તાવાર જાહેરાત બાકી છે. આ નામ આવતીકાલે સવારે જાહેર થાય તેવી સંભાવના છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે