બ્રિજેશ દોશી/ગાંધીનગર :સૌરાષ્ટ્ર-કચ્છમાં લમ્પી વાયરસનો કહેર ફેલાયો છે. ટપોટપ પશુઓ મોતને ભેટી રહ્યાં છે. કેટલાક ગામડાઓમાં તો એવી સ્થિતિ છે કે, પશુઓના લાશના ઢગલા દેખાઈ રહ્યાં છે. ત્યારે પશુઓમાં જોવા મળતા લમ્પી વાયરસને પગલે રાજ્ય સરકાર એક્શન મોડમાં આવી છે. રાજ્યમાં એક હજારથી વધુ ગામડા લમ્પી વાયરસથી અસરગ્રસ્ત થતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આવતીકાલે ઉચ્ચસ્તરીય બેઠક બોલાવી છે. જોકે, રાજ્ય સરકારે પશુઓના મોતનો લેટેસ્ટ આંકડો આપ્યો નથી. 14 જિલ્લાના 880 ગામોમાં 37 હજાર 121 પશુઓને સારવાર અપાઈ છે. અત્યાર સુધીમાં 2.68 લાખથી વધુ પશુઓને રસી અપાઈ છે.
લમ્પી વાયરસને લઈને ગુજરાત સરકારની યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી છે. મુખ્યમંત્રીએ તાત્કાલિક આવતીકાલે ઉચ્ચસ્તરીય બેઠક બોલાવી છે. જેમાં કૃષિ મંત્રી રાઘવજી પટેલ, મુખ્ય સચિવ, કૃષિ વિભાગના ઉચ્ચ અધિકારીઓ બેઠકમાં ચર્ચા કરશે. રાજ્યમાં લમ્પી વાયરસની વર્તમાન સ્થિતિને લઈને નિર્ણયો લેવાશે.
આ પણ વાંચો : અંબાજી જનારા ધ્યાન રાખે, ગબ્બર ચઢવાનો પ્લાન હોય તો ખાસ જાણી લેજો આ માહિતી
ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધી રાજ્યમાં ૨ લાખ ૯૪ હજારથી વધુ પશુઓનું રસીકરણ કરાયુ છે. રાજ્યમાં એક હજારથી વધુ ગામડામાં લમ્પી વાયરસ ફેલાયો છે. જેથી ખેડૂતો અને પશુચાલકોમાં ડર વ્યાપી ગયો છે. ગુજરાતના 40 હજારથી વધુ પશુઓ અસરગ્રસ્ત છે. તો ૪૦ હજારથી વધુ પશુઓને સારવાર અપાઈ રહી છે.
રાજકોટ-લમ્પી વાયરસને લઇને પશુપાલકોમાં ચિંતા વ્યાપી ગઈ છે. રાજકોટ જિલ્લામાં લમ્પી વાયરસથી 7 પશુઓના મોતની તંત્રએ સત્તાવાર જાહેરાત કરી છે. દડવી, રાજપરા, વાડધરી, સાલ પીપળીયા, ધોકળિયા અને કેરાળા ગામમાં પશુના મોત થયા છે. રાજકોટ જિલ્લાના 11 તાલુકામાં કુલ 66 ગામોમાં 748 પશુઓમાં લમ્પી વાયરસના લક્ષણો જોવા મળ્યા છે. રસીકરણ માટે જિલ્લા પંચાયત દ્વારા 49 લોકોની ટીમ બનાવવામાં આવી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે