ગાંધીનગરઃ ગુજરાતમાં યોજાયેલી ગ્રામ પંચાયતની ચૂંટણીના પરિણામો આજે જાહેર થયા છે. રાજ્યમાં 4564 ગ્રામ પંચાયતોની ચૂંટણીના પરિણામો જાહેર થયા છે જેમાં અનેક રસપ્રદ બાબતો સામે આવી છે. ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ઘણી જગ્યાએ પરિવારના સભ્યો આમને-સામને હતા. બીજીતરફ કેટલાક દિગ્ગજ નેતાઓના પરિવારજનોએ ચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો છે.
વાસણ આહીરના પુત્રની હાર
કચ્છના અંજારની રતનાલ ગ્રામ પંચાયતમાં સરિયાબેનની પેનલનો વિજય થયો છે. અહીં ભાજપના નેતા અને પૂર્વ મંત્રી વાસણ આહીરના પુત્ર ત્રિકમ આહીરે હારનો સામનો કરવો પડ્યો છે, જ્યારે તેમની પેનલને 10માંથી માત્ર બે વોર્ડમાં જીત મળી છે. જ્યારે પેનલના આઠ સભ્યોએ હારનો સામનો કરવો પડ્યો છે. અહીં સરિયાબેનનો 154 મતે વિજય થયો છે.
ગુજરાતના એક મંત્રીના પુત્રની હાર
હાલ આ હારજીત ચર્ચામાં છે. ગુજરાત સરકારના મંત્રી ભીખુસિંહ પરમારના પુત્રની સરપંચની ચૂંટણીમાં હાર થઈ છે. મોડાસાના જીતપુર ગ્રુપ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મંત્રીપુત્ર કિરણસિંહ ભીખુસિંહ પરમાર ૫૦૦ થી વધુ મતે હાર થઈ.
આ પણ વાંચોઃ એક વેવાણે બીજી વેવાણને હરાવી! 10 વર્ષથી રાજ કરતી વેવાણની હારથી રસપ્રદ બન્યું ચૂંટણી
પૂર્વ સાંસદના પૌત્રની પણ હાર
મહેસાણા લોકસભાના પૂર્વ સાંસદ પુંજાજી ઠાકોરના પૌત્રની ગ્રામ પંચાયતની ચૂંટણીમાં હાર થઈ છે. વિસનગર તાલુકાની કમાણા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં પુંજાજી ઠાકોરના પૌત્ર નરેન્દ્રસિંહ ઠાકોરે હારનો સામનો કરવો પડ્યો છે.
દિવ્યાંગ યુવક સરપંચ બન્યો
આંકલાવના નવાખલ ગામના લોકોએ દિવ્યાંગ યુવક ઉપર પસંદગી ઉતારી. નવાખલ ગ્રામ પંચાયતમાં દિલીપ સોલંકી નામના યુવકે ઉમેદવારી કરી હતી. દિલીપ સોલંકી બન્ને આંખે ઓછી દ્રષ્ટિ ધરાવે છે. જોકે દિલીપ સોલંકીના હૈયે લોક સેવા વસેલી હતી. ગામના અપૂરતા વિકાસને લઈ અવારનવાર દિલીપ સોસિયલ મીડિયામાં એક જાગૃત નાગરિક તરીકે પ્રશ્નો રજૂ કરતા રહે છે. તેથી દિલીપની સોશિયલ મીડિયા ઉપરની એક્ટિવિટી ગ્રામ લોકોના હૈયામાં ઉતરી હતી. ચાર-ચાર ઉમેદવારો વચ્ચે દિલીપ સોલંકીએ જીત મેળવી છે. જીત બાદ ગામ લોકોનો દિલીપ સોલંકીએ આભાર માન્યો. તેમજ ગામના વિકાસની નેમ લીધી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે