જય પટેલ/વલસાડ :દાદરાનગર હવેલીના રાજકારણમાં ગરમાવો વધ્યો છે. એક પછી એક નેતાઓ નારાજ થયા બાદ હવે કોંગ્રેસના દિગ્ગજ નેતા મોહન ડેલકર નારાજ થયા છે. લોકસભામાં અપક્ષ તરીકે ચૂંટણી લડવાની જાહેર કરી છે. આ સાથે જ ડેલકરે કોંગ્રેસ સાથે છેડો ફાડી નાંખ્યો છે. સેલવાસના ખાનગી ફાર્મ હાઉસમાં બેઠક મળી છે. જેમાં ડેલકરની અપક્ષ ઉમેદવારી અંગે અંતિમ નિર્ણય લેવામાં આવ્યો હતો. કોંગ્રેસ નારાજ મોહન ડેલકરને મનાવવાના પ્રયાસ કરી રહ્યું હતું તેમ છતાં ડેલકર માન્યા ન હતાં.
કોંગ્રેસના નેતા હોવા છતા મોદીની સભામાં હાજરી આપી હતી
પ્રધાનમંત્રી મોદી દાદરાનગર આવ્યા ત્યારે વિપક્ષમાં હોવા છતા મોહન ડેલકર તેમની સાથે સ્ટેજ પર જોવા મળ્યા હતાં અને પ્રધાનમંત્રી મોદીનું સ્વાગત કર્યું હતું. ત્યારથી તેમની નારાજગી અંગેની ચર્ચાઓએ જોર પકડ્યું હતું. તો બીજી તરફ રાહુલ ગાંધીની લાલડુંગરી ખાતેની સભામાં મોહન ડેલકર ગેરહાજર જોવા મળ્યા હતાં.
અમિત શાહ સામે સીધી ટક્કર અંગે બાપુ બોલ્યા, હું ચૂંટણી લડવાનો નથી
દાદરાનગર હવેલીમાં ભાજપમાં પણ ભડકો
દાદરાનગર હવેલીમાં હાલ બંને પક્ષના રાજકારણમાં ગરમાવો જોવા મળ્યો છે. ભાજપના રાષ્ટ્રીય કિસાન મોરચા સમિતિના સચિવ પદેથી અંકિતા પટેલે રાજીનામું આપ્યું છે અને તેઓ હવે કોંગ્રેસ પાસે ટિકીટની આશા વ્યક્ત કરી રહ્યાં છે. ભાજપે નટુ પટેલને ટિકીટ આપતા નારાજ મહિલા નેતાએ રાજીનામુ આપ્યું હતું. અંકિતા પટેલ દાદરા નગર હવેલીમાં જાણીતું નામ છે, તેઓ ફેમસ સામાજિક કાર્યકર્તા પણ છે. કોંગ્રેસ પણ ટિકિટ ન આપે તો અંકિતા પટેલે અપક્ષ ચૂંટણી લડવાની તૈયારી દર્શાવી છે. ઝી 24 કલાક સાથે વાચતીતમાં તેમણે કહ્યું કે, બંને પક્ષના સાંસદોએ દાદરાનગર હવેલીની અવદશા કરી છે, જેથી હું કોઈ પણ પક્ષને ટેકો નહિ આપું.
નરેશ પટેલના પુત્રને આખરે કરવી પડી સ્પષ્ટતા, નહિ લડે ચૂંટણી
સુરેન્દ્રનગર ભાજપમાં ભડકાના એંધાણ
સુરેન્દ્રનગર ભાજપમાં ભડકાના એંધાણ વર્તાઈ રહ્યાં છે. સાંસદ દેવજી ફતેપરા ભાજપમાંથી ટિકિટ ન મળતા નારાજ થયા છે. તે કોંગ્રેસમાં જોડાશે તેવા સંકેત પણ આપી દીધા છે. કોંગ્રેસ ધ્રાંગધ્રાની પેટાચૂંટણીમાં મોટો ખેલ પાડવાની તૈયારીમાં છે. કોંગ્રેસ ધ્રાંગધ્રા વિધાનસભાની પેટાચૂંટણીમાં ફતેપરાને ટિકિટ આપે તેવી ચર્ચા ચાલી રહી છે. અને આ માટે કોંગ્રેસમાંથી લોબિંગ પણ શરૂ કરી દેવાયું છે. સુરેન્દ્રનગરના કોંગ્રેસના મોટા ગજાના નેતાએ દેવજી ફતેપરા માટે દિલ્હી હાઈકમાન્ડને રજૂઆત કરી હતી. સૌરાષ્ટ્રના કોંગ્રેસના અનેક કોળી સમાજના નેતાઓ દેવજી ફતેપરાના સંપર્કમાં છે. એક સમયે કોંગ્રેસમાંથી જ દેવજી ફતેપરા ધ્રાંગધ્રાની વિધાનસભા બેઠકમાં ચૂંટાયા હતાં. અને તે સમયે ભાજપના જયંતી કાવડિયાને હરાવ્યા હતાં.
સુરતમાં પરિવર્તન કે પુનરાવર્તન? પાટીદાર ઉદ્યોગપતિ મહેશ સવાણીનું નામ ચર્ચામાં
વલસાડમાં પણ નારાજગીનો દોર
વલસાડ લોકસભા બેઠક પર રાજકારણ ગરમાયું છે. ભાજપના ઉમેદવાર ડો.કે.સી. પટેલથી નારાજ તેમના ભાઈ ડો.ડી.સી.પટેલે ચૂંટણી લડવાનું મન બનાવ્યું છે. આ સાથે જ તેમણે બગાવતી સૂર પણ છેડ્યા છે કે, જો ભાજપ ઉમેદવાર બદલીને મને ટિકિટ આપે તો ઠીક છે. નહીં તો, કોંગ્રેસમાં જોડાઈને ચૂંટણી લડી શકે છે. તો ત્યાંથી પણ મેળ નહીં પડે તો અપક્ષ ઉમેદવાર તરીકે પણ ચૂંટણી લડવાની ચીમકી ઉચ્ચારી છે. હાલ તો, પોતાના ભાઈનો જ વિરોધ કરનારા ડી.સી.પટેલે ગમ તે ભોગે ચૂંટણી લડવાનું મન બનાવી લેતા રાજકીય માહોલ ગરમાયો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે