સત્યમ હંસોરા/રાજકોટ :રાજકોટ લોકસભાના ભાજપના ઉમેદવાર મોહનભાઈ કુંડારિયાનો ધમકી આપતી એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ રહી છે. જેમાં મોહનભાઈ કુંડારિયા અને જિલ્લા પંચાયતના કોંગ્રેસના સભ્ય નાનુભાઇ ડોડીયા વચ્ચે ચર્ચા થતી હોવાની વાત વહેતી થઈ છે. જોકે, ZEE 24 કલાક આ ઓડિયો ક્લીપની પુષ્ટિ નથી કરતુ. ત્યારે આ ઓડિયો ક્લીપમાં મોહનભાઈ નાનુભાઈ ડોડિયા પાસે 75 ટકા મત અપાવવાની વાત કરી રહ્યા છે. સાથે જ તેઓ ધમકી આપી રહ્યા છે કે, જો 75 ટકા મત નહીં મળે તો મંડળી બંધ કરાવી દઈશ. ત્યારે આવો સાંભળિએ વાયરલ થયેલી ઓડિયો ક્લિપમાં શું વાતચીત છે.
મોહન કુંડારિયા અને નાનુ ડોડિયા વચ્ચે થયેલી વાતચીતની ઓડિયો ક્લીપ વાયરલ થઈ રહી છે. ત્યારે આ મુદ્દે વાત કરતા રાજકોટમાં કોંગ્રેસના ઉમેદવાર લલિત કગથરાએ મોહન કુંડારિયા અને ભાજપ પર પ્રહાર કર્યા છે. લલિત કગથરાએ જણાવ્યુ કે, મોહનભાઈના પગ નીચેથી જમીન સરકી ગઈ છે એટલે આવી બધી વાતો કરી રહ્યા છે. ભાજપ હવે ગુંડાશાહીમાં ઉતરી આવ્યુ છે. તો તો હાર્દિક પટેલે આ ઓડિયો ક્લિપ અંગે કહ્યું કે, ભાજપ દબાણની રાજનીતિ રમી રહ્યું છે. કોંગ્રેસના ઉમેદવારો પર ભાજપ દબાણ લાવી રહ્યું છે, તેઓ હવે હાર ભાળી ગયા છે. ભાજપ કરતા 1 સીટ વધુ કોંગ્રેસ જીતશે.
મોહન કુંડારીયાએ પોતાના બચાવમાં શું કહ્યું....
વાઈરલ થયેલા ઓડિયો ક્લિપ અંગે મોહન કુંડારીયાએ કહ્યું કે, કોંગ્રેસ પાસે કોઈ મુદ્દા નથી, તેથી આવા ઓડિયો-વીડિયો જાહેર કરીને લોકોને ગુમરાહ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. મને આ ઓડિયો ક્લિપ વિશે કંઈ જ ખબર નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે