Home> Gujarat
Advertisement
Prev
Next

ટ્રાવેલ્સમાં કામ કરતો યુવક જ નીકળ્યો મોરબીની આંગડિયા પેઢીની કરોડોની લૂંટનો માસ્ટરમાઈન્ડ

morbi crime news : સોમનાથ ટ્રાવેલ્સમાં કામ કરતા યુવકે પોતાના ભાઈને ટીપ આપી કે રોકડા ભરેલા કરોડોનું પાર્સલ જઈ રહ્યુ છે, જેના આધારે ટોળકીએ લૂંટનો પ્લાન બનાવ્યો, લૂંટ બાદ રૂપિયાની વહેંચણી કરી રહ્યાં હતા ત્યાં જ પોલીસ ત્રાટકી હતી

ટ્રાવેલ્સમાં કામ કરતો યુવક જ નીકળ્યો મોરબીની આંગડિયા પેઢીની કરોડોની લૂંટનો માસ્ટરમાઈન્ડ

હિમાંશુ ભટ્ટ/મોરબી :મોરબીના દલવાડી સર્કલ પાસે આંગડિયાના પાંચ પાર્સલ ટ્રાવેલ્સ બસમાં આવ્યા હતા, તેમાંના 1.19 કરોડ રૂપિયાની રોકડની કારમાં આવેલા શખ્સો લૂંટ કરીને નાસી ગયા હતા. જેની મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાઈ હતી. તેના આધારે એલસીબીની ટીમ સહિતની ટીમો આરોપીને પકડવા માટે તપાસ કરી રહી હતી. પોલીસને લૂંટારુએ દ્વારા વાંકાનેર તાલુકાની હદમાં રૂપિયાનો ભાગ કરવામાં આવનાર છે તેવી બાતમી મળી હતી. જેના આધારે પોલીસે રેડ કરી હતી અને લૂંટમાં ગયેલ રકમમાંથી 79 લાખ રોકડ અને કાર સહિત કુલ મળીને 86.77 લાખનો મુદ્દામાલ કબજે કરીને ત્રણ આરોપીની ધરપકડ કરી છે. તો અન્ય મુખ્ય સૂત્રધાર સહિત ત્રણ આરોપીને પકડવા માટે તજવીજ ચાલી રહી છે

fallbacks

મોરબીમાં આવેલી વીપી આંગડિયા પેઢીની રાજકોટ શાખામાંથી મોરબી ૧.૨૦ કરોડ ભરેલું પાર્સલ તારીખ 31 માર્ચના રોજ સવારે મોરબી મોકલવામાં આવ્યું હતું અને આ પાર્સલ રાજકોટથી ભૂજ વચ્ચે ચાલતી સોમનાથ ટ્રાવેલ્સની બસમાં રાજકોટથી રવાના કરવામાં આવ્યું હતું. વહેલી સવારે સવા સાત વાગ્યાના અરસામાં મોરબીના દલવાડી સર્કલ પાસે સોમનાથ ટ્રાવેલ્સમાંથી રોકડ ભરેલું પાર્સલ લઈને વીપી આંગડિયા પેઢીના મનીષભાઈ પટેલ અને તેનો ભત્રીજો મયંકભાઈ પોતાની કારમાં પાર્સલ મૂકીને જઈ રહ્યા હતા, ત્યારે ચાર બુકાની ધારી શખ્સોએ ગુપ્તી અને ગિલોલથી તેના ઉપર હુમલો કર્યો હતો અને રોકડા રૂપિયા લૂંટીને નાસી ગયા હતા. જેની મનીષભાઈએ ફરિયાદ નોંધાવી હતી. તેના આધારે તપાસ કરવામાં આવી રહી હતી અને આ ગુનામાં એલસીબીના  રજનીભાઇ કૈલા અને સંજયભાઇ પટેલને બાતમી મળી હતી,જેના આધારે પોલીસે હાલમાં મહમદઅલી ઉર્ફે પરવેઝ અલ્લરખા ચૌહાણ (ઉંમર 29 વર્ષ, રહે. મોચી બજાર રાજકોટ), સવાસીભાઇ હકકાભાઈ ગરંભડિયા (ઉંમર 19 વર્ષ, રહે. નાના માત્રા તાલુકો વિછિયા) તેમજ સુરેશ મથુરભાઇ ગરંભડિયા (ઉંમર 32 વર્ષ, રહે. નાના માત્રા તાલુકો વિછિયા વાળા)ની ધરપકડ કરાઈ છે. મુખ્ય સૂત્રધાર સહિત ત્રણ આરોપીને પકડવા માટે તજવીજ ચાલી રહી છે. 

આ પણ વાંચો : શિક્ષકો હોય તો આવા, સરકારી શાળામાં પણ આવા શિક્ષકો મળે તો વિદ્યાર્થીઓનુ ભાવિ ચમકી જાય

મોરબીમાં આવેલ વીપી આંગડીયા પેઢીમાં રાજકોટથી સોમનાથ ટ્રાવેલ્સમાં આવર નવાર રોકડા રૂપિયા મોકલાવવામાં આવતા હોય છે. ત્યારે આંગડીયા પેઢીનું 1.20 કરોડ રૂપિયા ભરેલ પાર્સલ તા 31 માર્ચના રોજ રવાના કરવામાં આવ્યું છે તેની ટીપ હાલમાં પકડાયેલા આરોપી મહંમદઅલીના ભાઈ અબ્દુલકાદર ઉર્ફે જાવિદ અલ્લરખા ચૌહાણે આપી હતી. પોલીસના કહેવા મુજબ અબ્દુલકાદર છેલ્લાં 16-17 વર્ષથી સોમનાથ ટ્રાવેલ્સમાં નોકરી કરે છે અને તેની ટીપના આધારે તેના ભાઈ પરવેઝને જાણ કરી હીત. જેની રાજકોટના મોચી બજાર પાસે નોનવેજની લારી આવેલી છે. તેની બાજુમાં ટ્રાન્સપોર્ટની ઓફિસમાં નોકરી કરતાં પંકજ કેશા ગરંભડિયાએ લૂંટનો પ્લાન બનાવ્યો હતો અને પંકજ હાલમાં પકડાયેલા બે આરોપી સહિત કુલ ચાર શખ્સોને લૂંટને અંજામ આપવા માટે સાથે લઈને આવ્યો હતો. લૂંટને અંજામ આપવામાં આવ્યા બાદ આરોપીને પકડવા માટે પોલીસની ભીંસ વધી રહી હતી, જેથી કરીને લૂંટ કરેલ રૂપિયા આરોપીઓએ ક્યા મૂક્યા ન હતા અને ગાડીમાં જ રાખીને રખડતા હતા. તેવામાં વાંકાનેર પાસે રૂપિયાની ભાગબટાઇ થવાની હતી ત્યાં પોલીસે રેડ કરીને ૭૯,૭૪,૦૦૦ ની રોકડ, ૭ લાખની હ્યુન્ડાઈ વેન્યુ કાર (નંબર જીજે ૩ એલએમ ૮૩૩૯) એમ કુલ મળીને ૮૬,૭૭,૦૦૦ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.

આ પણ વાંચો : ખોદ્યો ડુંગર નીકળ્યો ઉંદર, તાપીના શિક્ષકે પોતાના અપહરણનું નાટક કરીને પોલીસ સુધી રાજસ્થાન દોડાવી

મોરબી જિલ્લાના એએસપી અતુલ બંસલના માર્ગદર્શન હેઠળ એલસીબી, મોરબી એ ડીવીઝન સહિતની ટીમોએ કામ કરીને હાલમાં લૂંટના આ ગુનામાં ત્રણ આરોપીને પકડી લીધા છે. જેમાં સવાસીની ગાડી લઈને લૂંટારુઓ લૂંટ કરવા માટે આવ્યા હતા અને મુખ્ય  સૂત્રધાર પંકજ, સવાસી અને સુરેશ અગાઉ બે વખત લૂંટનો પ્રયાસ કરી ચૂક્યા છે. જો કે, ત્યારે તે નિષ્ફળ રહ્યા હતા. આ ગુનામાં ટીપ આપનાર અબ્દુલકાદર ઉર્ફે જાવિદ અલ્લરખા ચૌહાણ, ઈમરાન અલ્લરખા ચૌહાણ અને પંકજ કેશા ગરંભડિયાને પકડવાના બાકી હોય તેને પકડવા માટે તજવીજ ચાલી રહી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More