ગૌરવ દવે/રાજકોટ: ગુજરાતના મોરબીમાં 30 ઓક્ટોબરે થયેલ પુલ અકસ્માત સમગ્ર દેશ માટે ખૂબ જ દુઃખદ ઘટના છે. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 135 લોકોના મોત થયા છે અને નદીમાં સર્ચ ઓપરેશન ચાલુ છે. દરમિયાન બ્રિજનું રિનોવેશન કરનાર કંપનીએ કોર્ટમાં વિચિત્ર દલીલ કરી છે અને કહ્યું છે કે આ વખતે ભગવાનની કૃપા નહીં હોય, તેથી આ દુર્ઘટના બની છે.
અકસ્માત અંગે ઓરેવા કંપનીનું કોર્ટમાં નિવેદન
મોરબી બ્રિજ અકસ્માત અંગે ઓરેવા કંપનીએ કોર્ટમાં નિવેદન આપ્યું છે. જેમણે રિનોવેશન કર્યું હતું. ઓરેવાના મીડિયા મેનેજર દીપક પારેખે કોર્ટમાં કહ્યું કે અમારા એમડી જયસુખ પટેલ સારા વ્યક્તિ છે. 2007માં પ્રકાશભાઈને કામ સોંપવામાં આવ્યું, કામ સારી રીતે કરવામાં આવ્યું હતું. તેથી તેમને ફરીથી કામ સોંપવામાં આવ્યું. અમે પહેલાં રિપેરિંગ કામ કર્યું હતું. આ વખતે ભગવાનની કૃપા નહીં હોય, કદાચ તેથી જ આ દુર્ઘટના બની છે.
ઓરેવા ગ્રુપ અને મોરબી કલેક્ટરનો પત્ર વાયરલ
મોરબી બ્રિજ દુર્ઘટના વચ્ચે ઓરેવા ગ્રુપ અને મોરબી કલેકટરની મીટીંગનો પત્ર વાયરલ થયો છે જે અંગે ઓરેવા ગ્રુપે મોરબી કલેક્ટરને બે વર્ષ પહેલા લખ્યો હતો. આ પત્ર કામચલાઉ સમારકામ કરીને પુલ શરૂ કરવા અંગે લખવામાં આવ્યો હતો. આ પત્રમાં ઓરેવા ગ્રૂપે લખ્યું છે કે જો માત્ર રિપેરિંગનું કામ જ કરવાનું હોય તો કંપની રિપેર માટે કોઈપણ પ્રકારની સામગ્રી કે સામાન મંગાવવાની નથી.
પત્રમાં ઓરેવા ગ્રૂપે લખ્યું છે કે, જ્યાં સુધી કાયમી કરારની સમગ્ર પ્રક્રિયા પૂરી ન થાય ત્યાં સુધી અમે હંગામી પુલ શરૂ કરીશું. આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જ અમે કાયમી સમારકામ શરૂ કરીશું. અંતમાં પત્રમાં લખ્યું છે કે, સાહેબ અમે કામચલાઉ સમારકામ કરીને કેબલ બ્રિજ શરૂ કરવાના છીએ, અમને ખાતરી છે કે આ બાબતો ટૂંક સમયમાં ઠીક થઈ જશે. હંગામી સમારકામ બાદ પુલને ફરીથી ખોલી શકાશે.
મોરબી બ્રિજ અકસ્માતમાં બેદરકારીના 10 પુરાવા
ઓરેવા કંપનીના પત્ર અને કોર્ટમાં પોલીસના નિવેદન બાદ મોરબી બ્રિજ અકસ્માતમાં 10 મોટી બેદરકારી સામે આવી છે, જેના કારણે 135 લોકોએ જીવ ગુમાવ્યા છે.
ઓરેવા કંપનીના પત્રમાંથી ખુલાસો
1. નવા કરાર સુધી રિપેરિંગ સામાન ખરીદ્યો નથી
2. કલેક્ટર પાસે કાયમી કરારની માંગ
3. પ્રક્રિયા પૂર્ણ થયા પછી જ સમારકામ
4. હાલ પુરતો બ્રિજ હંગામી ધોરણે કાર્યરત રહેશે
5. કામચલાઉ સમારકામ બાદ પુલને ફરીથી ખોલી શકાશે
પોલીસના નિવેદન પરથી આ બાબતો બહાર આવી
6. કેબલનું કામ યોગ્ય રીતે થયું નથી
7. 4 કોન્ટ્રાક્ટરો પાસે ટેકનિકલ ડિગ્રી નથી
8. કોઈને લાઈફ જેકેટ આપવામાં આવ્યું ન હતું
9. નબળું સ્થળ જ્યાં કેબલ તૂટી ગયો
10. ઓરેવા કંપનીએ મંજૂરી વગર બ્રિજ શરૂ કર્યો
પોલીસે જજ સમક્ષ મહત્વનું નિવેદન આપ્યું છે. FSL રિપોર્ટમાં જે પ્રમાણેના ખુલાસા થયા છે. તેમા ઓરેવા કંપનીએ 29 લાખનો ફેબ્રિકેશનનો કોન્ટ્રાક્ટ આપ્યો હોવાનો ખુલાસો થયો છે. આ સિવાય DYSPએ નિવેદન આપતા જણાવ્યું કે 2007 અને 2022માં મેન્ટેનન્સનો કોન્ટ્રાકટ માટે ટેન્ડરીન્ગ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. મેન્ટેનન્સ રિપેરિંગના નામે માત્ર પ્લેટફોર્મ બદલવામાં આવ્યા છે..પેટા કોન્ટ્રાકટ પૈકીના 4 આરોપીઓ ટેક્નિકલ ડિગ્રી ધરાવતા નથી કે ટેક્નિકલ વસ્તુઓ જાણતા નથી તેમ પોલીસે નિવેદન આપ્યું છે. જે જે મુલાકાતીઓ પુલ પર જતાં હતા..તેમાં કોઈને પણ લાઈફ જેકેટ આપવામાં નહોતા આવ્યા...FSL રિપોર્ટમાં પણ અનેક ખુલાસા થયા છે. જ્યાંથી કેબલ તૂટ્યો તે જગ્યાએ નબળો પડેલો અને કાટ લાગેલો હતો..કેબલનું કામ બરાબર થયું હોત તો આ ઘટના ના બની હોત...
તો બીજી તરફ, FSL રિપોર્ટમાં પણ અનેક ખુલાસા થયા છે. જ્યાંથી કેબલ તૂટ્યો તે જગ્યાએ નબળો પડેલો અને કાટ લાગેલો હતો. કેબલનું કામ બરાબર થયું હોત તો આ ઘટના ના બની હોત. તંત્રની મંજૂરી વગર જ બ્રિજ ઓરેવા કંપનીએ શરૂ કરી દીધો હતો.
વર્ષ ૨૦૦૭માં ઓરેવા કંપનીએ વિશ્વકર્મા ફેબ્રિકેશનને પેટા કોન્ટ્રાક્ટ આપ્યો હતો. ત્યારે સવાલ એ છે કે તે સમયે પ્રકાશ પાસે એન્જિનિયરીંગની કોઇ લાયકાત ન હતી, છતા કોન્ટ્રાક્ટ કઇ રીતે આપ્યો ? ૨૦૨૨માં દેવ પ્રકાશ ફેબ્રિકેશન કે જેનું સંચાલન પ્રકાશ પરમારના પુત્ર દેવાંગ કરતા હતા જે માત્ર ૧૨ ધોરણ સુધીનો અભ્યાસ કર્યો છે. લાયકાત વગરની વ્યક્તિઓને બ્રિજનું કામ કઇ રીતે સોંપાયું તેના પર તપાસ કરાય. બ્રિજ ૨૦૦૭માં તૈયાર કરાયો હતો, ત્યારે એલ્યુમિનીયમની ત્રણ લેયર કરવામાં આવી હતી, જે બાદ ૨૦૨૨માં ફરી એલ્યુમિનિયયમની ચાર લેયરનું પ્લેટફોર્મ તૈયાર કરાયું હતું. આ સમયે જેના પર બ્રિજ ઉભો છે તેની ચકાસણી કેમ ન કરવામાં આવી?
ઓરેવા કંપની વતી દિપક પારેખ ફેબ્રિકેશન કંપની સાથે વાર્તાલાપ કરતો હતો અને મટીરીયલ્સની ખરીદી કરતા હતા, ત્યારે કોના કહેવાથી આ કોન્ટ્રાક્ટ અપાયો તે તપાસનો વિષય છે. જે મટીરીયલ્સની ખરીદી કરાઇ હતી તેની ચકાસણી કરવામાં આવી હતી તે કેમ ? કોઇપણ ઓવરબ્રિજ કે અંડરબ્રિજ ખુલ્લો મુકતા પહેલા ગેરીની મંજૂરી લેવી પડે છે. (ગેરી બ્રિજના ફિટનેસ આપતી સંસ્થા છે, વડોદરામાં છે) ગેરીની મંજૂરી લેવી પડે જે લેવામાં કેમ નથી આવી તેના પર તપાસ કરાય.
મેનેજરે જયસુખ પટેલનું નામ લીધું
કોર્ટમાં ઓરેવા કંપનીના મેનેજર દિપક પારેખે કોર્ટ સમક્ષ પ્રથમ વખત જ એમ.ડી. જયસુખ પટેલનું નામ લીધું હતું. અગાઉ પોલીસ સમક્ષ દિપક પારેખે જયસુખ પટેલનું નામ નહોતું લીધું. મોરબી દુર્ધટના કેસમાં પોલીસે ૯ પૈકી ૪ આરોપીઓના ૧૦ દિવસની રિમાન્ડની માંગ કરી હતી. જેમાં 4 આરોપીઓના 5 તારીખ સુધીના રિમાન્ડ મંજૂર કરાયા છે. તો 5 આરોપીઓને સીધા જેલ હવાલે કરાયા છે. જેમાં ઓરેવા કંપનીના મેનેજર દિપક પારેખ, દિનેશ દવે, પ્રકાશ પરમાર અને દેવાંગ પરમારના રિમાન્ડ મંજૂર કરાયા છે.
કેબલ ન બદલાયા, માત્ર ફ્લોરીંગ બદલાયુ હતું
સરકારી વકીલ હર્ષેન્દુ પંચાલે જણાવ્યું કે, કેબલ બદલાયા નથી, માત્ર ફ્લોરીંગ બદલાયુ છે. ફ્લોર લેયરના વજનના કારણે કેબલ બ્રિજ તૂટ્યો. રીપેરિંગના નામે માત્ર પ્લેટફોર્મ બદલવામાં આવ્યા હતા. તપાસ ચાલુ છે. આગળ તપાસ કરાશે તો વધુ માહિતી મળાશે, એફએસએલ રિપોર્ટ હજી ખોલાયો નથી, માત્ર તેનો ઉલ્લેખ કરાયો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે